Wed Jul 22 2026

Logo

વૈશ્વિક સોનું બે મહિનાની ટોચે પહોંચતા સ્થાનિકમાં રૂ. 2146નો ચમકારો, ચાંદી રૂ. 2256 વધી

2026-07-22 19:54:10
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવ હળવો થવાના આશાવાદે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સોના અને ચાંદીમાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારો જોવા મળ્યો હતો અને તેમાં પણ સોનાના ભાવ બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2137થી 2146નો ચમકારો આવ્યો હતો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 2256ની આગેકૂચ જોવા મળી હતી. વધુમાં આજે ડૉલર સામે રૂપિયામાં 27 પૈસાનો કડાકો બોલાયો હોવાથી આયાત પડતરો વધવાની પણ ભાવ પર અસર જોવા મળી હતી. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને રૂપિયો નબળો પડતાં હાજરમાં 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ રૂ. 2137 વધીને રૂ. 1,44,101ના મથાળે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2146 વધીને રૂ. 1,45,283ના મથાળે રહ્યા હતા. જોકે, તેજીના માહોલમાં આજે રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. વધુમાં આજે વિશ્વ બજાર પાછળ હાજરમાં 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2256 વધીને રૂ. 2,25,460ના મથાળે રહ્યા હતા, પરંતુ ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ એક ટકો વધીને આૈંસદીઠ 4115.89 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 1.1 ટકો વધીને 4120.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ એક ટકો વધીને આૈંસદીઠ 59.35 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના વધતા ભાવ અને તેને કારણે ફુગાવામાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં લેતા કેન્દ્રવર્તી બૅન્કો લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાથે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં સોનામાં માગ નબળી રહે છે. જોકે, આજે અમેરિકા અને વચ્ચે શાંતિ માટે રાજદ્વારી સ્તરે થઈ રહેલા પ્રયાસો સફળ થવાના આશાવાદ હેઠળ રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું એક્ટિવ ટ્રેડનાં વિશ્લેષક રિકાર્ડો ઈવાન્જેલિસ્ટાએ જણાવ્યું હતું. હાલમાં જોવા મળેલા ઉછાળાને વધતા ક્રૂડતેલના ભાવનો સામનો કરવો પડે, પરંતુ એકંદરે આૈંસદીઠ 4000 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થશે, એમ તેમણે ઉમેર્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે અમેરિકી સચિવ માર્કો રુબિયાએ જણાવ્યું હતું કે ઈરાન સાથેની કટોકટીનો અંત આણવા વૉશિંગ્ટન વાટાઘાટ કરવા તૈયાર છે, પરંતુ વાતચીત કરવા માટે ગંભીરતા નથી દાખવી રહ્યું. 

હાલમાં બજાર વર્તુળો શેષ વર્ષ 2026માં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં બે વખત વધારો કરે તેવી શક્યતા જોઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં રૉઈટર્સ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં વ્યાજદર યથાવત્‌‍ રાખવામાં આવે તેવી શક્યતા ફલિત થઈ હતી.