Thu Jul 23 2026

Logo

આવતી કાલથી કૉમનવેલ્થનો કરિશ્મા

2026-07-22 14:41:00
Author: Ajay Motiwala
Article Image

મોટી સંખ્યામાં ચંદ્રકો જીતવા માટે ભારતને પીઢ અને યુવા ઍથ્લીટો પર ભરોસો 

અજય મોતીવાલા

મુંબઈ: આવતી કાલે (ગુરુવાર, 23મી જુલાઈએ) સ્કૉટલૅન્ડના ગ્લાસગૉ શહેરમાં કૉમનવેલ્થ ગેમ્સ શરૂ થઈ રહી છે. 23મા ફિફા વર્લ્ડ કપ બાદ હવે 23મી કૉમનવેલ્થ ગેમ્સ (CWG) ખેલકૂદ પ્રેમીઓના દિલોદિમાગ પર છવાઈ જશે. આવતી કાલે રાત્રે 10:30 વાગ્યે ઓપનિંગ સેરેમની યોજાશે.

2026ના રમતોત્સવની આંકડાબાજી

23મી જુલાઈથી બીજી ઓગસ્ટ સુધી ચાલનારા આ રમતોત્સવમાં 74 દેશના ઍથ્લીટો ભાગ લેશે. કુલ મળીને 10 પ્રકારની રમતોમાં કુલ 215 ઇવેન્ટ યોજાશે જેમાં 3,000થી વધુ ઍથ્લીટો તેમની ક્ષમતા, ટેલેન્ટ, ઊર્જા અને કાબેલિયત પ્રદર્શિત કરશે. 10 રમતમાં બાસ્કેટબૉલ, જિમ્નેસ્ટિક્સ, ઍથ્લેટિક્સ, વેઈટલિફ્ટિંગ, બૉક્સિંગ, બૉવ્લ્સ, સાઈક્લિંગ, જૂડો, નેટબૉલ અને સ્વિમિંગ. બૉવ્લ્સની રમતમાં ઘાસના મેદાન પર મુખ્ય બૉલને જમીન પરથી સામે રાખેલા કેટલાક બૉલ તરફ મોકલવામાં આવે છે.

કોમનવેલ્થ ગેમ્સ શું છે?

ફૂટબૉલના ફિફા વર્લ્ડ કપની જેમ કૉમનવેલ્થ ગેમ્સ પણ 1930ની સાલથી દર ચાર વર્ષે રમાય છે. 1930માં સૌપ્રથમ કૉમનવેલ્થ ગેમ્સ કૅનેડામાં યોજાઇ હતી. ભારતમાં આ સ્પર્ધાનું 2010ની સાલમાં દિલ્હીમાં આયોજન થયું હતું. ઑલિમ્પિક ગેમ્સ પછીના બીજા નંબરના  આ રમતોત્સવમાં ભારત (INDIA) સહિત એવા દેશો ભાગ લે છે જેમના પર ભૂતકાળમાં બ્રિટિશ શાસને રાજ કર્યું હતું. ખુદ બ્રિટનના ઍથ્લીટો પણ આ મેગા રમતોત્સવમાં ભાગ લે છે. ભારતે આ વખતે ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, કૅનેડા અને યજમાન સ્કોટલૅન્ડના ઍથ્લીટોના પડકાર ઝીલવા પડશે

2022માં ભારતનો દેખાવ કેવો હતો?

ગઈ કૉમનવેલ્થ ગેમ્સ 2022માં ઇંગ્લૅન્ડમાં યોજાઇ હતી જેમાં આ વખત કરતાં બમણી (20 રમત)માં હરીફાઈઓ થઈ હતી અને ભારત એમાં ચોથા નંબર પર રહ્યું હતું. ભારતીય ઍથ્લીટો અને ખેલાડીઓ ત્યારે બાવીસ ગોલ્ડ મેડલ સહિત કુલ 61 ચંદ્રક જીત્યા હતા. આ વખતની કૉમનવેલ્થ ગેમ્સમાં ઓછી (માત્ર 10) રમતોમાં હરીફાઈઓ યોજાશે એટલે ભારતના કિસ્સામાં ચંદ્રકોની સંખ્યા 2022 કરતાં ઓછી જોવા મળી શકે.

2030માં અમદાવાદ યજમાન

ચાર વર્ષ પછી (2030માં) કૉમનવેલ્થ ગેમ્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. 2036ની ઑલિમ્પિક ગેમ્સ પણ અમદાવાદમાં યોજાવાની પાક્કી સંભાવના છે.

2026: રમતોની સ્પર્ધાઓનો મહાકુંભ

2026 જેવું વર્ષ કદાચ બીજું કોઈ નહીં હોય, કારણકે આ વર્ષમાં ખેલકૂદપ્રેમીઓ સામે હરીફાઈઓ અને સ્પર્ધાઓનો જાણે જે રસથાળ પીરસવામાં આવ્યો છે એવું અગાઉ કોઈ વર્ષમાં નહીં બન્યું હોય. વિવિધ રમતોની એક એકથી ચડિયાતી અને વધુને વધુ રોમાંચક ટૂર્નામેન્ટનો જાન્યુઆરીમાં સિલસિલો શરૂ થયો હતો. માત્ર ક્રિકેટ અને ફૂટબૉલ જાણે સ્પોર્ટ્સલવર્સ માટે પૂરતા ન હોય એમ હવે આવતી કાલથી બીજી રમતોની એક્સાઇટિંગ હરીફાઈઓનો મોકો તેમને ટીવી પર તથા ઍપ પર માણવા મળશે. હજી તો અડધું વર્ષ પૂરી થયું છે ત્યાં રમતપ્રેમીઓને ન્યાલ કરી મૂકે એવું હજી ઘણું આ વર્ષમાં આવવાનું બાકી છે. 2026ને રમતોત્સવનું વર્ષ કહીએ તો પણ ખોટું નથી.

