Thu Jul 23 2026

Logo

લાફ્ટર આફ્ટરઃ આ વરસાદ ક્યારે આવશે?

2026-07-23 10:29:00
Author: Pragya Vashi
Article Image

પ્રજ્ઞા વશી

‘આ વરસાદ આવશે ખરો? કે પછી આ વખતે એ રિસાયો છે?’

પડોશમાં રહેતા જ્યોતિષ કમ આગાહી કરવામાં નિષ્ણાત જ્ઞાનચંદજીને પૂછતાં જ એમણે વરસાદ ઉપર આખે આખી પીએચડીની થિસિસ જ સંભળાવી દીધી.

‘જુઓ, વરસાદનું તો ઘરની વહુ જેવું છે. વરસે તો મુશળધાર અને ન વરસે તો ખાલી છમકલું કરીને રિસાઈ જાય.’

હજી તેઓ વરસાદ વિશે વધુ આગળ બોલે એ પહેલાં એમનાં પત્ની વર્ષાબહેન આવી ચઢ્યાં અને જ્ઞાનચંદજીની વાતને અધવચ્ચેથી અટકાવતાં બોલ્યાં, ‘હવે ખોટે ખોટી આગાહી કરવાનું છોડો. તમારી એક પણ આગાહી આજ દિન સુધી સાચી પડી નથી. તમે જે કહો એનાથી ઊંધું જ થાય છે. પત્રકારો પણ હવે તમને વરસાદની આગાહી પૂછતા નથી.’

બિચારા જ્ઞાનચંદજી! વગર વરસાદે પત્નીના વાકબાણમાં ભીંજાઈ ગયા. કદાચ એમને એમ કે પાણીનો વરસાદ ન કર્યો, પણ ભગવાને મારા ઉપર વાણીનો (કર્કશ) વરસાદ તો કર્યો!

હવે મને પણ આ છમકલું મોટું સ્વરૂપ પકડે તો વિના વરસાદે બ્રહ્માનંદ પ્રાપ્ત થાય એવી લાલચ લાગી અને અમે બળતામાં ઘી ઉમેર્યું : 

‘વર્ષાબહેન, તમે નસીબદાર તો ખરાં જ. તમારે ઘરમાં જ પ્રકાંડ જ્યોતિષ હોય એટલે શુભ મુહૂર્ત કે જન્મ કુંડળી જોવડાવવી હોય તો મફતમાં જ ઇન્સ્ટન્ટ સર્વિસ મળી જાય અને એ સમયે તમે કાર્ય પ્રારંભ કરો એટલે એમાં સફળતા પણ સો ટકા નક્કી, ખરુંને?’

‘બસ રમાબહેન, તમે મારા નસીબની વધારે પ્રશંસા કરશો નહીં. મને તો મારા નસીબ ઉપર રડવું આવે છે. વર્ષોના ડૂમા ભીતરે ભરીને બેઠી છું, પણ...’

‘પણ... પણ... શું કરે છે? દુ:ખના ડૂમાઓ રમાબહેનની સામે ઠાલવી નાખને. મૌકા ભી હૈ ઔર દસ્તૂર ભી.’ 

‘હા... હા, તમને તો ગમે જ છે કે હું કોઈની સામે રડું અને નીચી પડું, પણ હું મારા ડૂમા સમાવીને સીધી મારી વાત જ રમાબહેનને કહીશ. (ઘર ફૂટે ઘર જાય. મારે શું. મારો તો ધંધો જ એવો છે જે કદી બંધ થતો નથી.) રમાબહેન, મારા ખુદના દીકરાની કુંડળી પણ આ માણસે બરાબર જોઈ નથી. ‘કુંડળી ખૂબ સરસ છે. કન્યા સાથે પૂરેપૂરા આંકડા મળે છે. કન્યાને પગલે આપણે કરોડપતિ બની જઈશું. કન્યા લક્ષ્મી રૂપે ઘરમાં આવશે.’ એવું કહી કહીને મોટા છોકરાને જે છોકરી સાથે પરણાવી તે વહુએ અમને રાતોરાત રોડપતિ બનાવ્યાં.

