Wed Oct 14 2026

Logo

તસવીરની આરપારઃ ચણિયા ચોળી: માત્ર પોશાક નહીં-સદીઓ જૂની સાંસ્કૃતિક વિરાસત છે...

2026-10-14 08:57:53
Author: Bhati N.
તસવીરની આરપારઃ ચણિયા ચોળી: માત્ર પોશાક નહીં-સદીઓ જૂની સાંસ્કૃતિક વિરાસત છે...

ભાટી એન.

નવરાત્રીના નવલા નોરતા આવે એટલે ગરબાના તાલે ઘૂમતા રંગબેરંગી ચણિયા ચોળીની રોનક જ કંઈક અલગ હોય છે. આજે શહેરના યુવાનો અવનવા ફેશનેબલ ડ્રેસમાં રાસ રમે છે, પણ ગામઠી ચણિયા ચોળીની મજા અને તેનું ગૌરવ આજે પણ અકબંધ છે. ચણિયા ચોળી એ માત્ર ગુજરાત પૂરતો પોશાક નથી, તે તો ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું જીવંત પ્રતીક છે. તેનો ઈતિહાસ કોઈ દાયકા કે સદી જૂનો નથી, પરંતુ તેના મૂળ સિંધુ ખીણની સંસ્કૃતિ સુધી લંબાય છે. 

તે સમયે સ્ત્રીઓ ત્રણ ભાગમાં વહેંચાયેલો પોશાક પહેરતી હતી, જે સમય સાથે વિકસીને આજના સ્વરૂપે પહોંચ્યો છે. વૈદિક કાળમાં તેને અંતરિયા એટલે કે નીચેનો ઘાઘરા જેવો ભાગ, ઉત્તરિયા એટલે કે ખભા કે માથા પર ઓઢાતી ઓઢણી અને સ્તનપટ્ટ એટલે કે છાતીને ઢાંકતું વસ્ત્ર જે આજે ચોળી તરીકે ઓળખાય છે, એમ ત્રણ ભાગમાં ઓળખવામાં આવતો હતો.

પ્રાચીન અને પરંપરાગત ચણિયા ચોળીની સાચી ઓળખ તેની કલાત્મકતા અને કુદરતી શુદ્ધતા છે, જે આજના મશીન-મેડ ફેશન કરતા તદ્દન જુદી હતી.તે સમયે કાપડ તરીકે માત્ર શુદ્ધ ખાદી, સૂતરાઉ કાપડ અને રેશમ જેવા કુદરતી તંતુઓનો જ ઉપયોગ થતો હતો, જે શરીરને આરામદાયક રાખવાની સાથે ટકાઉ પણ રહેતા. તેના પરનું ભરતકામ એ જ તેનો આત્મા હતું. કચ્છી ભરતકામ, આહીર ભરત, રબારી વર્ક અને ગામઠી ટાંકા જેવી હાથ કારીગરી દરેક ચણિયા ચોળીને એક અનોખી વાર્તા આપતી. સાથે જ આભલા વર્ક અને મોતીકામ તેને રાત્રિના ગરબામાં દીવા અને લાઇટના અજવાળામાં ચમકાવતું, જે નવરાત્રીની રાતોને વધુ ઝળહળતી બનાવતું હતું.

એટલું જ નહીં, પ્રાચીન સમયમાં કાપડને રંગવા માટે પણ કુદરતી પદ્ધતિઓ જ અપનાવાતી હતી. ફૂલો, વનસ્પતિઓ અને ખનિજોમાંથી બનતા કુદરતી રંગો, બાંધણી અને અજરક પ્રિન્ટ જેવી પ્રખ્યાત તકનીકો તેની સુંદરતામાં વધારો કરતી. આજે જ્યારે ફેશન દરરોજ બદલાય છે, ત્યારે આ પરંપરાગત ચણિયા ચોળી આપણને આપણી માટી, આપણી કલા અને આપણા કારીગરોની મહેનત સાથે જોડી રાખે છે. એટલે જ ચણિયો, ચોળી અને ઓઢણીનો આ ત્રિવેણી સંગમ માત્ર એક ડ્રેસ નથી, પણ ગુજરાતની અસ્મિતા અને ભારતની સાંસ્કૃતિક ઓળખ છે.