(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય રેલવે દ્વારા ટિટવાલા સ્ટેશન પર પ્લેટફોર્મને 15-કોચની ટ્રેનના રેક માટે યોગ્ય બનાવવા પ્લેટફોર્મની લંબાઈ વધારવાનું કામ હાથ ધરાશે. આ કામને કારણે શુક્રવાર 28 ઓગસ્ટની મધરાતથી 11 સપ્ટેમ્બરની મધરાત સુધી કુલ 15 દિવસ માટે દરરોજ 5થી 6 કલાકનો સ્પેશિયલ ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવશે. આ બ્લોક મુખ્યત્વે મોડી રાત્રે રહેશે, જેના કારણે ટિટવાલા-કસારાના મુસાફરોને લોકલ સેવાના સમયમાં ફેરફારનો સામનો કરવો પડશે. જોકે, નિયત ટાઈમટેબલ પર અસર થવાથી આગામી પખવાડિયું પ્રવાસીઓ માટે ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી શકે છે.
બ્લોકનો પ્રથમ તબક્કો 28 ઓગસ્ટની મધરાતથી એક સપ્ટેમ્બરની રાત સુધી રહેશે. દરરોજ રાત્રે 11.30થી સવારે 5.10 વાગ્યા સુધી કલ્યાણ અને વાશિંદ વચ્ચેની અપ અને ડાઉન નોર્થ ઈસ્ટ લાઈનો પર બ્લોક રહેશે. આ દરમિયાન કેટલાક મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને વાશિંદ અથવા આટગાંવ ખાતે રોકવામાં આવશે. 12102 જનનેશ્વરી એક્સપ્રેસ, 18030 શાલીમાર-એલટીટી એક્સપ્રેસ, 12810 હાવડા-સીએસએમટી મેલ અને 15181 માઉ-એલટીટી એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનો 10થી 20 મિનિટ મોડી દોડી શકે છે.
28 ઓગસ્ટની રાત્રિના બ્લોક દરમિયાન ટીટવાલા અને કસારા વચ્ચે લોકલ સેવા ઉપલબ્ધ રહેશે નહીં. સીએસએમટીથી ટીટવાલા જતી 10.00, 10.50 અને 11.42 વાગ્યાની લોકલ તેમજ સીએસએમટી-કસારા 12.08 વાગ્યાની લોકલ રદ રહેશે. ટિટવાલાથી સીએસએમટી જતી 09.00 અને 10.06 વાગ્યાની લોકલ, 11.14 વાગ્યાની ટિટવાલા-થાણે લોકલ અને 11.08 વાગ્યાની આસનગાંવ-થાણે લોકલ પણ રદ કરવામાં આવશે.
આ ઉપરાંત 28 ઓગસ્ટે સીએસએમટીથી 08.56 વાગ્યે ઉપડતી સીએસએમટી-આસનગાંવ લોકલ ટિટવાલા સુધી જ દોડશે. ડોમ્બિવલીથી 10.00 વાગ્યે અને કલ્યાણથી 10.06 વાગ્યે ઉપડતી CSMT લોકલ થાણે ખાતે શોર્ટ ટર્મિનેટ થશે.
29 ઓગસ્ટની રાતથી 1 સપ્ટેમ્બરની રાત સુધીના બ્લોક દરમિયાન પણ ટિટવાલા અને કસારા વચ્ચે લોકલ સેવા ઉપલબ્ધ રહેશે નહીં. આ સમયગાળામાં સીએસએમટી-ટિટવાલા, સીએસએમટી-કસારા, સીએસએમટી-આસનગાંવ, સીએસએમટી-કુર્લા, સીએસએમટી-થાણે અને અન્ય કેટલીક લોકલ સેવાઓ રદ રહેશે. અપ દિશામાં ટિટવાલા-સીએસએમટી, ટિટવાલા-થાણે, આસનગાંવ-થાણે, કલ્યાણ-સીએસએમટી, થાણે-સીએસએમટી અને ટિટવાલા-પરેલની કેટલીક સેવાઓ પણ રદ કરવામાં આવશે.
કેટલીક લોકલ ટ્રેનોને થાણે અથવા કલ્યાણ ખાતે જ શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. 29 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ટિટવાલા જતી કેટલીક લોકલને આસનગાંવ સુધી લંબાવવામાં આવશે, જ્યારે ટિટવાલાથી ઉપડતી સેવાઓ આસનગાંવથી શરૂ થશે. કેટલીક સીએસએમટી-ટિટવાલા સેવાઓ થાણે અથવા કલ્યાણ સુધી જ દોડશે, જ્યારે ટિટવાલા-સીએસએમટીની કેટલીક સેવાઓ થાણે અથવા કલ્યાણથી શરૂ થશે.
બ્લોક પહેલાં કસારાની છેલ્લી લોકલ સીએસએમટીથી રાતના 10.47 વાગ્યે અને સીએસએમટી માટે કસારાની છેલ્લી લોકલ 10.00 વાગ્યે ઉપડશે. બ્લોક બાદ કસારાની પહેલી લોકલ સીએસએમટીથી સવારે 4.19 વાગ્યે, જ્યારે સીએસએમટી માટે કસારાથી 3.51 વાગ્યે ઉપડશે. ટિટવાલાથી પહેલી લોકલ 4.32 અથવા સંબંધિત દિવસના સુધારેલા સમય મુજબ દોડશે.
મધ્ય રેલવેએ આ બ્લોક દરમ્યાન ટિટવાલા, કસારા, આસનગાંવ, કલ્યાણ અને આસપાસના વિસ્તારોના મુસાફરોને આ સમયગાળા દરમિયાન રાત્રિની લોકલ પકડતા પહેલાં ટ્રેનનો સુધારેલો સમય અને રૂટ ચોક્કસપણે તપાસી લેવાની અપીલ કરી છે. તેમજ આ મહાબલોકના સમયગાળા દરમિયાન ટ્રેનો અડધો કલાક સુધી મોડી દોડે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે. તેથી આ પખવાડિયામાં મધ્ય રેલવેના પ્રવાસીઓની મહાપરીક્ષા લેવાય તેવા એંધાણ છે.