(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી હતી. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં પડ્યો હતો. ઉમરગામ તાલુકામાં માત્ર છેલ્લા 24 કલાકમાં 35.67 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે કપરાડામાં 28.78 ઇંચ, નાનાપોંઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં 19.65 ઇંચ અને પારડીમાં 17.64 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં પડેલા વરસાદને કારણે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે પણ વાત કરી હતી અને તેમણે ગુજરાત સરકારને તમામ જરૂરી સહાયની ખાતરી આપી હતી. જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને ઔરંગા નદીના કાંઠે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
વલસાડ જિલ્લામાં પડેલા વરસાદને કારણે ઓરંગા નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું અને શહેરના અનેક ભાગોમાં પાણી ભરાયું હતું. નવી દિલ્હીથી એનડીઆરએફની વધુ 2 ટીમો ઉપરાંત આર્મીના 70 જવાનો, 5 બોટ અને ફાયર વિભાગની 25 વ્યક્તિઓની ટીમ પણ વલસાડ પહોંચી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વાપીની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી, જ્યાં શહેરના રહેણાંક વિસ્તારો તેમજ ઔદ્યોગિક એકમોમાં પાણી ભરાયું હતું. શહેરના પટેલ સમાજની વાડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જ્યાં પાર્ક કરેલી 200થી વધુ કારો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. દક્ષિણ ગુજરાતની સ્થિતિ જોતાં સુરતમાં એનડીઆરએફની બે ટીમ અને એસડીઆરએફની પાંચ ટીમ, જ્યારે વલસાડમાં એનડીઆરએફની બે અને એસડીઆરએફની ચાર ટીમો તૈનાત કરવામાં આવી છે. નવસારી માટે, 21 એનડીઆરએફ ટીમો અને એસડીઆરએફની બે ટીમો સુરતથી મોકલવામાં આવી રહી છે. તે ઉપરાંત અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં પણ એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું.