ગ્વાલિયર: મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થવાની લાલચમાં એક યુવકે પોતાની ગાડીને જ ‘કિસિંગ કાર’ બનાવી દીધી, પરંતુ ગર્લફ્રેન્ડના આશરે 3,400 ચુંબનના નિશાન આખરે તેને ભારે પડી ગયા. લાલ લિપસ્ટિકથી આખી ગાડી પર બનાવાયેલા કિસ માર્ક્સનો વીડિયો વાયરલ થતાં પોલીસે કારને ટ્રેસ કરી યુવક સામે કાર્યવાહી કરી હતી.
ગ્વાલિયરના આદિત્ય સિકરવારની કાર પર તેની ગર્લફ્રેન્ડે આશરે 3,400 લિપસ્ટિક કિસ માર્ક્સ બનાવ્યા હતા. આ અનોખા ‘ફોરેન ટ્રેન્ડ’થી પ્રેરિત સ્ટંટનો વીડિયો આદિત્યએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. વીડિયો વાયરલ થતાં પોલીસની નજર તેના પર પડી અને આખરે ફોલોઅર્સ વધારવાની આ કોશિશ યુવક માટે મોંઘી સાબિત થઈ.
પોલીસે ‘ઓપરેશન ઈગલ’ હેઠળ કારને ટ્રેસ કરી આદિત્યને સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. મોટર વ્હીકલ્સ એક્ટ હેઠળ વાહનમાં ફેરફાર કરવા બદલ તેને ₹5,500નો ચલાન ફટકારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પોલીસે કાર પરથી લિપસ્ટિકના તમામ કિસ માર્ક્સ પણ સાફ કરાવ્યા હતા.
આદિત્યનું કહેવું છે કે તેની મહિલા મિત્રે આ ડિઝાઈન બનાવી હતી અને બંનેને ખબર નહોતી કે આ રીતે કારને કિસ માર્ક્સથી સજાવવી કાયદાકીય મુશ્કેલી ઊભી કરી શકે છે. તેના જણાવ્યા મુજબ, વીડિયો વાયરલ થાય અને વધુ ફોલોઅર્સ મળે એ જ તેમનો હેતુ હતો.
Girlfriend’s 3,400 kisses turned a car into a ‘Kissing Car’! The bizarre reel stunt to gain followers landed the young man in trouble. Gwalior police stopped the car and made him clean all the lipstick marks by hand! #Gwalior #MadhyaPradesh #ViralVideo #KissingCar #ReelsTrend pic.twitter.com/ahUzeH9QVS
— Chetna Raja (@ChetnaRaja) August 25, 2026
જોકે, પોલીસની કાર્યવાહી બાદ સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ છે. કેટલાક યુઝર્સે સવાલ કર્યો કે કાર પર લિપસ્ટિકના નિશાન બનાવવામાં આવ્યા હતા, તો તેમાં જોખમી સ્ટંટ શું હતો? કેટલાક લોકોએ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું કે અનોખી આર્ટને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સાથે કેવી રીતે જોડવામાં આવી?
હાલ ગ્વાલિયરની આ ‘કિસિંગ કાર’ સોશિયલ મીડિયા પર ફરી ચર્ચામાં છે. પરંતુ આદિત્ય માટે 3,400 કિસના નિશાન ફોલોઅર્સ વધારવાને બદલે ₹ 5,500નો દંડ અને પોલીસ કાર્યવાહી લઈને આવ્યા છે.