કલ્યાણમાં મહત્ત્વના પુલો પર પાણી ફરી વળતાં ટ્રાફિક જૅમ: બદલાપુરમાં વીજળીના 27 થાંભલા ઊખડી પડતાં રહેવાસીઓ અંધારામાં
મુંબઈ: થાણે જિલ્લાના અનેક ભાગોમાં બુધવાર રાતથી સતત વરસાદ વરસતો હોવાથી ઝાડ પડવાની અને વીજળીના થાંભલા ઊખડી પડવાની અનેક ઘટનાઓ નોંધાઈ હતી. કલ્યાણ તાલુકામાં તો મહત્ત્વના પુલો પાણીમાં સમાઈ ગયા હોવાથી ટ્રાફિકની સમસ્યા મોટે પાયે નિર્માણ થઈ હતી.
થાણે શહેરમાં છેલ્લા 24 કલાકમાં 99.32 મિ.મી. વરસાદની નોંધ થઈ હતી. આ સીઝનમાં અત્યાર સુધીમાં 1,893.78 મિ.મી. વરસાદની નોંધ થઈ છે, જેની સામે ગયા વર્ષે 1,270.48 વરસાદ નોંધાયો હતો, એમ થાણે મહાપાલિકાના રિજનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું.
થાણે નજીકના બદલાપુર અને વાંગણીમાં વીજળીના 27 થાંભળા ઊખડી ગયા હતા, જેને કારણે 27,000 ગ્રાહક બુધવાર સાંજથી વીજળી વિના રહ્યા હતા. કલ્યાણના તહેસીલદાર વિકાસ ગરુડકરે જણાવ્યું હતું કે કાલુ નદીમાં પાણીનું સ્તર વધી જતાં ટિટવાલા-ફાલેગાંવ રોડ પરનો રુંડે બ્રિજ પૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સુરક્ષાનાં કારણોસર આ બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
ભારે વરસાદને કારણે કલ્યાણ તાલુકાનો જ વલકાસ-વેહારે બ્રિજ પર પાંચ કલાકથી વધુ સમય માટે વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાયો હતો. થાણે જિલ્લામાં વૃક્ષો તૂટી પડવાની ઘટનાઓમાં વાહનો અને ઘરોને નુકસાનની ઘટનાઓ નોંધાઈ હતી, પરંતુ સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.