12 કલાકમાં વલસાડમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો, 129 તાલુકામાં વરસાદી માહોલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના કારણે સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થયો છે. રાજ્યમાં બુધવાર 129 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વલસાડ અને સુરતના પલસાણામાં વધારે વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું હતું. ભારે વરસાદના કારણે ઉદવાડા અને પારડી વચ્ચેના પાળાને કારણે ગુજરાતમાં પશ્ચિમ રેલવેની ઘણી ટ્રેનો પ્રભાવિત થઈ હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યના 129 તાલુકામાં આજે વરસાદ ખાબક્યો
સ્ટેટ ઇમરજન્સીના આંકડા પ્રમાણે ગુજરાતમાં આજે સાંજ સુધીમાં 129 તાલુકામાં વરસાદે હાજરી નોંધાવી છે. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લામાં અને સૌથી ઓછો વરસાદ છોટાઉદેપુરમાં નોંધાયો. આંકડાની વાત કરવામાં આવે તો, વલસાડના ઉમરગામ તાલુકામાં 11.26 ઈંચ, નવસારીના ખેરગામમાં 8.9 ઈંચ, વલસાડના પારડીમાં 8.7 ઈંચ, સુરતના પલસાણામાં 6.1 ઈંચ, વલસાડના કપરાડા તાલુકામાં 6.02 ઈંચ, નવસારીના ગણદેવી તાલુકામાં 5.83 ઈંચ, નવસારીના ચીખલી તાલુકામાં 5.75 ઈંચ, વલસાડના નાનાપોંઢા તાલુકામાં 5.28 ઈંચ, સુરતના બારડોલી તાલુકામાં 5.16 ઈંચ અને સુરતના મહુવા તાલુકામાં 5.08 ઈંચ વરસાદ ખાબક્યો છે.
ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હજી ભારે વરસાદની આગાહી
આવતીકાલે ગુરૂવારે પણ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ છૂટાછવાયા વરસાદની આગાહી કરવાામં આવી છે. તે પછી શુક્રવારે આ વિસ્તારમાં વરસાદની સ્થિતિ આવી જ રહેવાની છે. નવસારીની વાત કરવામાં આવે તો, જલાલપોર, મરોલી, વેસ્મા, ડાભેસ અને સીમકલ સહિતના તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારમાં થયેલા વરસાદના કારણે ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા વ્યાપી છે. વરસાદી પરિસ્થિતિને કારણે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
કાશ્મીર નગર વિસ્તારના આશરે 200 લોકોનું સ્થાળંતર
વલસાડમાં ભારે વરસાદના કારણે તંત્ર એલર્ટ થઈ ગયું છે. ખાસ કરીને તિથલ રોડ, પીચિંગ, કાશ્મીર નગર અને છીપવાડ સહિત પાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયાં હતાં. આ દરમિયાન સ્થિતિને ધ્યાને રાખતા કાશ્મીર નગર અને લીલાપોર વિસ્તારનું લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે ઔરંગા વોટર વર્ક્સના ડેમનું લેવલ વધીને 8 સ્ટેપ સુધી પહોંચી ગયું હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેથી કાશ્મીર નગર વિસ્તારના આશરે 200 લોકોનું સલામત સ્થળે સ્થાળંતર કરવામાં આવ્યું. આ સાથે ભારે વરસાદના કારણે સુરક્ષાના ભાગરૂપે વલસાડ જિલ્લાના કુલ 326 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
કયાં તાલુકામાં કેટલા રસ્તા બંધ કરવામાં આવ્યાં?
વિગતે જોઈએ તો, કપરાડા તાલુકાના 64 રસ્તાઓ પારડીમાં 59 રસ્તાઓ, નાનાપોંઢામાં 56 રસ્તાઓ, વલસાડમાં 51 રસ્તાઓ, ધરમપુરમાં 44 રસ્તાઓ, ઉમરગામમાં 7 રસ્તાઓ અને ધરમપુર-વાંસદા રોડ પર 3 રસ્તાઓ વાહનવ્યવહાર માટે સ્થગિત કરી દેવામાં આવ્યાં છે. સ્થિતિને જોતા તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ સાથે ભારે વરસાદના પરિણામે પાલીહિલ વિસ્તારની પાછળ આવેલા એસટીપી પ્લાન્ટ ખાતે પાણી ભરાવાના કારણે ત્રણ મજૂરો ફસાઈ ગયા હતા. જેમનું એનડીઆરએફની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.