Wed Oct 14 2026

Logo

ફોકસઃ શું ઓઝોન લેયરમાં થયા છે સુધારા?

2026-10-14 09:11:05
Author: Shailendra Sinh
ફોકસઃ શું ઓઝોન લેયરમાં થયા છે સુધારા?

શૈલેન્દ્ર સિંહ

એક સમય હતો જ્યારે વૈજ્ઞાનિકોએ વિશ્વને ચેતવણી આપી હતી કે પૃથ્વી ઉપર ફેલાયેલું અદૃશ્ય રક્ષણાત્મક કવચ સતત નબળું પડી રહ્યું છે. આ ચેતવણી કોઈ યુદ્ધ, મહામારી કે પરમાણુ અકસ્માત અંગેની ભલે ન હોય, પણ ખતરાનો અહેસાસ કંઈક એવો જ હતો. કારણ કે ખતરો આકાશમાં હતો અને તે ઓઝોન લેયરમાં સતત મોટા થઈ રહેલા હોલનો હતો. 

આશંકા એ હતી કે સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો આના કારણે ધરતી સુધી વધુ ને વધુ માત્રામાં પહોંચી શકે છે અને કરોડો, અબજો લોકો ત્વચાના કેન્સરનો શિકાર બની શકે છે. સાથે ધરતી પર પ્રલયનું કારણ પણ બની શકે છે. આ સુવિધાઓ છે- ફ્રીજ, એર કંડિશનર, એરોસોલ અને ઔદ્યોગિક રસાયણો, જે મળીને અજાણતાં ધરતીની એ નૈસર્ગિક ઢાલને નુકસાન પહોંચાડી રહ્યા છે, જે કરોડો વર્ષોથી પૃથ્વી પરના જીવનનું રક્ષણ કરે છે.

દુનિયાના વૈજ્ઞાનિકોની વાત સાંભળવામાં આવી, દેશોએ ભેગા મળીને નિયમો બનાવ્યા, ઉદ્યોગોમાં બદલાવ લાવવામાં આવ્યો અને ખતરનાક રસાયણોને તબક્કાવાર રીતે હટાવવામાં આવ્યા. તેના વિકલ્પો શોધાયા અને ધીમે-ધીમે એવા સમાચાર આવવા લાગ્યા, જેની આશા રાખવી પણ મુશ્કેલ હતી કે ઓઝોન લેયરમાં ધીમે-ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. હવે સૌથી મોટો સવાલ કદાચ એ નથી કે ઓઝોન લેયરમાં કેટલો સુધારો થયો? 

ઓઝોન કોઈ સામાન્ય ગેસ નથી. પૃથ્વીના વાતાવરણના સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું ઓઝોન લેયર સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ-બી કિરણોનો મોટો ભાગ ધરતી પર આવતા રોકી લે છે. સરળ શબ્દોમાં સમજીએ તો આ ધરતીની અદૃશ્ય સનસ્ક્રીન છે, પરંતુ 20મી સદીમાં વૈજ્ઞાનિકોએ શોધ્યું કે માનવનિર્મિત કેટલાંક રસાયણો, ખાસ કરીને ક્લોરોફ્લોરોકાર્બન, આ સુરક્ષા કવચને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ રસાયણો એક સમયે આપણા ફ્રીજ, એર કંડિશનિંગ, એરોસોલ સ્પ્રે અને ફોમ જેવાં ઉત્પાદનોમાં વ્યાપક પ્રમાણમાં વપરાતા હતા.

1980ના દશકમાં એન્ટાર્કટિકા ઉપર ઓઝોન લેયરમાં જોવા મળેલા છિદ્ર પછી આ ‘ઓઝોન હોલ’ પર્યાવરણ વિજ્ઞાનનો સૌથી ડરાવનો શબ્દ બની ગયો. જોકે માનવ ઇતિહાસની આ વાત માત્ર સંકટની જ નથી, તેનો સંબંધ સુધારા અને સમજદારી સાથે પણ જોડાય છે. 1987માં ‘મોન્ટ્રિયલ પ્રોટોકોલ’ અસ્તિત્વમાં આવ્યો. તેનો ઉદ્દેશ્ય ઓઝોન લેયરને નુકસાન પહોંચાડતા પદાર્થોને નિયંત્રિત કરવાનો અને તબક્કાવાર રીતે નાબૂદ કરવાનો હતો.

