શ્વેતા જોષી અંતાણી
અઢાર વર્ષની અન્વી માટે છેલ્લાં બે વર્ષ જાણે સિદ્ધિઓની હારમાળા લઈને આવ્યાં હતાં. બારમા ધોરણમાં શાનદાર પરિણામ, રમતગમતમાં રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ અને રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ ઊભી કરવામાં સફળતા... આ બધાએ એને આત્મવિશ્વાસથી ભરી દીધેલી. હવે એનું આગામી લક્ષ્ય હતું એક પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાનું.
અન્વી મહેનતુ હતી, શિસ્તબદ્ધ હતી અને પોતાના ભવિષ્ય અંગે અત્યંત ગંભીર પણ હતી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી એની મમ્મી નંદિનીને લાગતું હતું કે અન્વી જેટલી બહારની દુનિયા માટે સમજદાર બની રહી હતી, એટલી જ ઘરની ચાર દીવાલ વચ્ચે અધીરી બનતી જતી હતી.
‘અન્વી, નાસ્તો કરી લે. નવ વાગ્યાનો ક્લાસ છેને?’
‘મમ્મી, મને ખબર છે!’
‘પણ સાડાઆઠ થઈ ગયા એટલે’
‘પ્લીઝ, મમ્મી! એકની એક વાત કેટલી વાર કહીશ?’
નંદિની ચૂપ થઈ જતી.
થોડી મિનિટ પછી અન્વીની મિત્રનો ફોન આવતો. ‘હા બોલને જાનવી... અરે ના યાર, કંઈ પ્રૉબ્લેમ નથી. તું આરામથી કહે. હું સાંભળું છું.’ નંદિનીને ક્યારેક નવાઈ લાગતી. જે દીકરી પાસે પોતાની મિત્રની એક જ વાત અડધો કલાક સાંભળવાની ધીરજ હતી એની પાસે મમ્મીનાં બે વાક્ય સાંભળવાનો સમય કેમ નહોતો?
નંદિનીએ ક્યારેય અન્વીની સફળતાને નાની નહોતી ગણી. એને ખબર હતી કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સરળ નથી. અન્વીની રમતની પ્રૅક્ટિસ પણ ચાલુ હતી. અભ્યાસ, ક્લાસ, ટેસ્ટ, પ્રૅક્ટિસ... એની પોતાની એક લડાઈ હતી. એટલે નંદિની ઘણી વાતો મનમાં જ રાખતી.
અન્વી મોડે સુધી ભણે તો ટેબલ પર દૂધ મૂકી આવે. સવારે પ્રૅક્ટિસ હોય તો વહેલી ઊઠીને નાસ્તો બનાવે. એની સ્પોર્ટ્સ કિટથી લઈને પરીક્ષાના જરૂરી ડૉક્યુમેન્ટ સુધી દરેક વસ્તુનું ધ્યાન રાખે. અને કદાચ ત્યાં જ અજાણતાં એક ભૂલ થઈ ગયેલી. અન્વીને લાગવા લાગ્યું હતું કે આ બધું તો મમ્મીએ કરવાનું જ હોય. એક સવારે અન્વી પ્રૅક્ટિસ માટે નીકળવાની તૈયારી કરતી હતી :
‘મમ્મી! મારું બ્લૂ ટી-શર્ટ ક્યાં છે?’
‘તારા કબાટમાં હશે.’
‘નથી!’
‘બરાબર જો.’
થોડી વાર પછી અન્વી ગુસ્સામાં બહાર આવી.
‘તું મારી વસ્તુઓ સરખી જગ્યાએ કેમ નથી રાખતી’
નંદિનીએ આશ્ચર્યથી તેની સામે જોયું :
‘તારી વસ્તુઓ?’
‘હા, તો?’
‘અન્વી, તારું ટી-શર્ટ તું ક્યાં મૂકે છે એની જવાબદારી પણ મારી છે?’
‘ઓહ મમ્મી! હવે સવાર સવારમાં લેક્ચર નહીં આપ. મારે મોડું થાય છે.’
નંદિની કંઈ બોલી નહીં. સોફા પર પડેલી સ્પોર્ટ્સ બૅગ તરફ માત્ર આંગળી ચીંધી. ટી-શર્ટ એમાં જ હતું. અન્વીએ એ કાઢ્યું અને કંઈ કહ્યા વગર નીકળી ગઈ. એ આખો દિવસ નંદિનીના મનમાં એક જ વિચાર ફરતો રહ્યો :
‘આપણે જેને સૌથી વધારે પ્રેમ કરીએ છીએ, ઘણી વાર એની સાથે જ સૌથી ઓછી સભ્યતાથી કેમ વર્તીએ છીએ? બહારના માણસને જવાબ આપતાં પહેલાં આપણે શબ્દો પસંદ કરીએ છીએ. મિત્ર નારાજ ના થાય એનું ધ્યાન રાખીએ. શિક્ષક સાથે આદરથી વાત કરીએ. અજાણ્યા માણસને પણ ‘થૅન્ક યુ’ કહીએ, પણ મમ્મી? એ તો ક્યાં જવાની છે! કદાચ આ જ ખાતરી ઘણી વાર સંબંધોમાં સૌથી મોટી બેદરકારી બની જતી હોય છે.
