Thu Jul 23 2026

Logo

પેપર લીક કેસઃ આખરે પ્રોફેસર આશિષ ગુપ્તા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

2026-07-23 19:30:16
Author: Mumbai Samachar Team
Article Image

હરિદ્વારઃ વિદ્યાર્થીઓ સંબંધિત મુદ્દાઓને લઈને દેશભરમાં વધી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે હવે ઉત્તરાખંડ ટેકનિકલ યુનિવર્સિટી (UTU) માં પેપર લીકની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. પ્રશ્નપત્ર લીકના આરોપો બાદ, યુનિવર્સિટીએ 24 જૂન અને 8 જુલાઈના રોજ યોજાયેલી બે પરીક્ષાઓ રદ કરી દીધી છે. આ ઘટનાએ હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં મૂકી દીધું છે. જ્યારે દોષિતો સામે તપાસ અને કાર્યવાહીની માંગણીઓ ઊઠી છે. આ સમગ્ર કેસમાં તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. 

પ્રોફેસરે જ પેપર લીક કર્યું

એક એવો આરોપ છે કે, દેહરાદૂન સ્થિત શિવાલિક કોલેજના એક આસી.પ્રોફેસરે પરીક્ષા પહેલા એક વોટ્સએપ ગ્રુપ પર પ્રશ્નપત્ર શેર કર્યું હતું અને વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ પ્રશ્નો અંગે માહિતી પૂરી પાડી હતી. આ ફરિયાદ યુનિવર્સિટીમાં પહોંચ્યા પછી મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી હતી.આ તપાસ દરમિયાન પ્રથમ દ્રષ્ટિએ આરોપો સાચા હોવાનું જણાતાં યુનિવર્સિટી વહીવટીતંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી અને સંબંધિત પરીક્ષાઓ રદ કરી દીધી છે. પેપર લીક થયાના અહેવાલો બાદ, NSUI ના કાર્યકરો ઉત્તરાખંડ ટેકનિકલ યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચ્યા અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું. આ કાર્યકરોએ આરોપ લગાવ્યો કે, આ મામલામાં કોઈ મોટી ગેંગ સંડોવાયેલી હોઈ શકે છે અને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. યુનિવર્સિટી કેમ્પસમાં રોકાયા બાદ તેમણે વહીવટીતંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.

શું કહે છે વાઈસ ચાન્સેલર?

આ મુદ્દે UTU ના વાઇસ-ચાન્સેલર તૃપ્તા ઠાકુરે જણાવ્યું હતું કે, તા. 24 જૂન અને 8 જુલાઈના રોજ યોજાયેલી પરીક્ષાઓ અંગે ગુપ્ત ફરિયાદો મળ્યા બાદ યુનિવર્સિટી સ્તરે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન આરોપો સાબિત થયા બાદ શિવાલિક કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર આશિષ ગુપ્તાને યુનિવર્સિટીના પરીક્ષા પેનલમાંથી સાત વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. 8 જુલાઈની પરીક્ષાનું પ્રશ્નપત્ર ખરેખર લીક થયું હતું આ વાત ખાતરી સાથે કહી હતી. આ દરમિયાન 24 જૂને યોજાનારી 'ઈલેક્ટ્રોમેગ્નેટિક' વિષયની પરીક્ષા સાવચેતીના પગલા તરીકે રદ કરવામાં આવી હતી. કારણ કે તે જ શિક્ષકે તેનું પ્રશ્નપત્ર પણ તૈયાર કર્યું હતું. આ કારણે હવે આ શિક્ષક સામે પણ કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે. આ પરીક્ષા હવે ઓગસ્ટમાં ફરીથી લેવામાં આવશે. કુલપતિએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીની પરીક્ષા પ્રણાલી સુરક્ષિત છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

કોણ છે આ પ્રોફેસર?

આ મામલે પોલીસે આસી. પ્રોફેસર આશીષ ગુપ્તા સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. SP પ્રમોદ કુમારે જણાવ્યું કે, પોલીસ પેપર લીક મામલે તમામ પાસાઓની તપાસ કરી રહી છે. આ માટે એક ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. ટીમને સૂચના આપી દેવામાં આવી છે. ટૂંક સમયમાં કાયદેસરના પગલાં લઈને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.પેપર લીક સંબંધીત જે કોઈ સંડોવાયેલા હશે એની સામે કડક પગલાં લેવામાં આવશે.