મુંબઈ: મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પરંતુ, સતત થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે મુંબઈગરાંના માથે તોળાઈ રહેલું પીવાના પાણીનું સંકટ હવે ટળ્યું છે. બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, શહેરને પાણી પૂરું પાડતા સાત મુખ્ય જળાશયોમાં પાણીનો કુલ સંગ્રહ વધીને 10,09,432 મિલિયન લિટર સુધી પહોંચી ગયો છે, જે તેમની કુલ ક્ષમતા (14.47 લાખ મિલિયન લીટર) ના 69.74 ટકા છે.
છેલ્લા 24 કલાકમાં જ જળાશયોની સંગ્રહ ક્ષમતામાં 7.84 ટકાનો વધારો નોંધાયો છે. આ સતત વરસાદના કારણે સાતમાંથી ચાર જળાશયો ઓવરફ્લો થઈ ચૂક્યા છે. જ્યારે મુંબઈને સૌથી વધુ પાણી પૂરું પાડતું 'ભાતસા જળાશય' પણ પોતાની કુલ સંગ્રહ ક્ષમતાના આશરે 65 ટકા સુધી ભરાઈ ગયું છે. જોકે, આ વર્ષનું જળસ્તર ગત વર્ષના આ જ સમયગાળાના 86.88 ટકાની સરખામણીએ હજુ પણ થોડું ઓછું છે.
પાલિકાના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં પાણીના કેચમેન્ટ (સંગ્રહ) વિસ્તારોમાં 100થી 230 મિલીમીટર સુધીનો ભારે વરસાદ નોંધાયો છે. મુંબઈ, થાણે, પાલઘર અને નાસિક જિલ્લામાં આવેલા ભાતસા, મોડક સાગર, અપર વૈતરણા, મિડલ વૈતરણા, તાનસા અને વિહાર જેવા સાત મુખ્ય જળાશયો સંપૂર્ણપણે વરસાદી પાણી પર આધાર રાખે છે. જળસ્તરમાં ઝડપથી થઈ રહેલા વધારાને કારણે આવનારા મહિનાઓમાં મુંબઈમાં પાણીની અછત સર્જાશે નહીં તેવી આશા સેવાઈ રહી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 24થી 48 કલાક માટે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, મુંબઈ અને ઉપનગરોમાં હળવાથી ભારે વરસાદ સાથે 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
મુંબઈ અને થાણે માટે 24મી જુલાઈ સુધી ભારે વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. પાલઘરમાં 24મી જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. 25મી અને 26મી જુલાઈ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. નાસિક જિલ્લામાં પણ ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદની આગાહી છે.
હાઈ ટાઈડ અને લો ટાઈડ અંગે BMC ની ચેતવણી
વરસાદની સાથે બીએમસી દ્વારા દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોના રહીશોને સતર્ક રહેવા સલાહ આપવામાં આવી છે. સાંજે 6.22 વાગ્યે દરિયામાં આશરે 3 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. તંત્ર દ્વારા નાગરિકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે.