નોઇડા: ઉત્તર પ્રદેશની નોઇડા પોલીસે આંતરરાષ્ટ્રીય હવાલા અને મની લોન્ડરિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે એક ચીની નાગરિક સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
કરોડો રૂપિયાના આર્થિક ગુનાઓ માટે શેલ કંપનીઓ બનાવી
આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગ ભારતમાં ગેરકાયદે વ્યવહારો, હવાલા કામગીરી અને કરોડો રૂપિયાના અન્ય આર્થિક ગુનાઓ કરવા માટે અનેક શેલ કંપનીઓ ચલાવી રહી હતી. જેમાં ગેંગ લીડર,ચીની નાગરિક લિયાઓ લોંગહુઈ, 2020 માં તેના ભારતીય વિઝાની મુદત પૂરી થઈ રહી હોવા છતાં દેશમાં ગેરકાયદે રીતે રહેતો હતો અને ભારતીય સહયોગીઓ દ્વારા સમગ્ર નેટવર્કનું સંચાલન કરતો હતો.
38 વર્ષીય ચીની નાગરિક લિયાઓ લોંગહુઈ
આ સમગ્ર ઘટના અંગે એસટીએફના અધિક પોલીસ અધિક્ષક રાજ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓમાં 38 વર્ષીય ચીની નાગરિક લિયાઓ લોંગહુઈ, ગાઝિયાબાદ નિવાસી સંજીવ કુમાર અને ઔરૈયા નિવાસી કૌશલેન્દ્રનો સમાવેશ થાય છે.
4.72 કરોડ રૂપિયાના ચેક અને રોકડ રકમ જપ્ત
આ ત્રણ લોકોની બુધવારે રાત્રે સેક્ટર-93 સ્થિત પૂર્વાંચલ સિલ્વર સિટીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓ પાસેથી પાંચ લેપટોપ, નવ એન્ડ્રોઇડ મોબાઇલ, એક ટેબ્લેટ, વિવિધ કંપનીઓના દસ સીલ, 11 બેંક ચેક બુક, બે ચાઇનીઝ પાસપોર્ટ, એક ચાઇનીઝ ઓળખ કાર્ડ, પાન કાર્ડ, કંપની રચના સંબંધિત દસ્તાવેજો, વિવિધ બેંકોના લગભગ 4.72 કરોડ રૂપિયાના ચેક
અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.