દર મહિનાના ચોથા બુધવારે યોજાતા જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ પહેલીવાર કોઈપણ આગોતરી જાણ કર્યા વિના ઓચિંતા જોડાયા અને જિલ્લા સ્વાગતની રજૂઆતો સાંભળી હતી.
ભૂપેન્દ્ર પટેલ સામાન્ય માનવીના પ્રશ્નોના નિવારણ માટે મહેસાણા, કચ્છ અને ભાવનગરના જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગાંધીનગરથી વિડિયો વોલ મારફતે જોડાયા હતા. જિલ્લા-તાલુકા સ્વાગતમાં આવતી રજૂઆતોનો પેપર પર નીકાલ નહીં, પરંતુ અરજદારને સંતોષ થાય તે રીતે નિવારણ લાવવા જિલ્લા કલેક્ટરોને તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી.
મહેસાણામાં અરજદાર ફ્લેટ ધારકને બિલ્ડર પૈસા પરત ન આપતો હોવાની રજૂઆત અંગે જિલ્લા કલેક્ટરને બિલ્ડર પાસેથી વસૂલાત કરીને પૈસા અપાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. ભાવનગરના પાલિતાણામાં ગૌચર જમીન પર પાકા મકાનોના બાંધકામના કિસ્સામાં જમીન માપણીની કાર્યવાહી સત્વરે કરીને અરજદારને યોગ્ય ન્યાય અપાવવા જિલ્લા કલેક્ટરને તાકીદ કરી હતી. આ સાથે કોઈપણ અરજદારને રાજ્ય સ્વાગતમાં રજૂઆત માટે આવવું જ ન પડે તે રીતે જિલ્લા અને તાલુકા સ્વાગતમાં જ રજૂઆતોના 100 ટકા નિકાલ માટે કલેક્ટરો ઈનિશ્યેટિવ લે તે માટે સૂચન કર્યું હતું.