ભુજઃ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરમાં આવેલી મોહમ્મદી મસ્જિદના વિવાદસ્પદ ડિમોલિશન મામલે ગુજરાત હાઈ કોર્ટે અત્યંત કડક વલણ અખત્યાર કર્યું છે. મસ્જિદ ટ્રસ્ટ તરફથી નોટિસનો સત્તાવાર ખુલાસો રજૂ થાય તે પૂર્વે જ મહેસૂલી તંત્ર દ્વારા તોડકામનો આદેશ જારી કરી દેવાયો હોવાની ચોંકાવનારી વિગત અદાલતી રેકર્ડ પર આવતાં જસ્ટિસ નિરલ આર. મહેતાએ ગંભીર નોંધ લીધી હતી. હાઈ કોર્ટે આ સમગ્ર પ્રકરણમાં કચ્છ જિલ્લા કલેક્ટરને આગામી ૧૯ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં વિગતવાર સોગંદનામું રજૂ કરવાનો સ્પષ્ટ આદેશ ફરમાવ્યો હતો.
શું છે સમગ્ર મામલો
પ્રકરણની વિગતો અનુસાર, મોહમ્મદી મસ્જિદ જમાતના ટ્રસ્ટી અને મુતવલ્લી સિદ્ધિક તેજમલ સમા દ્વારા એડવોકેટ રિઝવાન શેખ મારફતે બંધારણની કલમ ૨૨૬ હેઠળ ગુજરાત હાઈ કોર્ટ સમક્ષ રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. અરજદાર પક્ષે દલીલ કરવામાં આવી હતી કે, ભુજ (ગ્રામ્ય) મામલતદાર દ્વારા ગત ૧૮ જૂન, ૨૦૨૬ના રોજ ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ ૬૧ હેઠળ એક કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસ ટ્રસ્ટને ૧૯ જૂનના રોજ બજવાઈ હતી અને તેમાં પુરાવા સહિત જવાબ આપવા માટે માત્ર બે જ દિવસની ટૂંકી મુદત આપવામાં આવી હતી.
અરજદાર પક્ષે આપેલી મુદત મુજબ ૨૦ જૂનના રોજ તમામ દસ્તાવેજી પુરાવા સાથે સત્તાવાર ખુલાસો રજૂ કરી દીધો હતો. જોકે, સરકારી દસ્તાવેજોની ચકાસણી દરમિયાન સમયક્રમનો ગંભીર વિરોધાભાસ અને ગેરરીતિ સામે આવી હતી. મહેસૂલી અધિકારીઓ દ્વારા ડિમોલિશનનો હુકમ ૧૯ જૂનની તારીખે જ પસાર કરી દેવાયો હતો, એટલે કે ટ્રસ્ટ તરફથી રજૂ થયેલો ખુલાસો ધ્યાને લેવાય તે પહેલાં જ મસ્જિદ તોડી પાડવાનો નિર્ણય લઈ લેવાયો હતો.
૨૧ જૂન, ૨૦૨૬ના રોજ વહેલી પરોઢે વહીવટી તંત્ર દ્વારા પોલીસ કાફલા સાથે પહોંચીને મસ્જિદનું બાંધકામ જમીનદોસ્ત કરી દેવાયું હતું. અરજદાર પક્ષે અદાલત સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે, અસરગ્રસ્ત પક્ષને અપીલ દાખલ કરવાની પૂરતી તક કે વાજબી સમય આપ્યા વિના જ ઉતાવળે આ કાર્યવાહી કરવામાં આવી છે, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતો તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા ડિમોલિશન સંદર્ભે નક્કી કરાયેલી ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન છે.
સરકારી રેકર્ડ પર ઉપસ્થિત આ ગંભીર ત્રુટિઓને ધ્યાને લઈ હાઈકોર્ટે કચ્છ કલેક્ટર પાસેથી સમગ્ર ઘટનાક્રમ અંગે ખુલાસો માંગ્યો છે. આ કેસની વધુ કાનૂની સુનાવણી આગામી ૨૨ ઓક્ટોબરના રોજ હાથ ધરાશે.
*(ઉત્સવ વૈદ્ય)*