Thu Jul 23 2026

Logo

સુરતમાં મેઘરાજાએ ફરી સંકટ ઊભું કર્યું; અનેક વિસ્તારો-ગામ પાણીમાં ડૂબ્યાં

2026-07-23 20:42:30
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
સુરત શહેર અને જિલ્લામાં સતત પડેલા વરસાદે ફરી સંકટ ઊભું કર્યું હતું. શહેરમાં એકસાથે ખાબકેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બની ગયા હતા. અનેક વિસ્તારના માર્ગો પર આશરે ચારથી પાંચ ફૂટ જેટલાં પૂરના પાણી ફરી વળ્યાં હતા. સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે સણિયા હેમાદ ગામમાં ગંભીર જળબંબાકાર જોવા મળ્યો હતો, જ્યાં ઘરો અને ગામનું મંદિર સંપૂર્ણ ડૂબી ગયા હતા. સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે સૌ તેમની સ્થિતિ જુએ છે પરંતુ કોઈ નક્કર કામગીરી કરતું નથી. 

બીજી તરફ, કુડસદ ગામમાં પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થવા જતાં એક કાર ફસાઈ ગઈ હતી, જેમાં સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને ટ્રેક્ટરની મદદથી કારને બહાર કાઢી ડ્રાઈવરનો જીવ બચાવ્યો હતો. સુરતમાં ભારે વરસાદ વચ્ચે અંબિકા તાલુકામાં પૂરની સ્થિતિને પગલે 7 ગામોમાંથી 295 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. અંબિકા નદી અને ઓલણ ખાડીઓના જળસ્તરમાં વધારાને પગલે સુરત જિલ્લા વહીવટી તંત્ર તેમજ તાલુકા પ્રશાસન દ્વારા ત્વરિત પગલાં ભરીને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 295 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. 

સુરત જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે,  દક્ષિણ ગુજરાતમાં જભારે વરસાદના કારણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર અંબિકા નદીનું પાણી છેક બ્રિજ સુધી પહોંચી ગયું હતું, જેના કારણે પલસાણા પાસે ડાયવર્જન આપવામાં આવ્યું હતું,  અમદાવાદ બાજુથી આવતા વાહનોએ નવસારી બાજુ જવાનું રહેશે. તે ઉપરાંત  નવસારીથી વલસાડ વચ્ચે નેશનલ હાઇવે 48 પર ઇમર્જન્સી સંજોગ સિવાય અવરજવવારો કરવાનો આદેશ કર્યો છે. ઓલપાડ, ઉમરપાડા, પલસાણા, મહુવા અને અંબિકા તાલુકાની તમામ નદીઓમાં પૂરની સ્થિતિ હોવાથી લોકોને અગત્યના કામ સિવાય બહાર જવાનું ટાળવાની સલાહ આપી છે." નર્મદા જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમનું રૂલ લેવલ જાળવવાના ભાગરૂપે ડેમના 5 દરવાજા 2.60 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા, જેના પગલે કરજણ નદીમાં 43,110 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.