Thu Jul 23 2026

Logo

ડૉલર સામે રૂપિયો 20 પૈસા નરમ

2026-07-23 20:19:11
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) 

મુંબઈઃ
પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવની સ્થિતિ વચ્ચે ક્રૂડતેલના ભાવમાં વધારો, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીના દબાણ અને સંભવિતપણે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનો બજારમાં હસ્તક્ષેપ રહેતાં આજે ડૉલર સામે રૂપિયો 20 પૈસાના ઘટાડા સાથે 96.73ના મથાળે બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 96.53ન બંધ સામે ભાવ ટૂ ભાવ 96.53ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 96.73 અને ઉપરમાં 96.45 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 20 પૈસાના ઘટાડા સાથે સત્રના નીચા 96.73ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 28 પૈસાનું ધોવાણ થયું હતું.

અમેરિકાએ સતત 12મા દિવસે ઈરાન પર અને ઈરાને અમેરિકાના સહયોગી અખાતી દેશો પર હુમલાઓ ચાલુ રાખતા આજે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં આગેકૂચ અને ઈક્વિટી માર્કેટમાં પીછેહઠ રહેતાં રૂપિયામાં નકારાત્મક વલણ રહ્યું હતું અને હાલની વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 96.30થી 96.85 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરી હતી. 

તે જ પ્રમાણે જિઓજીત ઈન્વેસ્ટમેન્ટના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયાના વિવાદને કારણે બે્રન્ટ ક્રૂડતેલના ભાવ વધી આવતા રૂપિયા પર તેની નકારાત્મક અસર જોવા મળી છે. જોકે, રિઝર્વ બૅન્કના હસ્તક્ષેપને કારણે રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ સાંકડી વધઘટે અથડાઈને 101.12 આસપાસ ટકેલો રહ્યો હતો, પરંતુ બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 2.21 ટકા વધીને બેરલદીઠ 96.15 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 363.66 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 126.65 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 819.20 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.