અમદાવાદઃ રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. DGPએ શાળાઓ, કોલેજો અને કોચિંગ સેન્ટરોને ગેટ તેમજ પાર્કિંગ વિસ્તાર CCTVથી સુરક્ષિત કરવા આદેશ આપ્યો હતો. સગીરો દ્વારા વાહન ચલાવવા અને મારામારીની ઘટનાઓ રોકવાનો કેમેરાનો મુખ્ય ઉદ્દેશ હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગત પ્રમાણે, રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) જી. એસ. મલિક દ્વારા તમામ શહેરના પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને અપાયેલા નિર્દેશ મુજબ, ગુજરાતભરની શાળાઓ, કોલેજો અને ખાનગી કોચિંગ ક્લાસિસને પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ એન્ટ્રી પોઈન્ટ્સ, કોરિડોર અને પાર્કિંગ વિસ્તારોમાં હાઈ-રિઝોલ્યુશનવાળા CCTV કેમેરા લગાવવા ફરજિયાત રહેશે.
DGP મલિકે જણાવ્યું કે, આ માત્ર ચોરીની ઘટનાઓ પૂરતું સીમિત નથી; અમે સ્કૂલ અને કૉલેજ કેમ્પસની અંદર તેમજ બહાર વિદ્યાર્થીઓમાં હિંસા અને ખાસ કરીને વિદ્યાર્થિનીઓને હેરાન કરવાની ચિંતાજનક ઘટનાઓ જોઈ છે. પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ ખાનગી મિલકતો અને વ્યાપારી સંસ્થાનોની બહાર CCTV કેમેરા લગાવવા ફરજિયાત છે.
પાર્કિંગ વિસ્તારો અને બ્લાઇન્ડ સ્પોટ્સ
સેટેલાઇટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા માણેકબાગની એક શાળામાં બનેલી ચોરીની ઘટના આ નિર્ણય પાછળનું તાત્કાલિક કારણ બની હતી, જ્યાં એક તસ્કરે પાર્ક કરેલાં ટુ-વ્હીલર્સના બૂટ સ્પેસ અને ગ્લોવ કમ્પાર્ટમેન્ટમાંથી 13 મોબાઈલ ફોનની ચોરી કરી હતી. તાજેતરના એક કિસ્સામાં, શહેરની એક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીના હાથ પર ઊંડો ઘા પડતાં 15 ટાંકા લેવા પડ્યા હતા. પરંતુ જ્યારે સુરક્ષા માટેના ફૂટેજ માંગવામાં આવ્યા ત્યારે શાળાએ ટેકનિકલ ખામીનું બહાનું બતાવ્યું હતું, જેના કારણે જિલ્લા શિક્ષણાધિકારીએ દરમિયાનગીરી કરવી પડી હતી. નવા આદેશમાં વાહન પાર્કિંગ વિસ્તારો તરફ સીધા કેમેરા રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
મુખ્ય ફોકસ વિસ્તારો
કેમ્પસ પાર્કિંગ વિસ્તારો, કોરિડોર, મુખ્ય દરવાજા અને પરિસરના અન્ય બ્લાઇન્ડ સ્પોટ્સને મુખ્ય ફોકસ એરિયા તરીકે ઓળખવામાં આવ્યા છે. વાહનોમાંથી ચોરી, સગીરો દ્વારા વાહન ચલાવવું અને ગેટ પાસે થતી મારામારી જેવા જોખમો સામેલ છે. પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ ગેટ, પાર્કિંગ ઝોન, પ્રવેશદ્વારો અને અવરજવરના માર્ગો પર કેમેરા રાખવા ફરજિયાત છે. આ ઉપરાંત, કેમેરાનું મેઈન્ટેનન્સ રજિસ્ટર રાખવું પડશે અને સમયાંતરે સેફ્ટી ઓડિટ પણ કરાવવું પડશે.
રાજ્યભરની શાળાઓ અને કોલેજોમાં કેમેરા સેટઅપની ચકાસણી કરવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશન અને જિલ્લા શિક્ષણાધિકારીની ટીમો સંયુક્ત તપાસ કરશે. પબ્લિક સેફ્ટી એક્ટના નિર્દેશોની અવગણના કરનાર સંસ્થાઓ સામે કારણદર્શક (શો-કોઝ) નોટિસ અને નિયમ મુજબ દંડની કાર્યવાહી થઈ શકે છે.