મયંક મૅન ઑફ ધ મૅચઃ વૈભવે સિક્સરના સપાટાની ઝલક આપી દીધી
હરારેઃ શ્રેયસ ઐયરે નવી કૅપ્ટન્સીની 26મી જૂને શરૂઆત કરી હતી અને લાગલગાટ છ પરાજય જોયા બાદ તેના સુકાનમાં ભારતે ગુરુવારે પહેલી વખત જીત માણી. હરારેમાં ભારતે ઝિમ્બાબ્વેને ત્રણ ટી-20વાળી સિરીઝની પહેલી મૅચમાં સાત વિકેટે હરાવીને 1-0થી સરસાઈ મેળવી લીધી હતી. ભારતે 126 રનનો લક્ષ્યાંક (13.2 ઓવરમાં 3/126ના સ્કોર સાથે) સાત વિકેટના માર્જિનથી અને 40 બૉલ બાકી રાખીને મેળવી લીધો હતો. ભારત વતી ચોથી ટી-20 રમનાર ફાસ્ટ બોલર મયંક યાદવ (18 રનમાં બે વિકેટ)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
ભારતીય ટી-20 ટીમે ગયા મહિને વિદેશ પ્રવાસની શરૂઆત આયરલૅન્ડથી કરી હતી જ્યાં ભારતનો 0-2થી વાઇટવૉશ થયો હતો. આઇરિશોએ ત્યારે પહેલી જ વખત ભારત સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિજય મેળવ્યો હતો અને સિરીઝ પણ જીતી લીધી હતી. ત્યાર પછી ઇંગ્લૅન્ડમાં શ્રેયસ ઍન્ડ કંપનીનો 0-4થી રકાસ થયો હતો.
ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ, મયંકની પહેલા જ બૉલમાં વિકેટ
આયરલૅન્ડ તથા ઇંગ્લૅન્ડની ટ્વીન ટૂરમાં ભારત (India)એ ખાસ કરીને કંગાળ બૅટિંગ પ્રદર્શનને લીધે નાલેશી જોવી પડી હતી. જોકે ગુરુવારે ઝિમ્બાબ્વે સામે ટીમ ઇન્ડિયાએ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી વિજય મેળવ્યો હતો. યજમાન ઝિમ્બાબ્વે (Zimbabwe)ને 20 ઓવરમાં 7/125 સુધી ભારતે સીમિત રાખ્યું હતું. સિરીઝના પહેલા જ બૉલમાં ફાસ્ટ બોલર મયંક યાદવે વિકેટ લઈને તરખાટ મચાવી દીધો હતો. તેણે ઓપનર બ્રાયન બેનેટ (0)ને વિકેટકીપર ઇશાન કિશનના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
થોડી વાર બાદ પ્રિન્સ યાદવે બીજા ઓપનર બેન કરૅન (10 રન)ને વૈભવ સૂર્યવંશીના હાથમાં અને પછીની ઓવરમાં મયંક યાદવે ડિયૉન માયર્સ (છ રન)ને શિવમ દુબેના હાથમાં કૅચઆઉટ કરાવી દીધો હતો. ત્યારે ટીમનો સ્કોર ત્રણ વિકેટે માંડ 20 રન હતો. ચોથી વિકેટ શિવમ દુબેએ લીધી હતી. તેની પ્રાઇઝ વિકેટમાં કૅપ્ટન સિકંદર રઝા (ચાર રન) સબસ્ટિટ્યૂટ ખેલાડી સૂર્યાંશ શેડગેને કૅચ આપી બેઠો હતો.
ત્યાર બાદ ઝિમ્બાબ્વેની ટીમ ફરી બેઠી નહોતી થઈ શકી અને ભારતને 126 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો. સાતમી જૂને નૉટિંગમમાં ઇંગ્લૅન્ડ સામે શ્રેયસની ટીમ માત્ર 76 રનમાં ઑલઆઉટ થઈ જતાં 125 રનથી શરમજનક પરાજય થયો હતો. જોકે હરારેની પિચ પર ભારતીયોએ ઝિમ્બાબ્વેને 125 રન સુધી સીમિત રાખ્યું હતું.
