બેંગ્લૂરુઃ ઈસ્ટ ઝોને અહીં મંગળવારે દુલીપ ટ્રોફીની ક્વૉર્ટર ફાઇનલમાં નૉર્થ ઈસ્ટ ઝોનને એક દાવ અને 210 રનથી હરાવ્યું એમાં 15 વર્ષના ટીનેજ-સ્ટાર વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi)નું બૅટિંગમાં માત્ર આઠ રનનું યોગદાન હતું, પણ તેણે બોલિંગમાં આંગળીની કરામતથી બે વિકેટ લઈને ઈસ્ટ ઝોનની જીતમાં બોલર તરીકેનું યોગદાન આપ્યું હતું. તે લેફ્ટ-આર્મ સ્પિનર છે અને તેણે બીજા દાવમાં બે વિકેટ લીધી હતી. તેણે પ્રથમ દાવમાં શાનદાર કૅચ પણ ઝીલ્યો હતો.
વૈભવે 11 રનમાં બે વિકેટ મેળવી હતી. તેણે કિશન લિન્ગડૉહ (પચીસ રન) અને ઇમ્લીવતી લેમ્તુર (ચાર રન)ને કૅચઆઉટ કરાવ્યા હતા. કૅપ્ટન ઇશાન કિશને ચાર કૅચ ઝીલ્યા હતા અને એક બૅટ્સમૅનને સ્ટમ્પ-આઉટ કર્યો હતો.
ઈસ્ટ ઝોન (East Zone)એ પ્રથમ દાવમાં 467 રન બનાવ્યા બાદ નૉર્થ ઈસ્ટ ઝોન પ્રથમ દાવમાં 111 રન અને ફૉલો-ઑન પછી બીજા દાવમાં 146 રન બનાવી શક્યું હતું.
અન્ય ક્વૉર્ટર ફાઇનલમાં નૉર્થ ઝોન સામે વેસ્ટ ઝોને 287 રનના લક્ષ્યાંક સામે સાત વિકેટે 220 રન બનાવ્યા અને એને જીતવા હજી બીજા 67 રનની જરૂર હતી.