Thu Jul 23 2026

Logo

નવસારી-તાપીમાં અનેકને રેસ્ક્યૂ કરી બચાવાયા; સુરત, વલસાડ સહિત અનેક જિલ્લાની શાળાઓમાં રજા જાહેર

2026-07-23 20:36:31
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: નવસારી જિલ્લામાં અને ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે જૂજ અને કેલિયા ડેમ ઓવરફ્લો થયા હતા, જેના પગલે પૂર્ણા નદીકાંઠાના અને હેઠવાસના ગામોને સતર્ક રહેવા તથા પાણીવાળા વિસ્તારોમાં ન જવા અપીલ કરી હતી. ભારે વરસાદના કારણે અંબિકા નદી ભયજનક સપાટીએ પહોંચતા સુરક્ષાના ભાગરૂપે અન્ની અને નવસારીને જોડતો નેશનલ હાઇવે-4 એક્સપ્રેસવે બંધ કરાવ્યો હતો. જોકે, માર્ગ અને મકાન વિભાગની 7 વિશેષ ટીમોએ ધરાશાયી થયેલા વૃક્ષો હટાવી વાંસદા અને ચીખલી રૂટ પર વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો. નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાતા તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં 17 પુરુષો, 15 મહિલાઓ અને 18 બાળકો મળી કુલ 50 નાગરિકોને બચાવીને તોરણ ગામની શાળામાં આશ્રય આપવામાં આવ્યો હતો. હવામાન વિભાગના એલર્ટ અને જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, આઈટીઆઈ અને આંગણવાડીઓમાં સાવચેતીના ભાગરૂપે આજે રજા જાહેર કરવામાં આવી છે. 

તાપી જિલ્લામાં પણ ભારે વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન બન્યા હતા, જેમાં બાળકોના રેસ્ક્યુની એક મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડોલવણ તાલુકાની પંચોલ આશ્રમશાળાના કેમ્પસમાં વરસાદી પાણી ભરાઈ જતાં અહીં ભણતા ધોરણ 9 થી 12 ના 150 જેટલા વિદ્યાર્થીઓને કેમ્પસના જ પાકા મકાનના પ્રથમ માળે સુરક્ષિત ખસેડાયા હતા. આ ઉપરાંત, અન્ય 290 નાના બાળકોને પણ આશ્રમની બાજુમાં ઊંચાઈ પર આવેલા ટેકરા પરના મકાનમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તાપીના ડોલવણમાં અતિભારે વરસાદ ખાબકતા ઢોડિયાવાડ ખાતે પૂરના પાણીમાં ફસાયેલા 11 નાગરિકોને એસડીઆરએફની ટીમ અને સ્થાનિક તંત્રએ બોટ મારફતે બચાવી લીધા હતા. આ ઉપરાંત, વાલોડ તાલુકામાં દાદરીયા એપ્રોચ રોડ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર તત્કાલ અસરથી બંધ કરી બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. આ જ રીતે ઉમરગામ અને સંજાણ વિસ્તારમાં પણ ગુજરાત પોલીસ અને એસડીઆરએફ દ્વારા સ્થળાંતર અને બચાવ કામગીરી કરવામાં આવી હતી.