વડોદરાઃ ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશના-એ-મોહમ્મદના શંકાસ્પદ નેટવર્ક વિરુદ્ધ શરૂ કરવામાં આવેલા ઓપરેશનમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. બનાસકાંઠા, નવસારી અને પાટણ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી 13 જેટલા શંકાસ્પદોની અટકાયત કર્યા બાદ હવે આ તપાસનો રેલો સંસ્કારી નગરી વડોદરાના સેન્ટ્રલ રેલવે સ્ટેશન નજીક આવેલા સયાજીગંજ વિસ્તાર સુધી પહોંચ્યો છે
એટીએસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, આ કેસમાં પકડાયેલા બે શંકાસ્પદ આતંકીઓ થોડા સમય માટે વડોદરાની જાણીતી હોટેલના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા હતા. તપાસ અધિકારીઓની ટીમ ઝડપાયેલા મુખ્ય શંકાસ્પદ આરોપી અહમદ ગજીવાલાને સાથે રાખીને સયાજીગંજમાં આવેલી હોટેલ પહોંચી હતી. ત્યાં પહોંચીને એટીએસે હોટેલના માલિક, મેનેજર તેમજ અન્ય કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી હતી.
શંકાસ્પદ આરોપી અહમદ ગજીવાલા અને ઈબ્રાહીમ ઘાઘા હોટેલના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાઈને ફ્રેશ થયા હતા. આ સમયગાળા દરમિયાન તેઓએ કોની કોની સાથે મુલાકાત કરી અને સ્ટાફ સાથે તેમનો કેટલો સંપર્ક હતો, તે દિશામાં ટેકનિકલ તપાસ ચાલી કરી હતી. ખુલાસો એવો પણ થયો કે હોટેલમાંથી બહાર નીકળ્યા બાદ બંને શંકાસ્પદો વડોદરા રેલવે સ્ટેશન વિસ્તાર તરફ ગયા હતા.
ત્યાં તેમની મુલાકાત કાશ્મીરથી આવેલા એક મુખ્ય આતંકી હેન્ડલર સાથે થઈ હતી. આ ગુપ્ત બેઠક દરમિયાન ગુજરાતમાં સંગઠનનો વ્યાપ વધારવા, નવા યુવાનોને કટ્ટરપંથી બનાવી જોડવા અને સ્થાનિક સ્તરે આતંકી સ્લીપર સેલ મજબૂત કરવા અંગે ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે. મુલાકાત પૂર્ણ કર્યા બાદ બંને આરોપીઓ ફરીહોટેલના સર્વન્ટ ક્વાર્ટરમાં પરત ફર્યા હતા.
તપાસ દરમિયાન હોટેલના મેનેજર સફવાન શાહજીના જણાવ્યાં પ્રમાણે, એટીએસની ટીમ એક આરોપીને તપાસ અર્થે હોટેલ લઈ ગઈ હતી. આરોપીએ સ્વીકાર્યું હતું કે તે માત્ર પોતાના ગામના એક પરિચિત પૂર્વ કર્મચારીને મળવા અને ફ્રેશ થવા માટે ૩૦ થી ૪૫ મિનિટ માટે સર્વન્ટ ક્વાર્ટરમાં આવ્યો હતો. ટીમ દ્વારા તમામ હોટેલ સ્ટાફની સામસામે પૂછપરછ કરી હતી, પરંતુ આરોપીએ હોટેલના વર્તમાન સ્ટાફમાંથી કોઈને પણ ઓળખવાનો ઈનકાર કર્યો હતો. એટીએસ દ્વારા હોટેલમાં કરાયેલી સઘન તપાસમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે વાંધાજનક સામગ્રી મળી આવી નહોતી.
ગુજરાત એટીએસ અને સ્થાનિક પોલીસની સાયબર વિંગ દ્વારા આરોપીઓના મોબાઈલ ફોન, કોલ ડિટેલ રેકોર્ડ્સ, જીપીએસ લોકેશન હિસ્ટ્રી અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો બારીકાઈથી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસ અધિકારીઓનું માનવું છે કે ડિજિટલ એવિડન્સના વિશ્લેષણથી આંતરરાજ્ય અને સરહદ પારથી ચાલી રહેલા આ આતંકી નેટવર્કની મોટી કડીઓ સ્પષ્ટ થશે.