Wed Oct 14 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ગુજરાતમાં કૉંગ્રેસ-આપ ભાજપને પડકારી શકે તેમ જ નથી...

2026-10-14 07:23:59
Author: Bharat Bharadwaj
એકસ્ટ્રા અફેરઃ ગુજરાતમાં કૉંગ્રેસ-આપ ભાજપને પડકારી શકે તેમ જ નથી...

ભરત ભારદ્વાજ

ગુજરાતની રાજધાની ગાંધીનગર મહાનગરપાલિકા સહિતની ચૂંટણીઓનાં પરિણામ આવી ગયાં અને ધારણા પ્રમાણે જ ભાજપે કૉંગ્રેસ સહિતના વિપક્ષોનો સૂપડાં સાફ કરી નાખ્યાં છે. આ ચૂંટણીમાં સૌથી મહત્ત્વની ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હતી. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપના કબજામાં જ હતી ને ભાજપે સત્તા જાળવી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 વોર્ડની 44 બેઠકોમાંથી ભાજપે લગભગ 90 ટકા એટલે કે 38 બેઠકો જીતી છે જ્યારે કૉંગ્રેસે આબરૂૂનો ફજેતો કરીને ગણીને પાંચ બેઠકો જીતી છે. 

કૉંગ્રેસે વોર્ડ નંબર 6ની ચારેય બેઠકો જીતી છે જ્યારે  વોર્ડ નંબર 7માં ભાજપની પેનલ તોડીને કૉંગ્રેસના ઉમેદવાર માત્ર 14 મતે જીત્યા છે. વોર્ડ નંબર બેની એક બેઠક પર અપક્ષ ઉમેદવાર જીત્યા છે અને એ સિવાય બાકીના બધા વોર્ડમાં કૉંગ્રેસનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં હતી પણ પાર્ટીને એક પણ બેઠક નથી મળી તેથી અરવિંદ કેજરીવાલની પાર્ટીએ તો સાવ ધોળકું ધોળ્યું છે. 

ભાજપે છેલ્લી ચૂંટણીમાં 41 બેઠકો જીતેલી એ જોતાં તેની 3 બેઠકો ઘટી છે પણ આ બહુ મોટો ફેરફાર ના કહેવાય. ભાજપે ઉમેદવારોની પસંદગીમાં થાપ ખાધી હોય કે કૉંગ્રેસે એક વોર્ડમાં સારા ઉમેદવાર મૂકી દીધા હોય તેના કારણે બે-ત્રણ બેઠકોનો ફરક પડી જાય એ સહજ છે. સ્થાનિક પ્રશ્નોના કારણે ચોક્કસ વોર્ડના મતદારોને ભાજપ સામે વાંધો હોય તેનો ફાયદો કૉંગ્રેસને મળ્યો હોય એ પણ શક્ય છે એ જોતાં 3 બેઠકોનો ઘટાડો બહુ મોટી વાત નથી. 

ગાંધીનગરની સાથે થરા અને ઓખા એ બે નગરપાલિકાની પણ ચૂંટણી હતી. થરામાં કૉંગ્રેસ સારો દેખાવ કરે એવી અપેક્ષા હતી કેમ કે બનાસકાંઠામાં કૉંગ્રેસ એકંદરે મજબૂત છે પણ થરામાં પણ કૉંગ્રેસની ભૂંડી હાર થઈ છે. 6 વોર્ડની 24 બેઠકોમાંથી ભાજપે 19 બેઠકો જીતી છે જ્યારે કૉંગ્રેસના ફાળે પાંચ બેઠકો આવી છે. 

ગુજરાતામંથી કૉંગ્રેસનાં એક માત્ર સાંસદ ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત સહિતના મજબૂત ગણાતા નેતાઓના ગઢની આ નગરપાલિકામાં હાર કૉંગ્રેસ માટે આંચકાજનક છે. ઓખા નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકોમાંથી 33 બેઠકો જીતીને ભાજપે ઓખા નગરપાલિકા પર પણ કબજો જાળવ્યો છે. ઓખામાં તો કૉંગ્રેસની હાલત ગાંધીનગર અને થરા કરતાં પણ ખરાબ છે કેમ કે કૉંગ્રેસને ગણીને 3 બેઠકો મળી છે.  

ગુજરાતમાં બીજી ઘણી પાલિકા બેઠકોની પેટાચૂંટણી પણ હતી ને બે અપવાદને બાદ કરતાં બધે ભાજપનો જયજયકાર થઈ ગયો છે. આ બંને બેઠકો સૌરાષ્ટ્રમાં છે. રાજકોટ જિલ્લા પંચાયતની થોરીયાળી ખોડાપીપર બેઠકની પેટા ચૂંટણીમાં કૉંગ્રેસના લક્ષ્મણભાઈ શિંગાળા જીત્યા છે.  આ બેઠક કૉંગ્રેસ પાસે હતી ને ભાજપે બેઠક જીતવા પૂરી તાકાત લગાવી દીધેલી. ભાજપના અગ્રણીઓ દ્વારા આ બેઠક પર પ્રચાર કરવામાં આવેલો પણ કૉંગ્રેસના ઉમેદવારે ભાજપ સામે ઝીંક ઝીલીને જીત મેળવીને આ બેઠક પર કબજો જાળવી રાખ્યો છે. 
 
