વોશિંગ્ટન: મિડલ ઈસ્ટના અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સતત ચાલી રહ્યું છે. તેમજ બંને દેશો હવે આક્રમક હુમલાઓ પણ કરી રહ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ બે અઠવાડિયામાં અંદાજે 100 જેટલા અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે. જેના પગલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પાઠ ભણાવવાની ધમકી આપી છે.
100 અમેરિકન સૈનિકો ઘાયલ
આ દરમિયાન પેન્ટાગોને સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે છેલ્લા બે અઠવાડિયામાં ઈરાનના હુમલાઓમાં 100 અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે. આમાંના મોટાભાગના સૈનિકોને હુમલા દરમિયાન માથામાં ઈજા થઈ હતી. ઈરાન અને યુએસ વચ્ચેનો સંઘર્ષ વધતાં મધ્ય પૂર્વના ઘણા અન્ય દેશો પણ આ યુદ્ધમાં સામેલ થઈ રહ્યા છે.
ઇરાન પર હવાઈ હુમલાનો 10મો રાઉન્ડ પૂર્ણ
આ ઉપરાંત અમેરિકાએ ઇરાન પર હવાઈ હુમલાનો 10મો રાઉન્ડ પૂર્ણ કર્યો હતો. પેન્ટાગોન અનુસાર આ હુમલાઓ ઈરાની લશ્કરી કમાન્ડ સેન્ટરો અને નૌકાદળ ક્ષમતાઓને લક્ષ્ય બનાવ્યા હતા. જ્યાર ઈરાનના સરકારી મીડિયાએ દક્ષિણ ક્ષેત્રમાં અનેક શક્તિશાળી વિસ્ફોટોની પુષ્ટિ કરી છે. જેમાં ખાસ કરીને બંદર અબ્બાસ, કેશ્મ અને હોર્મોઝ ગાન પ્રાંતના બેમાની જિલ્લામાં વિસ્ફોટ થયા છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં કોમર્શિયલ જહાજો પર હુમલાઓ વધ્યા
આ દરમિયાન, હોર્મુઝ સ્ટ્રેટમાં કોમર્શિયલ જહાજો પર હુમલાઓમાં વધારો થયો છે. બ્રિટિશ દરિયાઈ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓમાનના દરિયાકાંઠે એક ઓઇલ ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે ક્રૂ સભ્યોને પોતાનો જીવ બચાવવા માટે લાઇફબોટનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.
હોર્મુઝ સ્ટ્રેટમાંથી માત્ર નવ કોમર્શિયલ જહાજો પસાર થયા
આ ઉપરાંત બે અન્ય જહાજો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ભયને કારણે, હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા દૈનિક શિપિંગ ટ્રાફિક લગભગ બંધ થઈ ગયો છે. લાઇવ વેસલ ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે સોમવારે આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પરથી ફક્ત નવ કોમર્શિયલ જહાજો પસાર થયા હતા.