મોન્સૂન સત્રના પ્રથમ ત્રણ દિવસ જનતાના કરોડો રૂપિયા પાણીમાં ગયા, સરકાર અને વિપક્ષના અડગ વલણથી લોકતંત્રને નુકસાન
નવી દિલ્હીઃ મોન્સૂન સત્ર શરૂ થઈ ગયું છે અને ત્રણ દિવસ પસાર થઈ ચૂક્યા છે. આ ત્રણ દિવસમાં સંસદની સામાન્ય કાર્યવાહી પણ શરૂ થઈ નથી. લોકસભા અને રાજ્યસભામાં ચર્ચાના બદલે હંગામો, બબાલ અને માથાકુટ જોવા મળી રહી છે. સવાલના બદલે સતત નારેબાજી અને કાયદો બનાવવા માટે જે પ્રક્રિયા અનુસરવાની હોય એ સતત બ્રેક થઈ રહી છે.
આ કારણે વારંવાર સદનને સ્થગિત કરવામાં આવે છે. પહેલા જ દિવસે સદનમાં ખાસ કોઈ કાર્યવાહી થઈ નહીં, સદન સ્થગિત કરવું પડ્યું હતું ત્રીજા દિવસે પણ કોઈ સામાન્ય કાર્ય પણ પૂર્ણ થયું નહોતું, ત્રીજા દિવસે પણ સદનને સ્થગિત કરવાનો વારો આવ્યો. સરકાર અને વિપક્ષ પોત-પોતાના વલણ પર કાયમ છે.
બન્ને પક્ષો પોતાની રીતે અડગ
વિપક્ષ NEET, વિદ્યાર્થીઓનું આંદોલન, શિક્ષણ મંત્રીનું રાજીનામું તથા અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સરકાર પર દબાણ ઊભું કરી રહી છે. માગ કરી રહી છે.બીજી તરફ સરકારનું એવું કહેવું છે કે, અમે ચર્ચા માટે તૈયાર છીએ, પણ સમયાંતરે વિપક્ષ ચર્ચાના સમયે હાજર રહેતો નથી. આ માહોલ વચ્ચે સવાલ એ ઊભો થાય છે કે, જ્યારે સંસદ સ્થગિત થાય છે ત્યારે આની કિંમત કોણ ચૂકવે છે? આનો જવાબ દેશના કરોડો કરદાતા સાથે જોડાયેલો છે. સંસદનું સંચાલન માત્ર સાંસદોની હાજરી પૂરતું જ સિમીત હોતું નથી.

આ માટે ખાસ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા, સચિવાલય વ્યવસ્થા, અનુવાદ, રિપોર્ટિંગ, ટેકનિકલ સર્વિસ, પ્રસારણ, કર્મચારીઓની ફાળવણી અને વ્યવસ્થા સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વની સેવા પર દૈનિક ધોરણે લાખોની રકમમાં પૈસા ખર્ચાય છે. આ વર્ષે જ બજેટસત્ર દરમિયાન લોકસભાના અધ્યક્ષ જગદંબિકા પાલે સદનમાં જ કહ્યું હતું કે, સંસદીય કાર્યવાહી માટે દર મિનિટે 2.5 લાખ રૂપિયા, દર કલાકે 1.5 કરોડ રૂપિયા અને એક દિવસમાં આશરે 9 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. આ જ રકમને આધાર માનીને ગણતરી કરવામાં આવે તો પહેલા ત્રણ દિવસમાં આશરે 27 કરોડ રૂપિયાની રકમ થાય છે.
શું થયું આ ત્રણ દિવસમાં?
આ ત્રણ દિવસમાં પ્રશ્નોત્તરી કાળ, શૂન્યકાળ અને જરૂરી કામકાજ પણ સામાન્ય રીતે આગળ વધી શક્યું નહીં. એવામાં ચર્ચા માત્ર રાજકીય નથી, સાર્વજનિક રીતે જે રકમ નક્કી થઈ હોય એ સમય કરતા વહેલા ખર્ચાય છે. આનાથી લોકતંત્રની કાર્યક્ષમતા અને જવાબદારી પર સવાલ ઊભા થાય છે. લોકતંત્રમાં વિરોધ એ કોઈ મોટી વાત નથી, ક્યારેક થાય એ પણ જરૂરી હોય છે પણ માત્ર વિરોધથી જ મુદ્દો સતત ચર્ચાય એવું નથી હોતું. સંસદનો હેતુ માત્ર વિરોધ નથી પણ જે તે વિષયનું સચોટ સમાધાન છે.

ત્રણ દિવસ સુધી સંસદ ઠપ્પ રહેતા કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે. 27 કરોડ ખર્ચાયા પણ આખરે દેશ અને દેશવાસીઓને મળ્યું શું?
સંસદની પરંપરા એવું કહે છે કે, સદનને ચાલવા દેવું એ સરકાર અને વિપક્ષ બન્નેની જવાબદારીમાં આવે છે. આ એક સંયુક્ત જવાબદારી છે. સરકાર ચર્ચા માટે માહોલ બનાવે એ જરૂરી છે. જ્યારે વિપક્ષે તાર્કિક વિરોધ સાથે ચર્ચામાં ઊતરવાનું હોય છે. બબાલ કરવા માટે નહીં. હવે જ્યારે બન્ને પક્ષ પોત-પોતાની રીતે અડગ હોય છે તો સૌથી વધારે નુકસાન સમગ્ર પ્રક્રિયા અને સેશનને થાય છે. જ્યારે સંસદ સ્થગિત થાય છે ત્યારે પ્રજાના પૈસા બર્બાદ થાય છે.
ખર્ચની ગણતરીને સમજવા જેવી
સંસદના સંચાલનમાં અનેક એવી વસ્તુઓ પર ખર્ચ થાય છે. માત્ર સાંસદોની સવલત પર જ નહીં. લોકસભા અને રાજ્યસભા સચિવાલયો, હજારો અધિકારીઓ અને કર્મચારીઓના પગાર, સુરક્ષા વ્યવસ્થા, અનુવાદ અને રિપોર્ટિંગ સેવાઓ, લાઈવ પ્રસારણ અને આઈટી સિસ્ટમ્સ, વીજળી, જાળવણી અને અન્ય વહીવટી ખર્ચ આ તમામ માટે એક નિશ્ચિત ફંડની ગણતરી કરવામાં આવે તો એ આંકડો કરોડ સુધી પહોંચે છે.
સંસદ ન ચાલે અને ઠપ્પ થઈ જાય તો માત્ર આર્થિક રીતે જ ફટકો પડે એવું નથી. કેટલીક જવાબદારીઓની પણ સીધી અસર ઊભી થાય છે. સરકારને સવાલ નથી પૂછાતા કારણ કે, સદન ઠપ્પ છે. મંત્રાલયની જવાબદારી નક્કી થતી નથી. લાંબા સમયથી પેન્ડિંગ પહેલા કેટલાક વિષયો પર નિર્ણય લેવાતા નથી. જનતા સાથે જોડાયેલા કેટલાક વિષયોના રેકોર્ડ બનતા નથી. જરૂરી જે ચર્ચા હોય છે એમાં વિષયાંતર થઈ જાય છે.
તો આવું ન બન્યું હોત
સંસદમાં જે પ્રક્રિયા થાય છે એનો સમય અંદાજવામાં આવે તો લોકસભા અને રાજ્યસભામાં નિર્ધારિત કાર્યવાહીને માન્ય રાખવામાં આવે તો આશરે 360 મિનિટ સુધી સદન ચાલે. આ વખતે પ્રથમ ત્રણ દિવસમાં આવું બિલકુલ થયું નહીં. પહેલા દિવસે વિપક્ષે હંગામો કરતા લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી વારંવાર રોકવી પડી.
બીજા દિવસે પ્રશ્નોત્તરી કાળ પ્રભાવિત થયો અને ત્રીજા દિવસે શિક્ષણમંત્રીના રાજીનામાનો મુદ્દો વધારે પડઘાયો. આ ત્રણ દિવસમાં પ્રજાને સંબંધિત ખાસ કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નહી અને કોઈ રિપોર્ટ પણ બન્યા નહીં. આ દિવસોમાં કોઈ સામાન્ય પ્રક્રિયા પણ થઈ હોય તો મોન્સૂન સત્ર પ્રાથમિક તબક્કામાં ધોવાઈ જાત એવું ન બન્યું હોત.