થોડા દિવસ પછી અન્વીની એક ખૂબ મહત્ત્વની મોક ટેસ્ટ હતી. સવારે ઊઠીને એણે બૂમ પાડી: ‘મમ્મી, મારી બ્લૅક પેન ક્યાં છે?’ સામે કોઈ જવાબ નહીં.
‘મમ્મી!’
ઘરમાં અસામાન્ય શાંતિ હતી. ડાઇનિંગ ટેબલ પર નાસ્તો તૈયાર હતો, પણ નંદિની ત્યાં નહોતી. પપ્પાએ કહ્યું, ‘મમ્મી બહાર ગઈ છે. આજે એની એક મીટિંગ છે.’
‘આજે? એને ખબર છે ને મારી ટેસ્ટ છે?’
‘હા.’
‘તો પછી આજે જ જવાની શું જરૂર હતી?’
પપ્પાએ શાંતિથી પૂછ્યું :
‘તારી ટેસ્ટ અને મમ્મીની મીટિંગ વચ્ચે શું સંબંધ?’
અન્વી થોડી ચિડાઈ ગઈ :
‘મારી વૉચ નથી મળતી!’
‘તો શોધ.’
એ બે જ શબ્દો હતા, પણ અન્વીને પહેલી વાર સમજાયું કે મમ્મી ના હોય તો જાતે શોધવું રહ્યું. વૉચ મળી ગઈ. ટેસ્ટ સારી રહી. બહાર નીકળતાં એની નજર પોતાના એક મિત્ર પર પડી. એની મમ્મી લેવા આવેલી.
‘મમ્મી, પેપર બહુ સરસ ગયુ,’ મિત્રએ ઉમેર્યું :
‘અને કાલે તમે મને જે ચેપ્ટર રિવાઇઝ કરવાનું કહ્યું હતું ને, એમાંથી જ પ્રશ્ર્ન આવ્યો. થૅન્ક યુ!’
અન્વી ચાલતાં ચાલતાં અટકી ગઈ. ‘થૅન્ક યુ.’ બે જ શબ્દો. એણે યાદ કરવાનો પ્રયત્ન કર્યો કે છેલ્લે તેણે પોતાની મમ્મીને ‘થૅન્ક યુ’ ક્યારે કહ્યું હતું. યાદ ના આવ્યું. સાંજે ઘરે આવી ત્યારે નંદિની લૅપટૉપ પર કામ કરતી હતી. એણે અન્વી સામે જોયા વગર કહ્યું,
‘જમવાનું તૈયાર છે.’
અન્વીને આ ખૂંચ્યું : મમ્મી પૂછતી કેમ નથી કે પેપર કેવું હતું?
‘નારાજ છો?’
‘નારાજ નથી. બસ, એક વાત શીખી રહી છું. તને પ્રેમ કરવો અને તારી દરેક જવાબદારી મારી બનાવી લેવી એ બન્ને અલગ વાત છે.’
અન્વી ચૂપચાપ સાંભળી રહી. ‘તું મોટી થઈ રહી છે. તારી પોતાની દુનિયા છે, સપનાં છે, પ્રેશર છે. એ બધું હું સમજું છું, પણ મોટું થવાનો અર્થ માત્ર પોતાની જિંદગી પર અધિકાર મેળવવો નથી. પોતાની વર્તણૂકની જવાબદારી લેવામાં પણ છે.’
‘પણ મમ્મી, હું અત્યારે બહુ સ્ટ્રેસમાં છું.’ અન્વી રીતસર ચીસ પાડતાં બોલી.
‘હું જાણું છું, પણ સ્ટ્રેસ આપણને એ માણસ સાથે ગમે તેમ બોલવાનો અધિકાર નથી આપતો જે આપણને સૌથી વધારે પ્રેમ કરતું હોય.’
એ વાક્ય પછી રૂમમાં થોડી વાર મૌન રહ્યું. અચાનક અન્વીનો અવાજ ગર્જ્યો :
‘મને તારા ભાષણ સાંભળવામાં રસ નથી.’ કહી એણે દરવાજો લગભગ મિજાગરામાંથી છુટ્ટો પડે એટલાં જોરથી બંધ કર્યો, જેના પડઘા ટીનએજ દીકરી ને મધ્યાવસ્થાની મા બન્નેના અસ્તિત્વ પર ક્યાંય સુધી પછડાતા રહ્યા...