Thu Jul 23 2026

Logo

મુંબઈને પાણીપુરવઠો કરનારું વધુ એક જળાશય તાનસા છલકાયું. જળાશયોમાં ૨૧૯ દિવસનો પાણીપુરવઠો.

2026-07-23 08:50:00
Author: Sapna Desai
Article Image

મુંબઈને પાણીપુરવઠો કરનારું વધુ એક જળાશય તાનસા છલકાયું. જળાશયોમાં ૨૧૯ દિવસનો પાણીપુરવઠો.

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે મુંબઈને પાણીપુરવઠો કરનારું તાનસા તળાવ મંગળવારે છલકાઈ ગયું હતું. એ સાથે જ શહેરને પાણી પૂરું પાડનારાં સાતેય જળાશયોમાં પાણીનો જથ્થો ૬૨ ટકા સુધી પહોંચી ગયો છે. મુંબઈગરાને આ પાણી ૨૧૯ દિવસ ચાલે એટલું થઈ ગયું છે. મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતાં સાત તળાવોમાંનું એક, તાનસા બુધવારે સવારે ૮.૫૧ વાગ્યે ઓવરફ્લો થવા લાગ્યું, જેના કારણે શહેરનો કુલ પાણીનો જથ્થો ૮.૯૫ લાખ મિલ્યન લિટરે પહોેંચી ગયો છે. એ સાથે જ સાતેય જળાશયોમાં સંયુક્ત સંગ્રહ ક્ષમતાના ૬૨ ટકા જેટલો થઈ ગયો છે.

આ અગાઉ જુલાઈના પહેલા અઠવાડિયા પડેલા ભારે વરસાદને પગલે સાત જુલાઈના રોજ તુલસી અને વિહાર છલકાયા બાદ આ ચોમાસામાં તાનસા ત્રીજું તળાવ છે, જે ઓવરફલો થયું છે. થાણે જિલ્લા સ્થિત તાનસા મુંબઈને દરરોજ ૪૫૫ મિલ્યન લિટર પાણી પૂરું પાડે છે. મુંબઈથી ૧૦૬ કિલોમીટર દૂર આવેલો તાનસા બંધ દુનિયાના સૌથી લાંબા બંધમાનો એક ગણાય છે, જેની લંબાઈ ૨,૭૪૩.૨૦ મીટર છે અને તેનું બાંધકામ ૧૮૯૨માં થયું હતું. થાણે જિલ્લાના શહાપૂર તાલુકામાં તાનસા બંધ આવેલો હોઈ પથ્થરથી બાંધકામ કરેલો દેશના ગણ્યાગાંઠ્યા બંધમાનો તે એક છે.
 

તાનસાની પાણી સમાવવાની ક્ષમતા ૧૪,૫૦૮ કરોડ લીટરની છે. ગયા વર્ષે તાનસા ૨૩ જુલાઈના સાંજના ૫.૪૦ વાગે છલકાયું હતું. તો ૨૦૨૪ની સાલમાં તે ૨૪ જુલાઈના વહેલી સવારના ૪.૧૬ વાગે છલકાયું હતું. ૨૦૨૩ની સાલમાં ૨૬ જુલાઈના વહેલી સવારના ૪.૩૫ વાગે છલકાયું હતું. આ વર્ષે નૈર્ઋત્યનું ચોમાસું ૨૩ જૂનના એટલે કે લગભગ બે અઠવાડિયા મોડું મુંબઈમાં પહોંચ્યું હતું. ચોમાસું લંબાઈ જવાને કારણે અને ઓછા વરસાદને પગલે તળાવની સપાટી ઝડપભેર ઘટતા પાણીની ચિંતા ઊભી થઈ હતી જેના કારણે પાલિકાએ ૧૫ મેથી ૧૦ ટકા પાણી કાપ મુંબઈમાં લાદી દીધો હતો. જોકે જુલાઈની શરૂઆતમાં મુંબઈ અને તળાવના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રાહત મળી છે.

જુલાઈના પહેલા પખવાડિયામાં પડેલા ભારે વરસાદને કારણે તળાવોના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે, હાલનો પાણીનો જથ્થો હવે મુંબઈની ૨૧૯ દિવસ ચાલે એટલો પૂરતો થઈ ગયો છે. જળાશયોના પાણીના જથ્થામાં એક ટકાનો વધારો થાય ત્યારે એ પાણી ત્રણ દિવસ ચાલે છે. ૩૦ સપ્ટેમ્બર સુધીમાં જો ૧૦૦ ટકા પાણી ભરાય તો આગામી જૂન સુધી આ પાણી ચાલે છે. જળાશયોમાં મંગળવારે સવારના ૮,૯૫,૯૦૭ મિલ્યન લિટર પાણીનો જથ્થો હતો. ગયા વર્ષે આજ સમયે જળાશયોમાં ૮૫.૩૨ ટકા એટલે કે ૧૨,૩૪,૮૩૭ મિલ્યન લિટર પાણી હતું. તો ૨૦૨૪ની સાલમાં જળાશયોમાં ૪૭.૨૯ ટકા એટલે કે ૬,૮૪,૪૩૯ મિલ્યન લિટર જેટલું પાણી હતું.

હાલ જળાશયોમાં ૬૨ ટકા કરતાં વધુ પાણી હોવા છતાં પાલિકા પ્રશાસન હાલ પાણી કાપ પાછો ખેંચવા માટે ઉતાવળ કરવા માગતી નથી. હાલ અપર વૈતરણામાં ૩૯. ટકા, મોડક સાગર ૬૭ ટકા, તાનસા ૯૭.૯૬ ટકા, મિડલ વૈતરણા ૫૩.૦૧ ટકા, ભાતસા ૫૭.૨૭ ટકા, વિહાર ૧૦૦ ટકા અને તુલસી પણ ૧૦૦ ટકા પાણીનો જથ્થો છે.