Fri Sep 04 2026

Logo

પંજાબ SIR લીસ્ટમાંથી રાઘવ ચઢ્ઢાના નામ સામે 'પર્મેનન્ટલી શિફ્ટેડ', AAP પર કર્યા આક્ષેપ

2026-09-03 11:31:00
Author: Mumbai Samachar Team
પંજાબ SIR લીસ્ટમાંથી રાઘવ ચઢ્ઢાના નામ સામે 'પર્મેનન્ટલી શિફ્ટેડ', AAP પર કર્યા આક્ષેપ

નવી દિલ્હીઃ પંજાબના ડ્રાફ્ટ વોટરલિસ્ટમાંથી ભાજપના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ ગાયબ થઈ ગયું છે. આ વાતની જાણ સાંસદને થતા રાઘવે કહ્યું હતું કે, આ કોઈ ભૂલ નથી પણ એક પ્રકારની રાજનીતિ છે. આ ઘટના સામે આવ્યા બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે. ચૂંટણી પંચે રાઘવ ચઢ્ઢાના રેકોર્ડ સામે પર્મેનન્ટલી શિફ્ટેડ એવું લખી દીધું છે. આ કોઈ ટેક્નિકલ એરર કે તંત્રની ભૂલ ગણાવવના બદલે રાઘવે આને પંજાબમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીની સરકારનો રાજકીય બદલો ગણાવ્યો હતો. 

મામલો આખો આવો છે
આ અંગે રાઘવે સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, હું પંજાબમાંથી હાલ પણ રાજ્યસભા સાંસદ છું. વોટર આઈડી મોહાલીમાં રજસ્ટર્ડ છે. વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીમાં મોહાલીમાંથી મતદાન કર્યું હતું. તેમ છતા ડ્રાફ્ટ ઈલેક્ટ્રોરલ રોલમાં નામની સામે શિફ્ટેડ લખેલું આવે છે. હાલમાં જે ડ્રાફ્ટ વોટરલીસ્ટ છે એ અંતિમ યાદી નથી. નામ ફરીથી એડ કરાવવા માટે આયોગ સામે દાવા સાથે એક પ્રોસેસ ફોલો કરવામાં આવી રહી છે. SIRને લઈને  કાયદાકીય પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મતદાતાઓની અંતિમ અને ફાઈનલ યાદી તો ઑક્ટોબર મહિનામાં પ્રકાશિત થવાની છે. ચઢ્ઢાએ આ ઘટનાને લઈને પંજાબના અધિકારીઓ પર આરોપ લગાવ્યા છે.  ચઢ્ઢાએ પોતાની પોસ્ટમાં આરોપ લગાવ્યો હતો કે, પંજાબ સરકારના અધિકારીઓ સમગ્ર પ્રક્રિયામાં સામેલ હતા.

આમ આદમી પાર્ટીની સ્પષ્ટતા
નામને 'શિફ્ટેડ' તરીકે ચિહ્નિત કરવાથી લઈને ઉચ્ચ સ્તરે તેની ચકાસણી અને પ્રક્રિયા કરવા સુધી. કયા અધિકારીએ તેમને 'શિફ્ટેડ' તરીકે ચિહ્નિત કર્યા, કોણે તેની ચકાસણી કરી અને કોણે તેની આગળ પ્રક્રિયા કરી.આવા પ્રશ્નો ઊઠાવીને તેણે સિસ્ટમ સામે સવાલ કર્યા છે. આની પાછળ આમ આદમી પાર્ટીની એક રાજકીય ઈચ્છાનો દાવો કર્યો હતો. 
 ચઢ્ઢાનો દાવો છે કે, આ બધા તબક્કામાં પંજાબ સરકારના અધિકારીઓ ચૂંટણી ફરજો બજાવી રહ્યા છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ અધિકારીઓ પર રાજકીય દબાણ લાવી શકાય છે, કારણ કે તેમના ટ્રાન્સફર, પોસ્ટિંગ અને કારકિર્દી પર રાજ્ય સરકારનો પ્રભાવ છે. આ મામલા સામે આમ આદમી પાર્ટીએ સ્પષ્ટતા કરી હતી કે, 
રાઘવ ચઢ્ઢાને દિલ્હીમાં જૂની પ્રક્રિયા દ્વારા મતદાર તરીકે નોંધણી કરાવવાનો પ્રયાસ કરતા પકડ્યા છે. હવે, તે સમગ્ર મામલાનો દોષ આમ આદમી પાર્ટી (AAP) અને પંજાબ સરકાર પર ઢોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

સામસામે આક્ષેપબાજી
ચૂંટણી પંચ મતદાર નોંધણી પ્રક્રિયાનું સંચાલન કરે છે, રાજ્ય સરકાર નહીં. તેથી, કોનું નામ મતદાર યાદીમાં સામેલ કરવું કે તેમાંથી દૂર કરવું તે નક્કી કરવામાં પંજાબ સરકારની કોઈ ભૂમિકા નથી. આ એક સાર્વજનિક રેકોર્ડનો વિષય છે. રાજ્ય સરકારનો નહીં. રાઘવ ચઢ્ઢા ભલે રાજ્યસભાના સાંસદ તરીકે પંજાબમાંથી રહ્યા પણ તેઓ દિલ્હીમાં રહે છે. પંજાબમાં નહીં. વોટર આઈડી કાર્ડમાં ફેરફાર કરવો એ એમની જવાબદારી છે. આ માટે પંજાબ સરકાર કોઈ રીતે જવાબદાર હોઈ શકે નહીં. આ પછી આમ આદમી પાર્ટી વચ્ચે અને રાઘવ વચ્ચે ફરી આક્ષેપબાજીનો દૌર શરૂ થઈ ગયો છે.