Wed Oct 14 2026

Logo

ભચાઉના જૂના કટારિયામાં શરાબના કટિંગ પર પોલીસનો સપાટો: ₹૬૩.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત...

2026-10-14 10:02:16
Author: Mumbai Samachar Team
ભચાઉના જૂના કટારિયામાં શરાબના કટિંગ પર પોલીસનો સપાટો: ₹૬૩.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત...

૧૪,૦૪૦ બોટલ વિદેશી દારૂ, ત્રણ ક્રેટા કાર અને ટ્રેક્ટર-ટ્રોલી કબજે: બોર્ડર રેન્જ અને લાકડિયા પોલીસની સંયુક્ત કાર્યવાહી

ભુજ: પૂર્વ કચ્છના વાગડ પંથકમાં નશાના કારોબાર સામે પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભચાઉ તાલુકાના જૂના કટારિયા ગામની સીમમાં રેલવે ટ્રેક નજીક અવાવરુ ખેતરમાં વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે બોર્ડર રેન્જ ભુજ અને લાકડિયા પોલીસે સંયુક્ત દરોડો પાડી રૂપિયા ૩૦.૪૧ લાખની કિંમતનો ૧૪,૦૪૦ બોટલ વિદેશી દારૂ તેમજ વાહનો મળી કુલ રૂપિયા ૬૩,૪૧,૧૬૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, જૂના કટારિયા ગામની સીમમાં રેલવે પાટા નજીક આવેલા નિર્જન ખેતરમાં ભારતીય બનાવટના વિદેશી શરાબનું મોટા પાયે કટિંગ થઈ રહ્યું હોવાની ગુપ્ત માહિતી બોર્ડર રેન્જ પોલીસને મળી હતી જેના આધારે બોર્ડર રેન્જ અને લાકડિયા પોલીસની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ખેતરમાં ઓચિંતો છાપો માર્યો હતો.

પોલીસના દરોડા દરમિયાન સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ અને છૂટા ક્વાર્ટરિયાંનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગણતરી કરતાં કુલ ૧૪,૦૪૦ નંગ શરાબની બોટલો અને ક્વાર્ટરિયાં મળી આવ્યાં હતાં, જેની કિંમત રૂપિયા ૩૦,૪૧,૧૬૦ આંકવામાં આવી છે.

ત્રણ ક્રેટા કાર અને ટ્રેક્ટર-ટ્રોલી સહિત ₹૩૩ લાખનાં વાહનો જપ્ત

દારૂના કટિંગ અને હેરફેરી માટે સ્થળ પર ઉપયોગમાં લેવાયેલાં વાહનો પર પણ પોલીસે સકંજો કસ્યો હતો. સ્થળ પરથી રૂપિયા ૩૩ લાખની કિંમતની ત્રણ હ્યુન્ડાઈ ક્રેટા કાર તેમજ એક ટ્રેક્ટર-ટ્રોલી કબજે કરવામાં આવી છે. આમ, દારૂનો જથ્થો અને વાહનો મળી કુલ રૂપિયા ૬૩.૪૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લાકડિયા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આટલી મોટી માત્રામાં શરાબનો જથ્થો કચ્છના સરહદી માર્ગો પરથી કોના ઈશારે અને ક્યાંથી ઘૂસાડવામાં આવ્યો હતો, તેમજ આ કટિંગ નેટવર્ક પાછળ સ્થાનિક બુટલેગરો સહિત અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે, તે દિશામાં પોલીસે જાણવા માટે કવાયત આદરી છે.