મુંબઈ: હાલમાં બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનન તેની એડને વિવાદોમાં સપડાઈ છે. રાખડીની એક જાહેરાતને લઈને વિવાદમાં પડ્યા બાદ અભિનેત્રી કૃતિ સેનને તેના ટીકાકારોને વળતો પ્રશ્ન કર્યો હતો કે, 'આપણે મહિલાઓને શું પહેરવું તે કહેવાનું ક્યારે બંધ કરીશું?' આ જાહેરાતને લઈને અભિનેત્રી તથા ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નાં સાંસદ કંગના રનૌતે કૃતિના વસ્ત્રોને અશ્લીલ ગણાવ્યા હતા, જ્યારે અન્ય લોકોએ પણ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી હતી. જોકે, આ વિવાદ મુદ્દે કૃતિ સેનને પણ ટીકાકારોને આકરો જવાબ આપ્યો હતો.
એક જ્વેલરી બ્રાન્ડની જાહેરાતમાં ‘કોકટેલ 2’ ફેમ અભિનેત્રી કૃતિ સેનન ઇન્ડો-વેસ્ટર્ન પહેરવેશમાં જોવા મળી હતી, જેમાં બ્રાલેટ-સ્કર્ટ સાથે કેપ પહેરેલી કૃતિ પોતાના ભાઈ અને ડોગીને રાખડી બાંધતી જોવા મળી હતી. 36 સેકન્ડની આ જાહેરાત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી, તેમાં મહિલાઓને પોતાની પસંદગીનાં કપડાં પહેરવાની સ્વતંત્રતા, ભારતીય સંસ્કૃતિ શું છે અને ભાઈ-બહેનના પવિત્ર તહેવારનું સ્વરૂપ કેવું હોવું જોઈએ જેવા મુદ્દાઓ પર ચર્ચા શરૂ થઈ હતી.
કંગનાની જેમ અનેક લોકોએ પણ કૃતિના પહેરવેશની ટીકા કરી હતી. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, 'કૃતિ સેનન રાખડી બાંધતી વખતે બોલ્ડ પહેરવેશમાં છે. પહેલાં આટલી નગ્નતા સામાન્ય નહોતી.' અન્ય એક યુઝરે લખ્યું, 'સર્જનાત્મક સ્વતંત્રતા સારી બાબત છે, પરંતુ તેણે પરંપરાના મૂળ ભાવને બદલવી ન જોઈએ.'
આઉટફીટને લઈને જ કેમ કરાય છે ટીકા?
કૃતિ સેનન ઘણા સમય સુધી આ મુદ્દે મૌન રહી હતી, પરંતુ બાદમાં તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા જવાબ આપ્યો હતો. કૃતિએ લખ્યું, 'સંસ્કૃતિ અને પરંપરા તેના હૃદયમાં હોય છે, ગળાના ખુલ્લા ભાગમાં નહીં! આપણે મહિલાઓને શું પહેરવું તે કહેવાનું ક્યારે બંધ કરીશું?' તેણે વધુમાં કહ્યું કે 'ભારતીય વસ્ત્રોની ફેશન સમય સાથે બદલાઈ છે, પરંતુ હજુ પણ મહિલાના સંસ્કાર અને સંસ્કૃતિ પ્રત્યેના સન્માનને માત્ર તેના કપડાંને લઈ ટીકા કરવામાં આવે છે.
પરંપરા પ્રત્યેના ભાવ લાગણીમાં
કૃતિએ પોતાની કમેન્ટમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે તહેવારોનો મૂળ ભાવ વ્યક્તિએ શું પહેર્યું છે તેમાં નહીં, પરંતુ પરંપરા પ્રત્યેના તેના ભાવ અને લાગણીમાં રહેલો છે. તેણે કહ્યું કે, રક્ષાબંધન સુરક્ષા અને લાગણીનું બંધન છે. હું અને મારી બહેન એકબીજાને રાખડી બાંધીએ છીએ. અમે જાણીએ છીએ કે એક ભાઈની જેમ જ અમે એકબીજાનું રક્ષણ કરી શકીએ છીએ. અમે એકબીજાના સ્વાસ્થ્ય, ખુશી અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરીએ છીએ. અમારા માટે આ પ્રાર્થના અને વચન અમારા કૂતરાઓ માટે પણ છે, કારણ કે તેઓ પણ અમારા પરિવારનો જ ભાગ છે.
સંજય રાઉતે કૃતિનો કર્યો બચાવ
આ રીતે તેણે કૂતરાને રાખડી બાંધવા અંગે વાંધો ઉઠાવનારા લોકોને પણ જવાબ આપ્યો હતો. દરમિયાન, શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ કૃતિનો બચાવ કર્યો હતો. કંગના દ્વારા કૃતિ અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે તમે તે મહિલા સાંસદને આટલી ગંભીરતાથી શા માટે લો છો? ગંભીરતાથી લેશો નહીં. તેમણે વધુમાં કંગનાની ટીકા કરતાં કહ્યું કે દેશમાં અનેક ગંભીર મુદ્દાઓ છે અને તેના બદલે મોંઘી થતી ચા, સાકર અને શેરડી જેવા મુદ્દાઓ વિશે સવાલો પૂછવા જોઈએ.
એક સોશિયલ મીડિયા યુઝરે પણ કૃતિનો બચાવ કરતાં લખ્યું કે 'ભારતીય પુરુષો રાખડીની જાહેરાતમાં કૃતિ સેનનના આધુનિક કપડાંને લઈને જે રીતે વિરોધ કરી રહ્યા છે, જો મહિલાઓ પર થતા બળાત્કાર અને તેમને ન્યાય નહીં મળવા જેવા મુદ્દાઓ પર પણ એટલો જ આક્રોશ વ્યક્ત કરવામાં આવે તો સારું.'