Thu Jul 23 2026

Logo

સ્કૂલો બંધ રહી: 891 જણને ઉગારાયા: અમુક ગામોમાં અંધારપટ: એનડીઆરએફની મદદ લેવાઈ:

2026-07-23 20:16:58
Author: Yogesh C. Patel
Article Image

ઠેર ઠેર પાણી ભરાતાં, નદી-નાળાં ઊભરાતાં અને ભેખડ ધસી પડવાને કારણે અનેક માર્ગો વાહનવ્યવહાર માટે બંધ

મુંબઈ: ચોમાસાની શરૂઆતથી જ પાલઘર જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થતું રહ્યું છે તેમાં બુધવારની રાતથી વરસેલા વરસાદે ફરી આ જિલ્લાને ધમરોળી નાખ્યું હતું. પાણી ભરાવાને કારણે અમુક ગામોમાં અંધારપટ છવાયું હતું તો ગુરુવારે સ્કૂલો બંધ રાખવી પડી. મોટા ભાગના વિસ્તારો જળબંબોળ થતાં, નદી-નાળાં ઊભરાતાં અને ભેખડ ધસી પડવાની ઘટનાને પગલે અનેક માર્ગો વાહનવ્યવહાર માટે બંધ રહ્યા હતા. દહાણુ-તલાસરીમાં એનડીઆરએફની મદદ લેવામાં આવી હતી તો લગભગ 900 લોકોને ઉગારાયા હતા.

દરિયાકાંઠેના પાલઘર જિલ્લામાં રાતથી જ વરસાદનું જોર વધુ રહ્યું હતું અને ગુરુવારે રેડ અલર્ટને પગલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તોફાની પવન સાથે જોરદાર વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી હોવાથી ગુરુવારે જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી.

પાલઘર જિલ્લાનાં કલેક્ટર ડૉ. ઈન્દુ રાની જાખરે જણાવ્યું હતું કે અનરાધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. નદી-નાળાંમાં પાણીનું સ્તર વધી જતાં અનેક ઠેકાણે પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. દહાણુ-તલાસરીનાં કેટલાંય ગામોનો સંપર્ક તૂટી ગયો હતો તો વીજળીનાં પણ ધાંધિયાં હતાં. પરિણામે લગભગ બે લાખ રહેવાસીએ લાઈટ વિના અંધારામાં રહેવું પડ્યું હતું.

કલેક્ટરે જણાવ્યું હતું કે નૅશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમો રેસ્ક્યૂ ઑપરેશન્સ માટે દહાણુ અને તલાસરીમાં બોલાવવી પડી હતી. વસઈ-વિરાર મહાનગરપાલિકાની રેસ્ક્યૂ ટીમ અને સ્થાનિક ચારોટીની રેસ્ક્યૂ ટીમની પણ મદદ લેવાઈ હતી.

ઈન્દુ રાની જાખરે જણાવ્યું હતું કે નાળામાંથી એક શખસનો મૃતદેહ મળી આવ્યો છે. તેની ઓળખ મેળવવાના પ્રયાસ પોલીસે હાથ ધર્યા હતા. કુરજે અને ધામણી ડેમમાં ક્ષમતા કરતાં વધુ પાણીની આવક થતાં બન્ને ડેમનું પાણી છોડવામાં આવ્યું હતું, જેને કારણે આસપાસનાં ગામોમાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી. આ પરિસરના રહેવાસીઓને અલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી હતી.

મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (એમએસઈડીસીએલ)ના કલ્યાણ રિજનના ડેપ્યુટી ચીફ પીઆરઓ અજિત ઈગતપુરીકરે જણાવ્યું હતું કે 17 ઈલેક્ટ્રિકલ સબસ્ટેશન પાણીમાં ગરકાવ થઈ જતાં સુરક્ષાનાં કારણોસર 106 ફીડર્સનો વીડપુરવઠો ખંડિત કરવાની ફરજ પડી હતી.

ડોલારપાડા અને બોરડી સબસ્ટેશન પૂર્ણપણે પાણીમાં ડૂબી ગયાં હતાં. ડોલારપાડા સબસ્ટેશનના ઑપરેટર અને સિક્યોરિટી ગાર્ડ આખી રાત ત્યાં ફસાયા હતા, જેમને ગુરુવારની સવારે ગામવાસીઓએ ઉગારી લીધા હતા.
એનડીઆરએફ સાથે મળીને એમએસઈડીસીએલના અધિકારીઓએ રેસ્ક્યૂ બોટની મદદથી તલાસરી અને દહાણુમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણીમાં ડૂબેલા સબસ્ટેશન્સનું નિરીક્ષણ કર્યું હતું. આખા જિલ્લામાં 16 હાઈ-ટેન્શન અને 13 લૉ-ટેન્શન પાવર પોલ્સ ઊખડી પડ્યા હતા.

આ બધા પરિસરોમાં વીજપુરવછો પૂર્વવત્ કરવાના પ્રયાસો યુદ્ધના ધોરણે હાથ ધરાયા હોવાનું ચીફ એન્જિનિયર ચંદ્રમણિ મિશ્રાએ જણાવ્યું હતું.

પાલઘર પોલીસના જણાવ્યા મુજબ માસવણ, શિલ-દહેર્જે, જવ્હાર-ઝાપ માર્ગ અને વાડાના બ્રાહ્મણપાડા-કુર્ઝે ખાતેના પુલ પર પૂરનાં પાણી ફરી વળ્યાં. ધામોડી ખાતે ભેખડ ધસી પડવાની ઘટના બની હતી તો અમુક ઠેકાણે પાણી ભરાવાને કારણે અનેક માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરાયા હતા. કારણ વગર ઘરબહાર ન નીકળવાની સલાહ નાગરિકોને પ્રશાસન દ્વારા અપાઈ હતી.