સંજય છેલ
‘મોડર્ન લવસ્ટોરીઝ’ મેગેઝિનની પ્રેમ-કથાઓ અને પ્રેમની ચર્ચાઓ મેંય ધ્યાનથી વાંચી. પછી લાગ્યું કે પ્રેમ-પ્રસંગમાંના ઘણા મહત્ત્વનાં પાસાંઓ અરસિક, બોર કે વયસ્ક વાંઢા લેખકો વિચારકોને સમજાયા જ નથી. ‘છોકરી પટાવવા’ અંગે માત્ર ચર્ચા જ નહીં, એક સાઇન્ટિફિક સંશોધન થવું જોઈએ. જેમ કે....
જે દીકરીઓની રક્ષા કાજે માબાપ એને કામવાળી સાથે કોલેજ મોકલે છે એ બધીનાં (અને કામવાળીઓના પણ)પ્રેમ-પ્રકરણો, એકલી કોલેજ જનારી છોકરીઓ કરતાં વધુ શા માટે થતાં હોય છે?
પ્રેમપ્રસંગોમાં ‘બાંધકામ વિભાગ’નોયે મોટો વાંક છે. જે રસ્તાઓ પરથી પ્રેમીઓ પસાર થાય છે, એ રસ્તાઓ જ ના હોત તો કપલ્સ ત્યાંથી પસાર થઇને મળત જ નહીં ને પ્રેમલીલા આગળ વધત જ નહીં! વળી ભારતીય પ્રેમને તો ‘બે આત્માનો સંબંધ’ કહેવાય છે, તો તેમને રસ્તાઓની શું જરૂર? સાચા પ્રેમીઓ રસ્તાઓ વિના ઉડીને પ્રેમસંબંધ બાંધીને દેખાડે!જો રસ્તો ‘રવીના’ના બંગલા સામેથી ના જતો હોત કે ‘આર્યન’નું મકાન એ રસ્તાના નાકે ન હોત તો બેઉની આત્મા ‘જન્મોજન્મનો સંબંધ’ ક્યાંથી જોડત?
પ્રેમ-પ્રસંગમાં, લાંબા લવલેટર્સ (આજના ઇન્ટરનેટ યુગમાંયે) મોકલવાની સિસ્ટરમ પર પણ વિચારવું જોઈએ. પ્રેમપત્રો મોકલવાની જાણીતી ટેકનિકો છે, જેમ કે નાના ભાઈ-બહેનને ચોકલેટ ખવડાવવીને અથવા કોઇ પુસ્તક (જેમાં પ્રેમપત્ર હોય) એને મોકલાવાનો, જેથી ભોળા બાળકોને લાગે: ‘અમારી દીદીને તો વાંચવાનો શોખ છે!’
વળી લવસ્ટોરીમાં ‘ફાધરની ભૂમિકા’નું શું? ‘જુવાન છોકરીનો બૂઢો નિવૃત્ત ફાધર, ખાલી એકવાર મોડી સાંજે ઘડિયાળ જોઈને કહે,‘મોડું થઇ ગયું, હજુ મુન્ની કોલેજથી નથી આવી? રોજ થોડા ‘એક્સ્ટ્રા ક્લાસ’ હોય?’ નિવૃત્ત ફાધર ‘એક્સ્ટ્રા ક્લાસ’ની પણ જાણકારી રાખે. એનીયે ખબર હોય કે સામેના ઘરમાં એક છોકરો પોતાના દોસ્તારને બૂમ પાડીને પછી એની બાલ્કની ઘર તરફ તાકે છે? પણ અહીં તો એનો કોઇ મિત્ર રહેતો નથી!