અમારી બીજા નંબરની છોકરી સાથે જે છોકરાના એમની નજરે સોમાંથી સો ગુણ મળતા હતા અને અમેરિકાથી આવેલ છોકરા સાથે બે મહિનામાં જ દીકરી અમેરિકા જવા ઊપડી જશે અને પછી આપણે પણ એમની પાછળ સીધા અમેરિકા જ સ્થાયી થઈ જશું. એ જમાઈને ખુશ કરવા, સોના-ચાંદીથી સત્કારવા અને અમેરિકાની કાર્યવાહી કરવા રોકડા પંદર લાખ અને મારું બધું પિયરનું સોનું-ચાંદી લૂંટાવી દીધું. જે લઈને રામ જાણે! જમાઈ ક્યાં ભાગી ગયો કે એમને કુંડળીની રડારમાં હજી શોધ્યો જડતો નથી. 

મારી દીકરી ને દીકરો બંને બાપાની નવી આગાહીની રાહ જોઈને એક ખૂણે સૂનમૂન બેઠાં છે. કુંડળીને ભરોસે તમે વરસાદની આગાહી જાણો ત્યાં સુધી તમે કશું ગુમાવશો નહીં. બાકી તો બીજી ગંભીર વાત માટે જ્ઞાનચંદજીની આગાહી કે કુંડળી ઉપર કોઈ દાવ લગાવશો નહીં. બાવાની બેઉ નહીં, બધી જ બગડવાની. હું તમને ખાતરી આપું છું.’

બહારના વરસાદ કરતાં જ્ઞાનચંદજીના ઘરમાં તો મુશળધાર એવો વરસાદ વરસ્યો કે રમાબહેન છત્રી ઓઢે તો પણ પલળ્યા વિના ના જ રહે. આજ ેવર્ષાબહેનનાં હૃદયમાં ઘેરાયેલ વાદળો એવાં ફાટ્યાં હતાં કે રમાબહેન શું બોલે?

હજી રમાબહેન વર્ષાબહેનને આશ્વાસન આપવા જાય ત્યાં તો હાથમાં મીઠાઈનું પૅકેટ લઈને એક દંપતી આવીને સીધું જ્ઞાનચંદજીના પગમાં પડી ગયું. એક ભાઈ બોલ્યા, ‘તમે તો મારા ભગવાન છો! આ વખતે પણ તમે મારી દીકરીની કુંડળી જેની સાથે મેળવેલી તે જમાઈ મારા દીકરાથી પણ અધિક સુશીલ, સજ્જન અને મળતાવડો નીકળ્યો. અમારી દરેક મુશ્કેલીમાં સાથે ઊભો રહે છે. મારા દીકરાને પણ એણે એમની ફૅક્ટરીમાં પાર્ટનર બનાવી દીધો અને દીકરીને સાડીની દુકાનની માલકિન બનાવી દીધી. ભાભીજી, જ્ઞાનચંદજી જેવા મહાન જ્યોતિષ મેં કોઈ જોયા નથી. લ્યો, તમે પણ મીઠાઈ ખાવ.’

એમ કહી પૅકેટ વર્ષાબહેનને થમાવી એ લોકો તો ગયાં. હવે ફરી રમાબહેનનો વરસાદ એવો ત્રાટક્યો કે વર્ષાબહેન હવે વગર લેવેદેવે જ્ઞાનચંદજીના ઘરમાં વિના આગાહીએ ઘેરાઈ ગયાં. જ્ઞાનચંદજી પણ ‘એક બોલે તો બે ખાય’ એવી પરિસ્થિતિમાં હતા.

‘લોકોનાં છોકરા-છોકરીની કુંડળી તો કેવી ધારીધારીને જોઈ હશે કે એમના છોકરા ફૅક્ટરીના માલિક બની ગયા અને આપણા બિચારા...!’ 
‘જો રમા, હું શાંતિ હવન અને શનિ-રાહુને શાંત કરવાની તમામ વિધિ કરીને થોડા મહિનામાં બધું ઠેકાણે પાડી દેવા.’

‘ના... ના, તમે તો રહેવા જ દેજો. તમે અમને એવાં ઠેકાણે પાડ્યાંછે કે હવે બેઠાં થવાનો સવાલ જ નથી.’

આ પણ કેવું...! જ્ઞાનચંદજીનું જ્ઞાન ઘરમાં કામ ન આવ્યું અને બહારનાને ફળ્યું! બહારના લોકો તેમને ભગવાન માની પગે લાગતા હતા, જ્યારે ઘરમાં એમની વાત સાંભળવા પણ કોઈ તૈયાર નહોતું.

યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ વરસાદ પડે તો કામનો, પણ કમોસમી કે અતિ વરસાદનું પરિણામ જોયુંને? વર્ષાબહેન તો વિના વરસાદે પણ કાદવમાં ખૂંપી ગયાં, એનું શું?