સાંભળવામાં એ ભલે સરળ લાગે કે હાનિકારક વાયુઓ પર પ્રતિબંધ લગાવી દો, પરંતુ વાસ્તવિકતા માં આ બહુ મોટો આર્થિક અને ઔદ્યોગિક બદલાવ હતો. દુનિયાએ રેફ્રિજરેટર બદલવાના હતા, એર કંડિશનિંગ ટેકનોલોજી બદલવાની હતી, ઉદ્યોગોએ નવાં રસાયણો શોધવાનાં હતાં અને ગરીબ તથા વિકાસશીલ દેશોને પણ આ બદલાવમાં સામેલ કરવાના હતા. લક્ષ્ય મુશ્કેલ હતું, છતાં દુનિયા એકસાથે મળીને આગળ વધી. આજે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ મુજબ, નિયંત્રિત કરવામાં આવેલા લગભગ 99 ટકા ઓઝોન-ક્ષયકારી પદાર્થોને તબક્કાવાર રીતે નાબૂદ કરી દેવામાં આવ્યા છે. આ જ કારણ છે કે ઓઝોન લેયર સુધરવાના નક્કર સંકેતો સતત મળી રહ્યા છે. 

વર્ષ 2025નો ઓઝોન હોલ ઘણો નાનો અને ટૂંકા ગાળાનો હતો. વિશ્વ હવામાન સંગઠન મુજબ આ લાંબા ગાળાના સુધારાના વલણને અનુરૂપ છે. વાસ્તવમાં તાજેતરના દાયકાઓમાં જ નહીં, પરંતુ તાજેતરની સદીઓમાં કુદરત તરફથી મળેલા કદાચ આ એકમાત્ર અને બહુ સારા સમાચાર છે. જોકે એવું ન માનો કે ઓઝોન લેયર ખરેખર પુન:પ્રાપ્ત થયું છે. ઓઝોન લેયર હજુ પણ પૂરેપૂરી પોતાની જૂની સ્થિતિમાં પાછું આવ્યું નથી. 

વૈજ્ઞાનિક આંકડા અને મૂલ્યાંકન મુજબ જો મોન્ટ્રિયલ પ્રોટોકોલનું પાલન સતત ચાલુ રહેશે, તો સરેરાશ વૈશ્વિક સ્તરે ઓઝોન લગભગ 2040 સુધીમાં 1980ના સ્તર પર પહોંચી શકે છે. આર્કિટિક ક્ષેત્રમાં આ 2045 અને એન્ટાર્કટિકામાં લગભગ 2066 સુધી શક્ય માનવામાં આવ્યું છે. ઓઝોનના લેયરમાં થતા છિદ્ર રોકવા એટલા માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આમાં જળવાયુનું સંકટ છુપાયેલું છે. ઓઝોન સંકટની જેમ જળવાયુ સંકટના કિસ્સામાં પણ વૈજ્ઞાનિકો આજે પહેલા કરતાં વધુ ચેતવણીઓ આપી રહ્યા છે.

પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે જે રીતે દુનિયાભરના દેશોએ ઓઝોન અંગે વૈજ્ઞાનિકોની વાત માની હતી અને એ દિશામાં પ્રયાસો પણ કર્યા હતા, તેવું બધું તેઓ ક્લાઈમેટ ક્રાઈસિસના સંદર્ભમાં કદાચ નથી કરી રહ્યા અથવા કદાચ આ સંકટ એટલું ઘેરું બની ગયું છે કે થોડું-ઘણું કરવાથી તેની કોઈ અસર જ દેખાતી નથી. જેમ દુનિયાના બધા દેશોએ ભેગા મળીને ઓઝોનનું હોલ પૂર્યું, તેમ જો આપણે બધા સાથે મળીને પ્રયાસ કરીએ તો ગ્લોબલ વોર્મિંગ કે અન્ય કોઈપણ પર્યાવરણીય સંકટને પણ ઉકેલી શકીએ છીએ.