Wed Oct 14 2026

Logo

અધધધ સફળતા: જયલલિતા અપ્રમાણસર સંપત્તિ...

2026-10-14 07:35:48
Author: Praful Shah
અધધધ સફળતા: જયલલિતા અપ્રમાણસર સંપત્તિ...

પ્રફુલ શાહ

જયરામ જયલલિતા (24 ફેબ્રુઆરી 1948- 5 ડિસેમ્બર 2016) એટલે સફળ ભારતીય રાજકારણી અને તમિળનાડુનાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન. પ્રેમથી ‘અમ્મા’ તરીકે ઓળખાતા આ જાજરમાન મહિલા રાજકારણમાં પ્રવેશતા અગાઉ દક્ષિણ ભારતના એક લોકપ્રિય અભિનેત્રી હતા. ભારતમાં હજી સુધી કોઈ ફિલ્મ એક્ટ્રેસે પોલિટીક્સમાં આટલી સફળતા મેળવી નથી.

હા, તેઓ છ વખત તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા હતા (1991-1996, 2001, 2002-2006, 2011-201ષ, 2015-2016 અને 2016). આ સિવાય જયલલિતા ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમના મહાસચિવ એટલે લગભગ સર્વેસર્વા. 1984થી 1989 વચ્ચે રાજ્યસભાના સાંસદ પણ ખરા. 300થી વધુ સાઉથની ફિલ્મોમાં અભિનય કર્યો હતો. અને હિન્દી ફિલ્મ? હિરોઈન તરીકે એક જ ફિલ્મ: ઈજ્જત (1968), ધર્મેન્દ્ર (ડબલ રોલ) અને તનુજા સાથે. 

જયલલિતાને આદિવાસી યુવતી તરીકે ચમકાવતી આ ફિલ્મના બે ગીત ‘જાગી રે બદન મેં જ્વાલા...’ અને ‘રૂક જા જરા કિધર કો ચલા...’ આજેય યાદ કરાય છે. આ અગાઉ 1962માં જયલલિતાએ કિશોર કુમાર-સાધનાની ‘મન-મૌજી’માં બાળ કલાકાર તરીકે કૃષ્ણનો રોલ કર્યો હતો. 

હવે જયરામ જયલલિતાની અણગમતી સિદ્ધિની વાત જેને લીધે અહિયાં સ્થાન મળ્યું. તેમની સામે જાહેર કરેલી આવકની સરખામણીમાં અપ્રમાણસર સંપત્તિનો કેસ થયો હતો. આ ખટલો ભારતના સૌથી લાંબા સમય સુધી ચાલેલા અને ચર્ચાસ્પદ ભ્રષ્ટાચારના કેસોમાંનો એક હતો. 1991થી 1996 દરમિયાન મુખ્ય પ્રધાન તરીકેની તેમની પહેલી મુદત દરમિયાન જાણીતી આવક કરતાં ઘણી વધારે સંપત્તિ એકઠી કર્યાનો આરોપ મુકાયો હતો. આ કેસમાં તેમના વિશ્વાસુ સાથી વી.કે. શશિકલા સહિત અન્ય બે વ્યક્તિઓ પણ આરોપી હતાં. 

કેસની શરૂઆત કેવી રીતે થઈ એ જોઈએ. આમાં મેઈન રોલ ભજવ્યો ડો. સુબ્રમણ્યમ સ્વામીએ. જયલલિતા અને ડો. સ્વામીના વચ્ચેનો રાજકીય સંબંધ મુખ્યત્વે વિરોધ અને કાનૂની લડાઈનો રહ્યો હતો. 1991માં જયલલિતા ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમના નેતૃત્વ હેઠળ તમિળનાડુનાં મુખ્ય પ્રધાન બન્યાં, ત્યારે ડો. સ્વામી જનતા પાર્ટીના નેતા હતા. 

1992ની 2 ઑક્ટોબરે સ્વામીએ તમિળનાડુના રાજ્યપાલને કરેલી અરજીમાં જયલલિતા સામે આરોપ મૂક્યો હતો કે મુખ્ય પ્રધાન સાથે સંકળાયેલી જયા પબ્લિકેશન નામની પેઢીના અપાયેલા સરકારી કરારને કારણે તેઓ ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠરી શકે છે. ત્યાર બાદ 1996માં ડો. સ્વામીએ જયલલિતા સામે વધુ એક ફરિયાદ કરી હતી. એમાં આરોપ હતો કે 1991થી 1996 દરમિયાન મુખ્યમંત્રી પદ પર હતાં ત્યારે તેમણે પોતાની જાણીતી આવકના પ્રમાણમાં ન સમજાવી શકાય તેટલી અર્થાત્ આશરે ₹66.65 કરોડની સંપત્તિ એકઠી કરી હતી.

તપાસમાં ચર્ચામાં આવેલી સંપત્તિઓમાં જમીનો, બંગલા, દાગીના, બેંકમાં જમા રકમ, મોંઘી કારો અને અન્ય રોકાણોનો સમાવેશ થતો હતો. 1996માં જ આ મામલે કાનૂની કેસ નોંધાયો હતો. (ક્રમશ:)