છોકરીનો ગેર-નિવૃત્ત ફાધર ‘પાર્ટ-ટાઇમ’ ફાધર હોય છે, જ્યારે નિવૃત્ત ફાધર ‘ફુલ-ટાઇમ’ ફાધર હોય છે. ગેર-નિવૃત્ત ફાધર પાસે વાત કરવાનોય સમય નથી હોતો, પરંતુ નિવૃત્ત ફાધર પાસે વાત કરનારાઓ જ નથી હોતા. લવરબોય, છોકરીના ફાધરને ખુશ કરવા અનેક પ્રયાસ કરે છે ને એ માટે એ જે જે કષ્ટ ભોગવે છે, તે વર્ણવી શકાય તેમ નથી. છોકરો બિચારો મનમાં પ્રેમિકાનો સુંદર ચહેરો લઈને જાય, પણ દરવાજે ખડૂસ ફાધર હોય! છોકરાનું દિલ રડી ઉઠે, ગુસ્સોયે આવે, છતાંયે અત્યંત વિનમ્રતાથી મલકાઈને બાપાને એમ મળે, જાણે એ પેલાની છોકરીને નહીં, પણ બૂઢાને જ પ્રેમ કરતો ના હોય?
ફાધર પેલાને બેસાડીને પોતાની બોરિંગ લાઇફનાં સંસ્મરણો સંભળાવે. છોકારાએ કંટાળો છુપાવીનેય ઇન્ટરેસ્ટ દેખાડવો પડે. પ્રેમમાં છોકરાને એટલી જ સફળતા મળે, જેટલી એનામાં બાપા દ્વારા ‘બોર’ થવાની કેપેસિટી હોય. કેટલીક લવસ્ટોરી ફક્ત એટલે જ ફ્લોપ જાય છે કે પ્રેમી, ‘બોર બાપા’ને સહન કરી શક્યો નહીં. કેટલીય સુંદર યુવતીઓ એટલે જ પ્રેમીઓથી વંચિત રહી કે એમના લપિયા બાપાઓના પડછાયાથીયે ભલભલા રોમિયો જીવ બચાવીને નાસી ગયેલા. બિચારી ‘બોરિંગબાપા’ વાળી જુલિયટો!
પ્રેમીઓએ, છોકરી કરતાં એના ખડૂસ બાપને પટાવવા માથાં કૂટવા પડે. 30-40 વરસ અગાઉ મારો મિત્ર ફિલોસોફીનો પ્રોફેસર, ‘ઇન્ડિયન પીનલ કોડ’ ગોખી રહ્યો હતો. મેં પૂછ્યું, ‘આ શું વાંચે છે? હવે પ્રોફેસરમાંથી’વકીલ બનીશ?’ તેણે કહ્યું, ‘છોકરીના ફાધર અગાઉ પોલીસ અફસર હતા ને? એ સાલા ગુનાખોરીના કિસ્સાઓની જ વાતો કરે રાખે છે. કહે છે, મેં ફલાણાને કલમ 302માં અંદર કર્યો; 307ની કલમ તો તેના પર પહેલાથી જ ચાલતી હતી. મને એ બધા કાયદાની કંઇ જ ખબર નથી. તો થોડું વાંચું છું.’
ખરેખર, મેં પેલા કન્યાના પિતાને મનોમન વંદન કર્યા કે જેણે ગીતાથી લઇને ગ્રીક ફિલોસોફીના પ્રોફેસર પાસે ‘ઇન્ડિયન પીનલ કોડ’ ગોખાવી દીધા. પ્રોફેસરે ફાધરને તો જીતી લીધા પણ છોકરીને હારી બેઠા!
કરુણ કહાણી છે. પ્રોફેસરના જ શબ્દોમાં સાંભળો:
‘મેં છોકરીના ફાધરની એક વાત ટાળી નહીં. એમની દરેક વાતમાં ‘હા’માં ‘હાં’ કહેતો. કોઇ વાતે વિરોધ કર્યો કે સામી દલીલ ન કરી. ફાધર મને દીકરો માનવા લાગ્યા, પણ છોકરીના ફાધર, કટ્ટર ‘અંગ્રેજ-ભક્ત’ નીકળ્યા. તે હંમેશાં કહેતા, ‘શાસન તો અંગ્રેજોને આવડતું.આજના ઝબ્ભાકુર્તાવાળાઓ ને રાજ આવડતું જ નથી. અંગ્રેજો બરોબર કહેતા આપણે અનાડી લોકો આઝાદીને લાયક જ નથી. આજે અંગ્રેજો હોત તો દેશની આવી હાલત ના હોત, પણ આઝાદીના ચળચળિયાઓએ આંદોલનો ને દેકારા કરી ભગાડી મૂક્યા સાહેબોને... અંગ્રેજ, સુસંસ્કૃત કોમ છે. એ કલ્ચર્ડ લોકો, આવી ટોળાબાજીને બૂમાબૂમથી કંટાળીને જતા રહ્યા.’