દ્વારકા જિલ્લા પંચાયતની ભડથર  બેઠક પર પણ ભાજપે હાર ખમવી પડી છે. આ બેઠક પર  આમ આદમી પાર્ટી (આપ)એ જીતી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરુ કંડોરીયાએ  1351 મતની સરસાઈથી જીત મેળવીને સારો દેખાવ કર્યો છે પણ તેના કારણે બીજે બધે આમ આદમી પાર્ટીની આબરૂનું જે ધોવાણ થયું એ સરભર થવાનું નથી. આ બેઠકોને બાદ કરતાં છોટા ઉદેપુર હોય, ખેરાલુ હોય, બાયડ હોય કે બીજી કોઈ બેઠક હોય, બધે ભાજપ જીત્યો છે અને વિપક્ષોનાં સૂપડાં સાફ કરીને જીત્યો છે. 

ગુજરાતમાં આવતા વરસે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણીમાં ભાજપને હરાવવાનાં સપનાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને જોઈ રહ્યાં છે પણ આ પરિણામો જોયા પછી લાગતું નથી કે, બંનેમાંથી કોઈ ભાજપને હરાવવાની વાત તો છોડો પણ ટક્કર આપવાની સ્થિતીમાં પણ છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કે બીજી બે નગરપાલિકા આખું ગુજરાત નથી પણ ગુજરાતનો બહુ નાનો વિસ્તાર છે તેથી તેના આધારે વિધાનસભાની ચૂંટણીમાં શું થશે તેની અટકળ ન લગાવી શકાય પણ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીની હાલતને આધારે ચોક્કસ એવી ધારણા બાંધી શકાય કે, આ બંને પાર્ટી ભાજપના આયોજન સામે સાવ ફિક્કી છે. 

ભાજપ દાવો કરે છે એમ ગુજરાતમાં ભાજપ વિકાસના મુદ્દે નથી જીતતી. ગુજરાતમાં ભાજપની જીતનું મુખ્ય કારણ નરેન્દ્ર મોદીની હિંદુવાદી ઈમેજ છે. 2002માં થયેલાં કોમી રમખાણોના કારણે નરેન્દ્ર મોદીની મજબૂત હિંદુ નેતા તરીકેની ઈમેજ ઊભી થઈ તેના કારણે ગુજરાતમાં ભાજપ જીતે છે. ભાજપ નહીં હોય તો મુસ્લિમો હાવી થઈ જશે એવું લોકોના માનસમાં ઠસાવવામાં ભાજપ સફળ થયો તેનો લાભ ભાજપને મળે છે, બાકી ભાજપના રાજમાં રામરાજ્ય નથી જ. અમદાવાદ સહિતનાં શહેરોમાં વરસોથી ભાજપ સત્તામાં હોવા છતાં બેફામ ગંદકી છે અને દર વરસે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે તેથી લોકો પરેશાન થઈ જાય છે. 

ગુજરાતના મોટા ભાગના શહેરી વિસ્તારોમાં તો રોડ-રસ્તાની હાલત  સાવ જ ખરાબ છે. મોટા ભાગના રસ્તા તૂટેલા છે ને હોહા થાય ત્યારે તૂટેલા રસ્તાને કરાતી થિગડથાગડના કારણે ઉબડખાબડ બની ગયા છે તેથી લોકોની પરેશાની વધે છે. બીજી પણ ઘણી સમસ્યાઓ છે પણ લોકોને તેની પરવા નથી. નરેન્દ્ર મોદી નહોતા આવ્યા એ પહેલાં ગુજરાતમાં હિંદુઓ મુસ્લિમોના હાથે માર ખાતા હતા ને કૉંગ્રેસ મુસ્લિમોની ગુંડાગીરીને પોષતી હતી એ માન્યતા એ હદે ઘર કરી ગઈ છે કે, લોકો ભાજપ સિવાય બીજી પાર્ટી વિશે વિચારતાં જ નથી. 

કૉંગ્રેસ લોકોના મનમાંથી આ માન્યતા દૂર કરી જ શકતાં નથી કેમ કે કૉંગ્રેસ હજુય સમયાંતરે મુસ્લિમોને પંપાળતી હોય એવી હરકતો કર્યા કરે છે. કૉંગ્રેસને પોતાનું ઘર સરખું કરવામાં પણ રસ નથી. એકબીજાના ટાંટિયા ખેંચવામાંથી જ કૉંગ્રેસીઓ ઉંચ આવતા નથી. કૉંગ્રેસમાં મોટા ભાગના નેતા જનાધાર વિનાના છે તેથી જીતી શકતા નથી. જેમનો જનાધાર છે તેમને પતાવી દેવા માટે બીજા કૉંગ્રેસીઓ મથ્યા કરે છે તેમાં ઊંચી આવતી નથી. આમ આદમી પાર્ટીની છાપ મુસ્લિમ પાર્ટી તરીકેની નથી પણ આપ પાસે સંગઠન નથી, કાર્યકરો પણ નથી તેથી તેનું ભાજપને પડકાર આપવાનું ગજું જ નથી. 

આ સંજોગોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે કોઈ મોટો પડકાર નથી દેખાતો. હજુ વરસની વાર છે તેથી કોઈ મોટો મુદ્દો ઊભો થઈ જાય ને લોકોને ભાજપ અળખામણો લાગવા માંડે એ અલગ વાત છે, બાકી કૉંગ્રેસ કે આપ ભાજપ માટે પડકાર ઊભો કરી શકે એ વાતમાં માલ નથી.