Thu Jul 23 2026

Logo

Internet Shutdown Rules: સરકાર ક્યારે અને કયા કાયદા હેઠળ બંધ કરી શકે છે તમારું ઈન્ટરનેટ? જાણો શું કહે છે નવો કાયદો!

2026-07-23 18:16:55
Author: Darshana Visaria
Article Image

હાલમાં જ સેન્ટ્રલ દિલ્હીમાં 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના સંસદ માર્ચ દરમિયાન સુરક્ષાના કારણોસર કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત ઘણી જગ્યાએ સિગ્નલ જેમર્સ પણ લગાવવામાં આવ્યા હતા, જેથી વિરોધ પ્રદર્શન દરમિયાન વીડિયો અપલોડિંગ કે લાઈવ સ્ટ્રીમિંગ ન થઈ શકે. આ ઘટના બાદ ફરી એકવાર ઈન્ટરનેટ શટડાઉન (Internet Shutdown)ને લઈને કાયદાકીય નિયમો ચર્ચામાં આવ્યા છે. ચાલો જાણીએ કે ઈન્ટરનેટ શટડાઉન અંગે દેશમાં કયા નિયમો અને કાયદા અમલી છે.

સૌથી પહેલાં તો વાત કરીએ કે આખરે આ ઈન્ટરનેટ શટડાઉન શું હોય છે એની તો જ્યારે માહિતીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે કોઈ ચોક્કસ વિસ્તાર કે લોકો માટે ઈન્ટરનેટ અને ઈલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન સેવાઓને જાણીજોઈને બંધ કરવામાં આવે છે, તો તેને ઈન્ટરનેટ શટડાઉન કહેવાય છે. તેમાં ઈન્ટરનેટની સ્પીડ ધીમી કરવાથી લઈને કોઈ ચોક્કસ પ્લેટફોર્મ કે સમગ્ર ઈન્ટરનેટ સેવાઓને બ્લોક કરવાનો સમાવેશ થાય છે.

સરકાર ક્યારે અને કઈ સ્થિતિમાં ઈન્ટરનેટ બંધ કરી શકે?

Telecommunications Act, 2023ના સેક્શન 20(2)(b) મુજબ જાહેર સુરક્ષા કે પછી ઇમરજન્સીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલિકોમ સેવાઓ સ્થગિત કરી શકાય છે. માત્ર કોઈ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હોય તેવા સામાન્ય આધાર પર ઈન્ટરનેટ બંધ કરી શકાતું નથી. તેના માટે સરકાર પાસે કાયદો અને વ્યવસ્થા જાળવવાનો સ્પષ્ટ હેતુ હોવો જોઈએ અને તેનું લેખિત કારણ આપવું ફરજિયાત છે. આદેશમાં વિસ્તાર, સમય મર્યાદા અને કારણનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જરૂરી છે.

ઈન્ટરનેટ બંધ કરવાનો આદેશ કોણ આપી શકે?

રાષ્ટ્રીય સ્તરે આ આદેશ કેન્દ્રીય ગૃહ સચિવ અને રાજ્ય સ્તરે રાજ્યના ગૃહ સચિવ આપી શકે છે. અમુક ઇમરજન્સી કે પછી અપવાદરૂપ કિસ્સામાં જોઈન્ટ સેક્રેટરી કક્ષાના અધિકારી પણ આ પ્રકારનો આદેશ આપી શકે છે, પરંતુ 24 કલાકની અંદર સંબંધિત ઉચ્ચ અધિકારી પાસેથી તેની મંજૂરી લેવી જરૂરી છે.

કયા કાયદા હેઠળ થાય છે કાર્યવાહી?

ભારતમાં પહેલાં Indian Telegraph Act, 1885 અને Temporary Suspension of Telecom Services Rules, 2017 હેઠળ આદેશો અપાતા હતા. પરંતુ હવે તેની જગ્યાએ Telecommunications Act, 2023 અને Telecommunications (Temporary Suspension of Services) Rules, 2024 અમલમાં આવ્યા છે. સરકારના ઈન્ટરનેટ શટડાઉનના આદેશને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે.

ઈન્ટરનેટ શટડાઉનના મામલે ભારતનો રેકોર્ડ

વિશ્વમાં સૌથી વધુ વાર ઈન્ટરનેટ શટડાઉન કરનારા દેશોમાં ભારત મોખરે રહે છે. ડિજિટલ રાઈટ્સ ઓર્ગેનાઈઝેશનના 2025ના અહેવાલ મુજબ, ભારતમાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 65 વખત ઈન્ટરનેટ શટડાઉન કરવામાં આવ્યું હતું. લોકશાહી દેશ માટે આ આંકડો અત્યંત ચિંતાજનક માનવામાં આવે છે.