Thu Jul 23 2026

Logo

મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં મુશળધાર વરસાદ: ગુરુવારે પણ ભારે વરસાદની આગાહી

2026-07-22 22:44:51
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં મંગળવાર રાતથી સતત વરસાદ ચાલુ રહ્યો હતો. મંગળવારના ઓરેન્જ અલર્ટ હોવા છતાં છૂટક રહેલા વરસાદે જોકે બુધવારે પોતાનું જોર દેખાડ્યું હતું. ભારતીય હવામાન વિભાગે બુધવારે મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ઓરેન્જ અલર્ટ ચેતવણી જાળવી રાખી હતી, જેમાં દિવસભર ભારે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી મુજબનો વરસાદ રહ્યો હતો. મુંબઈમાં જોકે દક્ષિણ મુંબઈ કરતા ઉપનગરમાં વરસાદનું જોર વધુ રહ્યું હતું. આજે પણ મુંબઈ સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા થોડા દિવસથી મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે, તેમાં પણ શનિવારથી સતત વરસાદ પડી રહ્યો છે.  મંગળવાર રાતથી વરસાદનું જોર વધી ગયું હતું. બુધવારે સવારના પણ કલાકના ૫૦થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે જ વરસાદના જોરદાર ઝાપટાં રહ્યા હતા. પાલઘર, થાણે અને રાયગઢ જિલ્લામાં બુધવારે ઓરેન્જ અલર્ટની ચેતવણી હતી, તે મુજબ દિવસભર વરસાદ રહ્યો હતો. પાલઘર જિલ્લામાં સવારના ૨૪ કલાક દરમ્યાન અમુક વિસ્તારમાં ૧૦૦ મિલીમીટરથી વધુ વરસાદ  નોંધાયો હતો.

હવામાન વિભાગના કહેવા મુજબ બંગાળના ઉપસાગરમાં અને આંધ્ર પ્રદેશના કિનારપટ્ટીમાંં સર્જાયેલા સાયકલોનને કારણે તેના પ્રભાવ હેઠળ બંગાળના ઉપસાગરથી દક્ષિણ ગુજરાત સુધી એક લાંબો લો પ્રેશરનો પટ્ટો (ટ્રફ) ફેલાયેલો છે. તેથી ગુજરાત સહિતના અન્ય વિસ્તારો સહિત રાજ્યના કોંકણ પ્રદેશ અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. 
બુધવારે મુંબઈમાં શહેરની સરખામણીમાં ઉપનગરમાં વરસાદનું જોર વધુ રહ્યું હતું. મંગળવારે સવારના આઠ વાગ્યાથી બુધવાર સવારના આઠ વાગ્યા સુધીમાં પશ્ર્ચિમ ઉપનગરમાં સૌથી વધુ વરસાદ ૬૪.૯૧ મિ.મી. નોંધાયો હતો. તો પૂર્વ ઉપનગરમાં ૪૮.૭૦ મિ.મી. અને મુંબઈ શહેરમાં ૩૬.૬૫ મિ.મી. વરસાદ  નોંધાયો હતો.

 થાણેમાં ૮૮.૬૩ મિ.મી. જ્યારે નવી મુંબઈમાં સરેરાશ ૬૧.૧૭ મિ.મી. નોંધાયો હતો. મુંબઈમાં વરસાદ અને પવનને કારણે ૫૦થી વધુ જગ્યાએ ઝાડ અને તેની ડાળખી તૂટી પડવાના બનાવ બન્યા હતા. તો બુધવારે બપોરના ૨.૩૦ વાગ્યાની આસપાસ મિલન સબવે પાસે રૅપિડો મોટર સાઈકલ પર ઝાડ પડીને એક મહિલા જખમી થઈ હતી, તેને બાન્દ્રાની ભાભા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ૩૬ વર્ષની નિલમ ગુપ્તા નામની મહિલાને સારવાર બાદ હૉસ્પિટલથી રજા આપવામાં આવી હતી.ગુરુવાર માટે, મુંબઈ અને થાણેને યલો ઍલર્ટમાં ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે, જે અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદનો સંકેત આપે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે શુક્રવારથી વરસાદી ગતિવિધિઓ હળવી થવાની સંભાવના છે, સમગ્ર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.