Thu Jul 23 2026

Logo

ખૂબ લડી મર્દાની: રાણી લક્ષ્મીબાઈ

2026-07-23 10:07:00
Author: Tina Doshi
Article Image

 

ટીના દોશી

નામ : રાણી લક્ષ્મીબાઈ  
ઓળખ : સ્વતંત્રતા સેનાની 
ટપાલ ટિકિટ બહાર પડી: 15.8.1957, 9.5.1988 
ટિકિટનું મૂલ્ય: 15 પૈસા, 60 પૈસા    

બુન્દેલે હરબોલોં કે મુંહ હમને સુની કહાની થી
ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસીવાલી રાની થી

કવયિત્રી સુભદ્રાકુમારી ચૌહાણે આ પંક્તિઓ કોને અંજલિ આપવા રચી છે એ કહેવાની જરૂર ખરી?
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં અમર થઈ ગયેલું ઝળહળતું નામ. નામ એ જ ઓળખ. આકાશમાં ઝગમગતા સૂરજ અને ચાંદનો પરિચય આપવો પડે તો લક્ષ્મીબાઈની ઓળખાણ આપવાની જરૂર ઊભી થાય. ભારતના પ્રથમ સ્વતંત્રતા  સંગ્રામ ગણાતા 1857ના વિદ્રોહમાં અંગ્રેજો વિરુદ્ધ અભિયાન ચલાવનાર શૂરવીર વીરાંગના એટલે રાણી લક્ષ્મીબાઈ! ભારત સરકારે 15 ઑગસ્ટ 1957ના રાણીની સ્મૃતિમાં 15 પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડેલી. ત્યાર બાદ 9 મે 1988ના રોજ સાઠ પૈસાની ટપાલ ટિકિટ રાણીની સ્મૃતિમાં બહાર પાડી હતી.  

લક્ષ્મીબાઈનું મૂળ નામ મણિકર્ણિકા. જન્મ કાશીમાં, સંવત 1811ના કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની ચૌદસે, 17 નવેમ્બર 1835ના. પિતા મોરોપંત તાંબે. માતા ભાગીરથીબાઈ. પેશવાઈ સાથેના સંબંધને કારણે મોરોપંતની દીવાનગીરી ચાલતી. 1818માં અંગ્રેજોએ પેશવાઈ સમાપ્ત કરી. પેશ્વા બાજીરાવ બીજા પુણે છોડીને બિઠુર ચાલ્યા ગયા. એમના ભાઈ ચીમાજી અપ્પાએ કાશીનિવાસ પસંદ કર્યો. ચીમાજીના કહેવાથી મોરોપંત પણ પત્ની સાથે કાશી જઈ વસ્યા. 

કાશીમાં ભાગીરથીની કૂખે કન્યારત્નનો જન્મ થયો ત્યારે ગંગાના ઘાટને નામે એનું નામ મણિકર્ણિકા રખાયું. લાડથી સહુ એને મનુ કહેતા. જોકે મનુ હજુ પા પા પગલી માંડતાં શીખી જ હતી કે ભાગીરથીનું મૃત્યુ થયું. મોરોપંત કાશી છોડીને બિઠુર બાજીરાવ બીજાને ત્યાં પહોંચ્યા. નાનકડી મનુ બાજીરાવની લાડકી બની ગઈ. મનુની બાળસહજ પ્રતિભાથી એનું નામ બીલી પડ્યું અને બીલીમાંથી છબીલી.

બાજીરાવના દત્તક પુત્ર એ નાનાસાહેબ. મનુ અને નાના વયમાં સરખેસરખાં. બંનેમાં ભાઈબહેન જેવો પ્રેમ. બંને સાથે હસતાંખેલતાં અને શસ્ત્રો ચલાવવાની તાલીમ લેતાં. મનુને તલવારબાજી, બંદૂક ચલાવવી અને ઘોડેસવારી પ્રિય. 1842માં મનુ અને ઝાંસીના મહારાજ ગંગાધરરાવના રંગેચંગે વિવાહ થયાં. ચિત્રાને અર્જુન કો પાયા, શિવ સે મિલી ભવાની થી! વિવાહ થતાંની સાથે જ મનુનું નામાભિધાન થયું. 

