(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડાબી તરફથી આવતી કાર પર ધ્યાન કેન્દ્રિત કરનારા ડ્રાઈવરે જમણી તરફ ધ્યાન ન આપતાં બેસ્ટની બસ ડિવાઈડર સાથે ટકરાઈ હોવાની ઘટના અંધેરીના પવઈ વિસ્તારમાં બની હતી. અકસ્માતમાં બસમાં મુસાફરી કરનારા છ જણ ઘવાતાં તેમને હૉસ્પિટલે લઈ જવા પડ્યા હતા.
બેસ્ટ અનુસાર અકસ્માતની ઘટના ગુરુવારની સવારે 11.05 વાગ્યે પવઈ વિહાર સંકુલ ખાતે બની હતી. વિક્રોલી ડેપોથી નીકળેલી રૂટ નંબર એ-422 બસ બાન્દ્રા પશ્ર્ચિમમાં જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરની ગફલતને કારણે અકસ્માત થયો હતો.
બસ ડ્રાઈવરના કહેવા મુજબ ઘટનાસ્થળે બસની ડાબી તરફથી એક કાર પસાર થઈ રહી હતી. કોઈ ટક્કર ન થાય તે માટે તેનું પૂરું ધ્યાન એ કાર પર હતું. પરિણામે જમણી તરફના ડિવાઈડર તરફ તે યોગ્ય રીતે નજર રાખી શક્યો નહોતો, એમ બેસ્ટના અધિકારીએ જણાવ્યું હતું.
ડિવાઈડર સાથે બસ ટકરાતાં અંદર બેસેલા પ્રવાસીઓ ઝટકા સાથે આગળની તરફ ધકેલાઈ ગયા હતા, જેને પગલે છ જણને ઇજા થઈ હતી. જખમીઓમાં અજય શિંદે (27), સાક્ષી પિસાળ (23), બાબર સિંહ (20), મનોજ ગુપ્તા (41), પ્રણિતી માળી (25) અને નાદીર શાહ ચિકોડે (36)નો સમાવેશ થાય છે. બધા પ્રવાસીઓને ચહેરા અને ગરદન પર ઇજા થઈ હતી.
વેટ લીઝ ડેપો મૅનેજર કિશોર શિંદેની સૂચનાથી ક્ધડક્ટરે જખમીઓને સાકીનાકાની પેરેમાઉન્ટ હૉસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. ઓપીડીમાં પ્રાથમિક સારવાર પછી બધા જખમીઓને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાનું બેસ્ટનું કહેવું છે.
દરમિયાન અકસ્માતની જાણ થતાં પવઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનામાં કોઈને ગંભીર ઇજા થઈ ન હોવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.