પેરિસઃ યુરોપિયન દેશ ફ્રાન્સમાં તાજેતરમાં નોંધાયેલી ઐતિહાસિક ગરમી અને હીટવેવે મોટો વિનાશ વેર્યો છે. દેશની સરકારી આરોગ્ય સંસ્થા ‘પબ્લિક હેલ્થ ફ્રાન્સ’ દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા અનુસાર, ગરમીના પ્રકોપ દરમિયાન દેશમાં સામાન્ય અંદાજ કરતાં આશરે 5,700થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આરોગ્ય એજન્સીએ તાપમાનના તમામ રેકોર્ડ તોડતી આ આપત્તિમાં મૃત્યુઆંકના પોતાના અગાઉના અંદાજમાં મોટો વધારો કર્યો છે.
2003 પછીની સૌથી ઘાતક હીટવેવ
પબ્લિક હેલ્થ ફ્રાન્સના ડેટા અનુસાર, 17 જૂનથી 2 જુલાઈ વચ્ચે ગરમીથી પ્રભાવિત વિસ્તારોમાં કુલ 21,674 મૃત્યુ નોંધાયા હતા. જોકે, ભૂતકાળના આંકડાકીય મોડેલિંગ મુજબ જો સામાન્ય હવામાન હોત તો આ સમયગાળામાં મૃત્યુઆંક આશરે 15,910 હોવો જોઈતો હતો. આમ, અપેક્ષિત મૃત્યુ કરતાં 36% વધુ મોત નોંધાયા છે, જે વર્ષ 2003ની ભયાનક ગરમી પછીનો સૌથી મોટો આંકડો છે. વર્ષ 2003માં ફ્રાન્સમાં ગરમીના કારણે લગભગ 15,000 લોકોના મોત થયા હતા.
માત્ર 3 દિવસમાં જ અડધાથી વધુ મોતના કિસ્સા
આ વર્ષે 24 અને 25 જૂનના દિવસો ફ્રાન્સના ઇતિહાસના સૌથી ગરમ દિવસો સાબિત થયા હતા, જેમાં રાષ્ટ્રીય સરેરાશ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ અને ઘણા વિસ્તારોમાં પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો હતો.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગરમીના કારણે થયેલા કુલ વધારાના મોતમાં અડધાથી વધુ મોત 25 જૂનથી 27 જૂન વચ્ચેના માત્ર ત્રણ દિવસમાં જ થયા હતા. શાળાઓ અને સરકારી કચેરીઓ પૂર્ણ ક્ષમતા સાથે ચાલુ હતી ત્યારે જ અચાનક શરૂ થયેલી આ ગરમીએ સમગ્ર વસ્તીને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. માત્ર ફ્રાન્સ જ નહીં, પરંતુ સમગ્ર યુરોપ ખંડમાં હીટવેવના કારણે 10,000થી વધુ વધારાના મોત થયા હોવાનો અંદાજ છે.
પેરિસમાં મુર્દાઘરો પણ ટૂંકા પડ્યા
આ ભયાનક ગરમીની સૌથી વધુ અસર પેરિસ અને તેના આસપાસના વિસ્તારોમાં જોવા મળી છે, જ્યાં 1,999 અણધાર્યા મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ આંકડો સામાન્ય દિવસોના અંદાજ કરતાં 80% વધુ છે. પેરિસમાં સ્થિતિ એટલી ગંભીર બની હતી કે અંતિમ સંસ્કાર કરનારી સંસ્થાઓ પાસે મૃતદેહો રાખવાની જગ્યા ખૂટી પડી હતી. કેટલાક મુર્દાઘરો ભરાઈ જતાં તેમણે નવા મૃતદેહો સ્વીકારવાની ના પાડવી પડી હતી.
હોસ્પિટલો પર ભારણ અને મૃત્યુના આંકડા
મીડિયા રિપોર્ટ પ્રમાણે નોંધાયેલા 21,600થી વધુ કુલ મૃત્યુમાંથી લગભગ અડધા દર્દીઓના મોત હોસ્પિટલોમાં થયા હતા, જ્યાં ગરમીથી પીડાતા દર્દીઓનો ભારે ઘસારો હતો. આ ઉપરાંત, એક-તૃતીયાંશ લોકોના મોત તેમના ઘરે અને બાકીના મોત વૃદ્ધાશ્રમોમાં થયા હતા. નિષ્ણાતોનું કહેવું છે કે, વર્ષના અંત સુધીમાં તમામ વિગતવાર ડેટા મળ્યા બાદ આ આંકડાઓમાં હજુ પણ સુધારો થઈ શકે છે.