વિવાહના કેટલાક મહિનાઓ બાદ રાણી લક્ષ્મીબાઈએ ઝાંસીના વારસદારને જન્મ આપ્યો. મંગળવાજાં શાંત થાય ત્યાં તો ત્રણ માસમાં જ પુત્રનું અવસાન થયું. નિ:સંતાન ગંગાધરરાવે પોતાના એક સંબંધી વાસુદેવરાવ નેવાલકરના પાંચ વર્ષના પુત્ર આનંદરાવને દત્તક લીધો. એનું નામ દામોદરરાવ રાખ્યું. 21 નવેમ્બર 1853ના ગંગાધરરાવ સ્વર્ગે સિધાવ્યા. 

અંગ્રેજોએ ઝાંસી કબજે કરવાનો દાવ ખેલ્યો. દામોદરરાવને દત્તક તરીકે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. ઝાંસીને ખાલસા કરીને અંગ્રેજ સરકારે 13 માર્ચ 1854ના જાહેરનામું બહાર પાડ્યું કે ઝાંસીની સર્વે પ્રજાએ, ‘આપણે બ્રિટિશ સરકારના અમલમાં છીએ’ એમ સમજીને, મેજર એલીસને મહેસૂલ ભરવું. મેજર એલીસે ખુદ આ જાહેરનામું વાંચી સંભળાવ્યું ત્યારે તત્કાલીન બુંદેલી બોલીમાં રાણી લક્ષ્મીબાઈએ લલકાર કર્યો: મેરા ઝાંસી દેઉંગા નહીં... મેરી ઝાંસી નહીં દૂંગી!

પણ રાણીનું કાંઈ ન ચાલ્યું. એણે ઝાંસીનો કિલ્લો છોડવો પડ્યો. રાણીએ નગરમાં આવેલા રાજમહેલમાં નિવાસ કર્યો. હવે રણમેદાન લક્ષ્મીબાઈનું કાર્યક્ષેત્ર બની ગયું. રાણી સ્ત્રીના પોશાકમાં નહીં, પુરુષવેશે ઘોડા પર બેસીને સવારી કરતી, નિશાનબાજી લગાવતી... પુરુષવેશે રાજરાણી બરાબર શોભતી. 

માથા પર લોખંડી ટોપો, કંચુકી પર બાંધેલું અંગરખું અને પાયજામા પર હથિયાર માટેનો પટ્ટો, બંને હાથમાં બંદૂક અને કેડ પર તલવાર! દરમિયાન અંગ્રેજોએ ગાય-ડુક્કરની ચરબીવાળા કારતૂસોને મુદ્દે ચિનગારીની જ્વાળા પ્રગટી. જોતજોતામાં સમગ્ર રાષ્ટ્રમાં અગનજ્વાળા ફેલાઈ. ઝાંસીમાં પણ! દરમિયાન વિદ્રોહીઓએ કરેલા જોરદાર આક્રમણને પગલે અંગ્રેજોએ ઝાંસીમાંથી પોબારા ગણ્યા. રાણી લક્ષ્મીબાઈએ ફરી સત્તાનાં સૂત્રો સંભાળી લીધેલાં. 

અંગ્રેજ સરકારે ઝાંસી કબજે કરવા તેમના સૌથી કુશળ સેનાપતિ સર હ્યુ રોજને મોકલ્યો, પણ ઝાંસી એ કાંઈ નધણિયાતું ખેતર નહોતું કે એમ ભેળાઈ જાય. એ તો વીર રાણીનું હતું. વીરાંગના લક્ષ્મીબાઈએ યુદ્ધની તૈયારીઓ આરંભી. 23 માર્ચ 1857ના યુદ્ધ આરંભાયું. રાણીએ લગભગ તેર તેર દિવસ સુધી અંગ્રેજ લશ્કરને હંફાવ્યું. પણ 5 એપ્રિલ 1857ના ઝાંસી પર અંગ્રેજોએ કબજો કરી લીધો. 

