અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતને ફરી વખત વરસાદે ધમરોળ્યું છે. અમદાવાદમાં આજે વરસાદનું યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ 27 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 27 જુલાઈ સુધી ધોધમાર વરસાદની આગાહી કરી છે. જેમાં 25-26 જુલાઈના રોજ મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય 15થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 27 જુલાઈ સુધી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
રાજ્યમાં આજે ક્યાં છે ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર, આજે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં મહીસાગર, દાહોદ, પંચમહાલમાં રેડ ઍલર્ટ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, ભરુચ, સુરત, ભાવનગર, અમરેલી, બોટાદમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આવતીકાલે ક્યાં છે વરસાદની આગાહી
24 જુલાઈના રોજ મહીસાગર અને દાહોદમાં રેડ ઍલર્ટ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં ઑરેન્જ ઍલર્ટ અને વાવ-થરાદ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.
25 જુલાઈએ સાબરકાંઠા અને અરવલ્લીમાં ઑરેન્જ ઍલર્ટ તથા વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર અને દાહોદમાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 26 અને 27 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે.
અંબાલાલની શું છે આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 23 થી 27 જુલાઈ દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાંથી એક સિસ્ટમ સીધી ગુજરાત તરફ આવી રહી છે. જેના કારણે આગામી 48 કલાકમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે. અંબાલાલે કહ્યું કે, અષાઢ સુદ નોમની વીજળી વરસાદ માટે સારી માનવામાં આવે છે અને તેની અસર પણ જોવા મળશે.
23 થી 27 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને ગોધરા, લુણાવાડા અને દાહોદના આદિવાસી વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ અને વડોદરાના ભાગોમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે.ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે.