Sat Sep 05 2026

Logo

ભાજપ-કોંગ્રેસની ખેંચાખેંચી વચ્ચે સોનિયા ગાંધીનું પુસ્તક ભારતમાં છપાશે, આ તારીખે પ્રકાશિત થશે!

2026-09-04 14:47:00
Author: Mumbai Samachar Team
ભાજપ-કોંગ્રેસની ખેંચાખેંચી વચ્ચે સોનિયા ગાંધીનું પુસ્તક ભારતમાં છપાશે, આ તારીખે પ્રકાશિત થશે!

કોંગ્રેસ નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસ્મરણ પુસ્તકને લઇને ચાલી રહેલો વિવાદ હવે એક નવા વળાંક પર પહોંચી ગયો છે. હાર્પર કોલિન્સ ઇન્ડિયાએ શુક્રવારે જાહેરાત કરી કે તે સોનિયા ગાંધીના પુસ્તક 'Belonging: A Journey of Love'ને ભારતમાં પ્રકાશિત કરશે. પુસ્તકને દુનિયાભરમાં 10 નવેમ્બરે રિલીઝ કરાશે. 
.
પુસ્તકમાં સોનિયા ગાંધીના જીવનના ઘણા મહત્વપૂર્ણ તબક્કાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં યુદ્ધ પછીના ઇટાલીમાં તેમના બાળપણથી લઈને ભારત આગમન, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથેના લગ્ન અને ભારતીય રાજકારણના કેન્દ્રમાં દાયકાઓ સુધી રહેવાના અનુભવો જણાવવામાં આવશે. પ્રકાશકના મતે, આ પુસ્તક ભારતની યાત્રા અંગે એક આંતરિક દ્રષ્ટિકોણ પણ રજૂ કરશે.

પેંગ્વિનના નિર્ણયથી શરૂ થયો વિવાદ

આ પુસ્તકને લઈને વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અમેરિકા સ્થિત 'અલ્ફ્રેડ એ. નોફ' (જે પેંગ્વિન રેન્ડમ હાઉસનો એક ભાગ છે) દ્વારા 10 નવેમ્બરે આ પુસ્તકને દુનિયાભરમાં પ્રકાશિત કરવાની જાહેરાત કરવામાં આવી. ત્યારબાદ 'પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા'એ સ્પષ્ટ કર્યું કે તે ભારતમાં આ પુસ્તકનું પ્રકાશન કરનાર નથી.

અહેવાલો અનુસાર, પેંગ્વિન ઇન્ડિયાએ પુસ્તકની હસ્તપ્રત (પાંડુલિપિ)ના કેટલાક ભાગોમાં સંપાદકીય ફેરફારો અને કેટલાક અંશો હટાવવાની માંગણી કરી હતી. સોનિયા ગાંધીની ટીમ આ ફેરફારો સાથે સહમત ન થઈ, જેના કારણે બંને પક્ષો વચ્ચે પ્રકાશનને લઈને સમજૂતી થઈ શકી નહીં.

મોદી, RSS અને ચીન સાથે જોડાયેલા અંશો પર પણ વિવાદ

કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે પેંગ્વિન ઇન્ડિયાએ પુસ્તકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, RSS અને ભારત-ચીન સંબંધો સાથે જોડાયેલા કેટલાક હિસ્સાઓને હટાવવાની માંગણી કરી હતી. કોંગ્રેસના નેતાઓએ એ પણ આરોપ લગાવ્યો કે પ્રકાશક પર બાહ્ય દબાણ હતું.

જોકે, પેંગ્વિન ઇન્ડિયાએ આક્ષેપોને નકારી કાઢ્યા છે. પ્રકાશન સંસ્થાએ જણાવ્યું કે ભારતમાં આ પુસ્તક પ્રકાશિત ન કરવાના નિર્ણય પાછળ કોઈપણ પ્રકારનું બાહ્ય દબાણ નહોતું.