જોકે રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજોની આંખમાં ધૂળ નાખીને કાલ્પી પહોંચી ગઈ. હ્યુ રોજે રાણીનો પીછો પકડ્યો. અંતે કાલ્પી પણ ગયું. રાણી છૂમંતર. કાલ્પીથી ગ્વાલિયર. ગ્વાલિયરમાં અંગ્રેજો સાથે મળેલા જયાજીરાવ સિંધિયા રાણીની સામે રણભૂમિમાં ઊતર્યા, પણ રાણીના સૈનિકો સ્વતંત્રતાને સમર્પિત હતા, સિંધિયાના સિપાહીઓ ભાડૂતી હતા. પરિણામે ખુદ જયાજીરાવે મેદાન છોડીને ભાગવું પડ્યું. 

અંગ્રેજોએ ગ્વાલિયરને ઘેરો ઘાલ્યો. 17 જૂન 1857ના મહાસંગ્રામ શરૂ થયો. રાણી લક્ષ્મીબાઈ તેના થનગનતા અશ્વ ઉપર સવાર થઈને ખુલ્લી તલવાર સાથે સૈનિકોને પાનો ચડાવતી રહી. બીજે દિવસે રાણી સેનાપતિના વેશમાં સજ્જ થઈ. રણબાંકુરાના વેશમાં સજ્જ રાણીને નજરે જોનાર લંડન ટાઇમ્સના સંવાદદાતાએ રાણીનું વર્ણન કરતાં નોંધ્યું કે ‘આ સ્ત્રીનું તેજ આશ્ચર્ય પમાડે તેવું હતું. 

માથે બત્તીની પાઘડી, બદન પર અંગરખું, પાયજામો, કાનમાં કુંડળ, કંઠે મોતીની માળા અને હાથમાં ચમકતી તલવાર, અશ્વારોહી રાણીનો અશ્વ પણ તેજીલો હતો...’ આ અશ્વ રાણીનો પોતાનો નહોતો, કેમ કે તે ઘાયલ થયેલો. રાણી બીજા ઘોડા પર સવાર થયેલી. અંગ્રેજ સૈન્યના મોરચાને ભેદીને રાણીનો ઘોડો ધસમસતો આગળ વધી રહેલો, પણ વચ્ચે પાણીનું ગરનાળું આવ્યું તો ત્યાં થોભી ગયો. 

પાછળ અંગ્રેજ ઘોડેસવારો અને અહીં અશ્વનું થોભી જવું! રાણીએ એડી મારી, ડચકારો કર્યો, થાબડ્યો અને નાળું કૂદી જવા પ્રેરિત કર્યો પણ અશ્વ એક ડગલુંય આગળ વધ્યો નહીં. એટલામાં અંગ્રેજો આવી પહોંચ્યા. એક સૈનિકે તલવાર વીંઝી. રાણીના દેહનો એક ભાગ ક્ષતવિક્ષત થયો. એક આંખ પણ નીકળી ગઈ. છતાં વીરાંગના લક્ષ્મીબાઈ અંતિમ શ્વાસ સુધી લડતી રહી. અંતે એક ચમકતો સિતારો ખરી પડ્યો. દેશની સ્વતંત્રતા માટે પ્રાણની આહુતિ આપનાર રાણી લક્ષ્મીબાઈને શ્રદ્ધાંજલિ આપતાં સુભદ્રાકુમારીએ સાચું જ લખ્યું છે કે, 

તેરા સ્મારક તૂ હી હોગી તૂ ખુદ અમિટ નિશાની થી
 ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસીવાલી રાની થી.