ભારતના પાંચ બોલરમાંથી મયંક યાદવને બે અને પ્રિન્સ યાદવને બે વિકેટ મળી હતી. એક-એક વિકેટ શિવમ દુબે અને રવિ બિશ્નોઈએ મેળવી હતી. એક ખેલાડી દુબે-કિશનના હાથે રનઆઉટ થયો હતો. ફાસ્ટ બોલર અશોક શર્માને વિકેટ નહોતી મળી, પણ તેની ચાર ઓવર બહુ ખર્ચાળ નહોતી. તેની ચાર ઓવરમાં 29 રન બન્યા હતા. વેઝલી માડેવરેના 39 રન ઝિમ્બાબ્વેની ટીમમાં સૌથી વધુ હતા.
વૈભવનો સિક્સરનો ધોધમાર વરસાદ શરૂ
15 વર્ષીય ઓપનર વૈભવ સૂર્યવંશીએ દાવની શરૂઆતથી જ પરચો બતાવવાનું શરૂ કરી દીધું હતું. તે ઇંગ્લૅન્ડમાં ત્રણેય મૅચમાં નિષ્ફળ (14 રન, 13 રન, 15 રન) ગયો હતો, પણ હરારેમાં તેણે આંતરરાષ્ટ્રીય મૅચમાં પહેલી વખત 20 રનનો આંકડો ઓળંગ્યો હતો. તેણે ગુરુવારે 18 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી.
This Is Vaibhav Sooryavanshi Under VVS LAXMAN! A well deserving 50.
— Sunil Gavaskar (@virender_swag) July 23, 2026
Under Gautam Gambhir he was not able to cross 20. Extra Pressure or Expectation was the Reason ?#indvszim #indvzim pic.twitter.com/ZxWoCASZyw
તેણે કુલ 32 મિનિટ સુધી ક્રીઝમાં રહીને 19 બૉલમાં ચાર છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા અને પેસ બોલર ઍન્ગારાવાના બૉલમાં કટ મારવા જતાં કૅચઆઉટ થયો હતો. વૈભવે દાવની શરૂઆતમાં (ઍન્ગારાવાની) બીજી ઓવરમાં 6, 4, 6ના શૉટ સાથે સ્ટેડિયમ ગજવી નાખ્યું હતું. પછીથી તેણે વધુ બે છગ્ગા ફટકાર્યા હતા. તેણે એક સિક્સરમાં બૉલ બૅકવર્ડ સ્કવેર લેગ પરથી, બીજી સિક્સરમાં લૉન્ગ ઑફ પરથી, ત્રીજી સિક્સરમાં બૉલ ફાઇન લેગ પરથી અને ચોથી (90 મીટર ઊંચી) સિક્સરમાં બૉલ લૉન્ગ ઑન પરથી બાઉન્ડરી લાઇનની બહાર મોકલ્યો હતો.

વિકેટકીપર ઇશાન કિશને 35 રન, શ્રેયસે અણનમ 28 રન અને તિલક વર્માએ અણનમ છ રન બનાવ્યા હતા. એ પહેલાં, ઓપનર અભિષેક શર્મા પોતાના ફક્ત એક રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. ઝિમ્બાબ્વે વતી પેસ બોલર બ્લેસિંગ મુઝરબાનીએ બે અને રિચર્ડ ઍન્ગારાવાએ એક વિકેટ મેળવી હતી.
બીજી ટી-20 શનિવારે (સાંજે 4.30 વાગ્યાથી) હરારેમાં જ રમાશે. એ મૅચ જીતીને શ્રેયસની કૅપ્ટન્સીમાં ભારતને પહેલી વખત સિરીઝ જીતવાનો મોકો મળશે.