જાન્યુઆરીમાં હૉકી ઇન્ડિયા લીગ, મહિલાઓની આઇપીએલ એટલે કે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) તથા મુંબઈ મૅરથનથી `સ્પોર્ટ્સ યર'ની શરૂઆત થઈ અને પછી તો ઇવેન્ટ્સની લાઈન લાગી ગઈ હતી. ફેબ્રુઆરી-માર્ચમાં ટી-20 વર્લ્ડ કપ યોજાયો હતો જે ભારતે સૂર્યકુમાર યાદવના સુકાનમાં જીતી લીધો હતો અને ત્યાર બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) યોજાઈ હતી. એ પૂરી થયા બાદ મહિલાઓના ટી-20 વર્લ્ડ કપ સહિત ક્રિકેટની બીજી સિરીઝો યોજાઇ, પણ સૌથી વધુ મજા તો ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપમાં આવી. હજી પણ ખેલકૂદના ચાહકોને કંઈ લાંબો બ્રેક નથી મળવાનો, કારણકે રવિવાર, 19મીએ સૉકર વર્લ્ડ કપની પૂર્ણાહુતિ થયા બાદ હવે આવતી કાલથી કૉમનવેલ્થ ગેમ્સ શરૂ થઈ રહી છે. ત્યાર બાદ બે મહિના પછી જાપાનમાં એશિયન ગેમ્સ યોજાશે અને સેનેગલમાં સમર યુથ ગેમ્સનું આયોજન થશે.

આ વખતે ક્રિકેટ સહિત પાંચ રમતોની બાદબાકી

2022ની કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે મહિલાઓની ટી-20 ક્રિકેટમાં (ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલની હારને પગલે) સિલ્વર મેડલ જીતી લીધો હતો. જોકે આ વખતની કૉમનવેલ્થમાં ક્રિકેટ તેમ જ ટેબલ ટેનિસ, કુસ્તી, બૅડમિન્ટન, હૉકી જેવી મુખ્ય રમતોની હરીફાઈ નથી યોજાવાની એટલે ભારતના મેડલની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી શકે. કારણ એ છે કે 2022માં ભારતના 22માંથી 13 ગોલ્ડ મેડલ જે ત્રણ રમત (કુસ્તી, બૅડમિન્ટન, ટેબલ ટેનિસ)માં આવ્યા હતા એ ત્રણ રમતને આ વખતની કૉમનવેલ્થ ગેમ્સમાંથી બહાર કરી દેવામાં આવી છે. ભૂતપૂર્વ ઍથ્લીટ અને ઍથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાનાં ઉપ-પ્રમુખ અંજુ બૉબી જ્યોર્જના મતે આ વખતે ભારતને (ગયા વખતના 61ની સરખામણીમાં) કુલ 30 મેડલ મળવાની સંભાવના છે. ક્રિકેટ, હૉકી સહિત પાંચ મુખ્ય રમતોની હરીફાઈ આ વખતે નથી થવાની એટલે અન્ય રમતોમાં ભારતીય યુવા ઍથ્લીટોને મેડલ જીતીને હીરો બનવાની તક છે.

ભારતને સૌથી વધુ અપેક્ષા કોની પાસે?

(1) નીરજ ચોપડા (ભાલા ફેંક)
(2) મીરાબાઈ ચાનુ (વેઇટલિફ્ટિંગ)
(3) લવલીના બોર્ગોહેઈન (મુક્કાબાજી)
(4) પારુલ ચૌધરી (રનિંગ)
(5) પ્રિયંકા ગોસ્વામી (રેસ વૉક)
(6) તેજસ્વિની શંકર (ઊંચો કૂદકો)
(7) તેજિન્દરપાલ સિંહ તૂર (ગોળા ફેંક)
(8) ઍન્સી સૉજન (લાંબો કૂદકો)
(9) શ્રીહરિ નટરાજ (સ્વિમિંગ)
(10) ભારતને ખાસ કરીને બૉક્સિંગ અને વેઈટલિફ્ટિંગ અને ઍથ્લેટિક્સમાં વધુ ચંદ્રકો મળી શકે.

ભારતને ખાસ કરીને યુવા ઍથ્લીટો પાસે વધુ આશા છે.

પ્રથમ દિવસે ભારતની કઈ હરીફાઈ?

23મી જુલાઈના પ્રથમ દિવસે બોવ્લ્સ નામની રમતની સિંગલ્સ સ્પર્ધામાં (પુરુષ વર્ગ) ભારતનો મુકાબલો કૅનેડા સામે થશે જેમાં ભારતનો પુતુલ સોનોવાલ રમશે. મહિલા વર્ગની વિમેન્સ પેર્સ સ્પર્ધામાં માલ્ટા વિરુદ્ધ ભારતની રૂપા રાની તિર્કે અને પિંકી સિંહની કસોટી થશે.