Thu Jul 23 2026

Logo

ક્રૂડતેલના ભાવ ઊછળતા રૂપિયો 28 પૈસા પટકાયો

2026-07-22 19:46:17
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
વૈશ્વિક ભૂરાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે આજે ક્રૂડતેલના ભાવમાં 4.30 ટકા જેટલો ઉછાળો આવ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ખાસ કરીને ડૉલરમાં રોકાણકારોની સલામતી માટે લેવાલી નીકળતાં ડૉલર સામે રૂપિયો 28 પૈસા પટકાઈને 96.53ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1650.16 કરોડની લેવાલી રહી હોવાના એક્સચેન્જના નિર્દેશો અને ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈનું વલણ રહ્યું હોવાથી રૂપિયામાં ધોવાણ અમુક અંશે મર્યાદિત રહ્યું હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 96.25ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 96.36ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 96.60 અને ઉપરમાં 96.25ની રેન્જમાં અથડાઈને અંતે 28 પૈસાના ઘટાડા સાથે 96.53ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 11 પૈસાનો સુધારો જોવા મળ્યો હતો. 

આજે અમેરિકાએ ઈરાન પર અને ઈરાને અમેરિકાના સહયોગી દેશો કુવૈત, બહેરીન અને જોર્ડન પર હુમલાઓ ચાલુ રાખ્યા હોવાથી તેમ જ હુથીએ પણ સાઉદી અરેબિયાથી બાબ અલ માનદેબ દરિયાઈ માર્ગે જતાં તેલના વેસલોને લક્ષ્યાંક બનાવવામાં આવશે એવી ધમકી આપતાં ક્રૂડતેલના ભાવમાં ઉછાળો આવ્યો હતો.

આમ ક્રૂડતેલના ભાવ ઊછળતાં ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે ક્રૂડતેલના વધતા ભાવને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 96.25થી 96.85 આસપાસની રેન્જમાં જોવા મળી શકે છે. સિવાય કે ઈરાન-અમેરિકા વચ્ચે રાજદ્વારી વાટાઘાટોના કોઈ પ્રોત્સાહક અહેવાલે ક્રૂડતેલના ભાવમાં ઘટાડો થાય અને જો રિઝર્વ બૅન્ક બજારમાં હસ્તક્ષેપ કરે તો રૂપિયામાં સુધારો જોવા મળી શકે છે. 

વધુમાં એચડીએફસી સિક્યોરિટીઝનાં રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું કે આજે ક્રૂડતેલના ભાવમાં વધારો અને અમેરિકી ટૅરિફની ભીતિ હેઠળ રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો અને આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 96.10થી 97ની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 4.30 ટકા વધીને બેરલદીઠ 94.92 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 715.06 પૉઈન્ટનો અને 191.45 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી રૂપિયો ગબડ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.07 ટકા ઘટીને 101.10 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી રહી હોવાથી અમુક અંશે રૂપિયાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.