Thu Jul 23 2026

Logo

અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ, ત્રણ દિવસ મેઘરાજાની ધમાકેદાર બેટિંગની આગાહી

2026-07-23 09:35:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ત્રણ દિવસ મેઘરાજાની ધમાકેદાર બેટિંગના આગાહી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. સવારના પીક એવર્સ દરમિયાન પડેલા વરસાદના કારણે શહેરમાં અનેક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.

અમદાવાદ શહેરના એસ.જી. હાઇવે, વાડજ, થલતેજ, આશ્રમ રોડ, ઉસ્માનપુરા, પંચવટી, ઈન્ડિયા કોલોની, નિકોલ, બાપુનગર, ઓઢવ, વસ્ત્રાલ, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, ચાંદખેડા, બોપલ અને ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. 

અંબાલાલની આગાહી મુજબ, 23 તારીખની સાંજ સુધીમાં ઉત્તર ગુજરાતમાં બારેમેઘ ખાંગા થઈ શકે છે. બનાસકાંઠાના થરાદ, ડીસા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત પાટણ, સમી, હારીજ, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. મધ્ય ગુજરાતમાં લુણાવાડા, દાહોદ, પંચમહાલ, વડોદરા, મહીસાગર અને ભરૂચના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં આજથી જ વરસાદી માહોલ જામી ગયો છે. જે વિસ્તારોમાં અત્યાર સુધી વરસાદની ખેંચ હતી, ત્યાં હવે તળાવો છલકાય તેટલો વરસાદ પડવાની પૂરી શક્યતા છે.

24 જુલાઈના રોજ મહીસાગર અને દાહોદમાં રેડ ઍલર્ટ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં ઑરેન્જ ઍલર્ટ અને વાવ-થરાદ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.