અમદાવાદઃ શહેરમાં આજે ભારે વરસાદ પડ્યો છે. અમદાવાદમાં સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં સરેરાશ 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. શહેરના પોશ વિસ્તાર બોપલમાં 8.50 ઇંચ, સરખેજમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. શહેરમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવા માટે વાસણા બેરેજના 20 ગેટ ખોલવાની ફરજ પડી હતી. અમદાવાદમાં આવતીકાલે પણ ભારે તથા અતિભારે વરસાદની આગાહી છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં ભારે તથા અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તકેદારીના ભાગરૂપે આવતીકાલે, તા. 24 જુલાઈ, 2026 (શુક્રવાર)ના રોજ અમદાવાદ શહેરની તમામ શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પરિસ્થિતિ દરમિયાન સાવચેતી રાખવા તેમજ અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
ભારે વરસાદના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન નાગરિકોની સુવિધાર્થે અને ઈમરજન્સી મદદ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા ‘મોનસૂન 2026 - કંટ્રોલરૂમ સંપર્ક નંબર’ ની યાદી જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત ચોમાસા દરમિયાન પાણી ભરાવા, વૃક્ષ ધરાશાયી થવા કે અન્ય કોઈ પણ સમસ્યા માટે નાગરિકો પોતાના વિસ્તારના કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી શકશે. તેમજ નાગરિકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વરસાદી પાણી નજીક ન જવા તથા બિનજરૂરી ઘરમાંથી બહાર ન નીકળવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વાહનચાલકોને સાવચેતી રાખવા અને જરૂરી સૂચનાઓનું પાલન કરવા માટેની અપીલ કરવામાં આવી છે.
વેજલપુરમાં વરસાદી પાણીમાં ફસાયેલી સ્કૂલ બસમાંથી વિદ્યાર્થીઓનું સુરક્ષિત રેસ્ક્યૂ
અમદાવાદના વેજલપુરમાં વરસાદી પાણીમાં ફસાયેલી સ્કૂલ બસમાંથી વિદ્યાર્થીઓનું સુરક્ષિત રેસ્ક્યૂ કરાયું છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક રેસ્ક્યૂ અભિયાન હાથધરી બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદમાં કયા કયા સ્થળે ભરાયા પાણી
અમદાવાદના હનુમાનપુરા બીઆરટીએસ, અખબારનગર અંડર બ્રિજ, શાહીબાગ અંડર બ્રિજ, જૂના વાડજ બીઆરટીએસ, મેમનગર બીઆરટીએસ થી જયમંગલ બીઆરટીએસ, માણેકબાગ બીઆરટીએસ, કર્ણાવતી ક્લબ બીઆરટીએસ, સરખેજ સર્કલ, સ્વામિનારાયણ કોલેજ બીઆરટીએસ, છીપા સોસાયટી બીઆરટીએસ, ઝાંસી કી રાની બીઆરટીએસ, સાયન્સિ સિટી એપ્રોચ, અરવિંદ મિલ, મુકેશ ઈન્ડસ્ટ્રીઝ, પાર્શ્વનાથ જૈન મંદિર સર્વિસ રોડ પણ પાણી ભરાયા છે.