Thu Jul 23 2026

Logo

વલસાડના ઉમરગામમાં એક જ દિવસમાં 36 ઇંચ વરસાદથી આખું શહેર ડૂબ્યું

2026-07-23 09:56:00
Author: Mayur Patel
Article Image

વલસાડઃ વલસાડના ઉમરગામમાં એક જ દિવસમાં 36 ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ધોધમાર વરસાદને કારણે જનજીવન પર અસર થઈ હતી. ઔરંગા નદીના પાણી વલસાડ શહેરમાં ઘૂસ્યા હતા. નદીના પાણી ઘૂસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 

24 કલાકમાં વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉમરગામમાં 35.67 ઇંચ, કપરાડામાં 28.78, નાનાપોંઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં 19.65 ઇંચ, પારડીમાં 17.64 ઇંચ, વાપીમાં 16.26 ઇંચ, વલસાડમાં 15.87 ઇંચ વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં 24 કલાકમાં 159 ઇંચથી વધુ વરસાદ પડતાં  નદીઓમાં પુર આવ્યા હતા. ભારે વરસાદના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરાઈ હતી.

વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જનજીનવ પ્રભાવિત થવાની સાથે વાહનવ્યવહાર પણ થંભી ગયો છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વાહનો રસ્તા પર બંધ પડી ગયા હતા. ભારે વરસાદની અસર ને.હા.-48 પર પણ જોવા મળી હતી. કુંડી ગામ નજીક હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. 

ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતાં વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં ઔરંગા નદીના પાણી ઘૂસ્યાહતા.  છીપવાડની દુકાનો, ઘરમાં પાણી ઘૂસતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે અને NDRF તથા SDRFનીએક-એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

વલસાડમાં ભારે વરસાદની સ્થિતિને પગલે જિલ્લાના તમામ કારખાનાઓ અને ઔદ્યોગિક એકમો આજે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમયોગીઓની સુરક્ષા અને જાહેર હિતને પ્રાધાન્ય; માત્ર આવશ્યક સેવાઓ માટે જ ન્યૂનતમ સ્ટાફ રાખવા સૂચના આપવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં પડી રહેલા સાંબેલાધાર વરસાદના કારણે તંત્ર દ્વારા પરિસ્થિત પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.