આવું સાંભળીને એવો ગુસ્સો આવતો પણ છોકરીનો ફાધર નારાજ ન થઈ જાય એટલે હું અંદરની દેશભક્તિને પટાવીને શાંત રાખતો. છોકરીના બાપા પાછા આઝાદીના આંદોલનમાં પોતાની દમનકારી ડ્યૂટીના વખાણ કરતા : ‘એકવાર ચળવળિયાઓએએ સરઘસ કાઢ્યું, એમને ખબર નહોતી કે આ મરદનો બચ્ચો ત્યાં હાજર છે! મેં ફાયરિંગ કરાવ્યું. બે-ચાર પડ્યા, બાકીનાને જેલમાં નાખ્યા: ‘લો સ્વરાજ!’ હંટરસાહેબ ખુશ. મેં અચકાતા કહ્યું: ‘સોરી સર, મેજિસ્ટ્રેટના હુકમ વગર મેં ગોળી ચલાવેલી.’
હંટરસાહેબ બોલ્યા: ‘ડોન્ટ વરી, મેજિસ્ટ્રેટને સમજાવી લેશું.’ એવો તો આપણો રોફ હતો! ખાદીધારીઓ તો મારા નામથી કાંપતા!’
મારા મનમાં એવો રાષ્ટ્રવાદ જાગતો કે ફાધરને ઉપાડીને જમીન પર પટકી દઉં. પણ તોયે ગાંધી માર્ગે, અહિંસક બનીને હું કહતો: ‘હા ડેડી, અંગ્રેજો જ સારા હતા ને આઝાદી ખામખાં આપી!’
પછી જ્યારે ખાતરી થઇ કે છોકરીનાં ફાધરે મને પાસ કર્યો, પછી જ મેં છોકરીને ‘પ્રપોઝ’ કર્યું. છોકરીએ તિરસ્કારથી મને કહ્યું,‘પ્રેમ? તારી સથે? તારા જેવા રાષ્ટ્રદ્રોહી ને ગુલામ માનસિકતાવાળા પર તો હું થૂંકીશ પણ નહીં. ફાધર સાથેની વાતો મેં સાંભળેલી!’
મેં પરસેવે રેબઝેબ થઇ છોકરીને સમજાવી, ‘ના ના હું એવો નથી. હું તો તારા ફાધરનું મન રાખવા માટે હાએહા કહેતો. બીલીવ મી, મેં તારો પ્રેમ મેળવવા માટે આવું કરેલું!’
‘એમ? મારા માટે? તો કાલે મારાથી સારી છોકરી મળી જશે તો તું દેશ સાથેય ગદ્દારી પણ કરી નાખીશ. તારો શું ભરોસો?’
એ ફિલોસોફીનો પ્રોફેસર પ્રેમી, બાળાના બાપાને ખુશ કરવાની લ્હાયમાં બાળાને જ ખોઈ બેઠો. એ રડતા રડતા બોલ્યો, ‘મને શું ખબર કે સ્ત્રીઓમાં પણ દેશભક્તિ હોય છે?’
‘આઇ થિંક, ‘છોકરીના ફાધર’ જેવા જટિલ મામલા વિશે ‘પ્રેમ-પ્રસંગમાં ફાધર: એક અધ્યયન’ જેવું કોઈ ઊંડું સંશોધન થવું જોઇએ. પી.એચ.ડી.નો ગ્રંથ લખાવો જોઇએ, જેથી સમાજને પ્રોપર ગાઇડન્સ મળે: પ્રેમીને- પ્રેમિકાને ને ફાધરને પણ!