મુંબઈ: હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ ફિલ્મમેકર કુકુ કોહલીનું 77 વર્ષની વયે નિધન થયું છે. અભિનેતા અજય દેવગનને ફિલ્મી દુનિયામાં લોન્ચ કરનારા કુકુ કોહલીએ આજે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચારથી બોલિવૂડમાં શોકની લાગણી ફેલાઈ છે. કુકુ કોહલીનું સાચું નામ અવતાર કોહલી હતું અને કેટલાક તેમને સંદેશ કોહલીના નામથી પણ ઓળખતા હતા. તેઓ અનેક દાયકાઓથી હિન્દી સિનેમા સાથે જોડાયેલા હતા.
કુકુ કોહલીના નજીકના મિત્ર અને ફિલ્મમેકર-પ્રોડ્યુસર અશોક પંડિતે તેમના નિધનની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે કુકુ કોહલીને કોઈ બીમારી નહોતી અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ હતા. જોકે, તેમને અચાનક મોટો હાર્ટ એટેક આવ્યો હતો. કુકુ કોહલી ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી તરીકે પણ કાર્યરત હતા.
કુકુ કોહલીના અંગત જીવનની વાત કરીએ તો તેઓ અભિનેત્રી અરુણા ઈરાનીના પતિ હતા. કુકુ કોહલીને તેમની પહેલી પત્ની રીટા કોહલીથી બે સંતાનો પૂજા અને કરિશ્મા છે, જેઓ બંને ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.
દિગ્દર્શક તરીકે કુકુ કોહલીની પહેલી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ હતી, જે 1991માં રિલીઝ થઈ હતી. આ જ ફિલ્મથી તેમણે અજય દેવગનને બોલિવૂડમાં લોન્ચ કર્યા હતા. ફિલ્મમાં અજય દેવગન સાથે મધુ, અમરીશ પુરી, અરુણા ઈરાની અને જગદીપ જેવા કલાકારો જોવા મળ્યા હતા. ‘ફૂલ ઔર કાંટે’ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી અને અજય દેવગનની કારકિર્દીને મજબૂત શરૂઆત મળી હતી.
ત્યાર બાદ કુકુ કોહલીએ ‘કોહરામ’, ‘સુહાગ’, ‘હકીકત’, ‘ઝુલ્મી’, ‘અનાડી નંબર 1’ અને ‘યે દિલ આશિકાના’ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. કુકુ કોહલીની છેલ્લી દિગ્દર્શિત ફિલ્મ ‘વોહ તેરા નામ થા’ 2004માં રિલીઝ થઈ હતી.
જાન્યુઆરી 2026માં કુકુ કોહલીએ ‘યે દિલ આશિકાના’ના થિયેટર રિ-રિલીઝ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે નવી પેઢીને સિનેમાઘરોમાં આ ફિલ્મ ફરીથી જોવાનો મોકો મળશે તેનાથી તેઓ ખુશ હતા. આજે તેમના અચાનક નિધનથી બોલિવૂડે એક એવા ફિલ્મમેકરને ગુમાવ્યો છે.
(પીટીઆઈ)