મુંબઈ: ચેમ્બુર વિસ્તારમાં અટકાયતમાં લેવાયેલા આંદોલનકારી વિદ્યાર્થીઓને પોલીસ વેનમાં લઇ જતી વખતે રાહદારીએ વેનના દરવાજાની કડી ખોલી નાખી હતી, જેને કારણે વિદ્યાર્થીઓ વેનમાંથી કૂદીને ભાગી છૂટ્યા હતા, જેનો વીડિયો વાયરલ થયો હતો.
ચેમ્બુર પોલીસ સ્ટેશનની હદમાં ડો. બાબાસાહેબ આંબેડકર ઉદ્યાન ચોક ખાતે બુધવારે બપોરે આ ઘટના બની હતી, જ્યાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને આંદોલન કર્યું હતું. પોલીસે પ્રતિબંધાત્મક આદેશ જારી કર્યો છે, જેનું ઉલ્લંઘન કરી આંદોલન કરવામાં આવ્યું હતું. ઘટનાસ્થળ પર 700થી 800 આંદોલનકારી ભેગા થયા હતા.
પોલીસ કર્મચારીઓએ આંદોલનકારીઓને સમજાવીને તેમને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. આથી આંદોલનકારીઓ વિખેરવા લાગ્યા હતા. દરમિયાન ભીડમાંથી લગભગ 200 જણને ઓળખ કાઢી તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ અટકાયતમાં લેવાયેલા આંદોલનકારીઓને લઇ જતી પોલીસ વેન પાસે આવે છે અને તેના દરવાજાની કડી ખોલી નાખે છે, જેને પગલે અનેક વિદ્યાર્થીઓ કૂદીને ભાગી જાય છે, જ્યારે એક મહિલા તાળી વગાડી રહી છે. અન્ય એક વીડિયોમાં યુવતી પોલીસ વાહન સામે ઊભી રહીને સૂત્રોચ્ચાર કરતી જોવા મળે છે.
એક આંદોલનકારીએ જણાવ્યું હતું કે તેઓ તેમનું કામ કરી રહ્યા છે એ અમે સમજીએ છીએ. જોકે તેઓ જવાબદારીથી તે કરી રહ્યા નથી. જો તેઓ જવાબદારીપૂર્વક નહીં વર્તે તો આપણેે આપણા નાગરિકો માટે જવાબદારી લેવાનું આવશ્યક છે. દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે ખોટું થયું છે અને તે માટે તેમણે જવાબદારી સ્વીકારવી જોઇએ.
અમે દિલ્હીમાં જંતરમંતર ખાતે જઇ શકતા નથી. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઇએ. જો નહીં આપે તો તેમણે જંતરમંતર જઇને વિદ્યાર્થીઓ સાથે વાત કરવી જોઇએ, એમ એક મહિલાએ જણાવ્યું હતું. (પીટીઆઇ)