કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 2)
નામ: સુધા મલ્હોત્રા
સમય: 2026
સ્થળ: મુંબઈ
ઉંમર: 89 વર્ષ
એક વ્યક્તિ જ્યારે કારકિર્દીનાં પગથિયાં ચઢી રહી હોય અને એક ઉજ્જ્વળ ભવિષ્ય એની પ્રતિક્ષા કરી રહ્યું હોય ત્યારે એક અફવા કેવી રીતે એનું જીવન રોળી શકે એનો હું સૌથી મોટો દાખલો છું. 1959નું વર્ષ મારી કારકિર્દીનું સુવર્ણ વર્ષ હતું. એ વર્ષે મેં ઉત્તમ પ્લેબૅક સિંગિંગનાં ગીતો રેકૉર્ડ કર્યાં, જેમાંનાં મોટાભાગનાં સાહિર લુધિયાનવીએ લખેલાં હતાં.
સાહિરજી પાસે ગીત લખાવવા આવતા એ સંગીતકારોને સાહિરજી મારી પાસે ગવડાવવાનો આગ્રહ કરતા... આમાંથી કેટલાક સંગીતકારો મારી પાસે આવ્યા ને કેટલાક લતાજીના નજીકના મિત્રો હોવાને કારણે એમણે આ માહિતી લતાજી સુધી પહોંચાડી. સાહિરજી મારી ભલામણ કરતા એમાં કોઈ અંગત કારણ નહોતું. એમને મારો અવાજ ગમતો ને કદાચ એમનાં ગીતના શબ્દોને હું વધુ સારી રીતે સમજતી હતી એવું એમને લાગતું હશે!
અનિલ બિશ્વાસ સાથે મારું પહેલું ગીત રેકૉર્ડ થયું એ પછી જ સાહિરજી સાથે મારી મિત્રતા ગાઢ થઈ. એ રોજ સવારે 10 વાગ્યે ચા પીતી વખતે મને ફોન કરતા. એ મોડા ઊઠતા જ્યારે હું અર્લી રાઇઝર મૉર્નિંગ પર્સન છું. વહેલી સવારે ઊઠીને રિયાઝ કરવો મને ગમે એટલે સાહિરજીનો ફોન આવે ત્યારે તો હું નાહી ધોઈને પરવારી ગઈ હોઉ.
ફિલ્મી દુનિયાની ગૉસિપથી શરૂ કરીને એમણે લખેલી નવી કવિતા સંભળાવવા સુધીની અનેક વાતો અમારી વચ્ચે થતી. એ ક્યારેક અમ્રિતાજીને પણ યાદ કરતા. એમના દિલ્હીના કિસ્સા સંભળાવતા. એમના બાળપણ અને અમ્મી વિશે પણ ઘણી વાર વાતો કરતા. આમાં કોઈ ‘અફેર’ જેવી વાત નહોતી, પરંતુ જે સંગીતકારો મારી વિરુદ્ધ હતા અથવા જેમને મારી વિરુદ્ધ કરવામાં આવ્યા હતા એમણે એમના પત્રકાર મિત્રો સાથે મળીને અમારા અફેરની અફવા ઉડાડી. મને કામ સાહિર લુધિયાનવીને લીધે નહોતું મળતું. મારી ટૅલેન્ટ અને મારા અવાજને કારણે મળતું હતું.
પ્લેબૅક સિંગિંગ તો બહુ મોડું આવ્યું. હું છ વર્ષની ઉંમરે સ્ટેજ પર ગાતી હતી ત્યારે ગુલામ હૈદર નામના જાણીતા સંગીતકારે મને સાંભળી. ગણપતિ ઉત્સવના એ કાર્યક્રમમાં ગુલામ હૈદર મહેમાન હતા. એમણે મને ગાતી સાંભળીને મારા પિતાને કહેલું, ‘આ છોકરીને સંગીતની તાલીમ અપાવો. એ ખૂબ જ પ્રગતિ કરશે. ઇન્સા અલ્લાહ એક દિવસ આ દુનિયા એનો અવાજ સાંભળશે.’ મારા પિતા આધુનિક વ્યક્તિ હતા. મારે બે ભાઈ અને એક બહેન હતાં. પારિવારિક સંબંધો ખૂબ ગાઢ રાખતા.
મારી બુઆ, મારા મામા અને એમના ભાઈઓ સાથે એ ઇમોશનલી જોડાયેલા હતા. જ્યારે ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે પંજાબના એ ગામમાંથી અમારે ઉચાળા ભરવા પડ્યા. લાહોરની નજીકના એ ગામથી અમે સૌ પગપાળા, ટ્રકોમાં લિફ્ટ લઈ લઈને ભોપાલ પહોંચ્યા. મારા પિતા એમના ત્રણ ભાઈ બહેનો, પત્ની, મા, સાળો અને બાળકો સાથે પરિવારને ટકાવવાનો સંઘર્ષ કરતા હતા. ભોપાલથી અમે ફિરોઝપુર આવ્યાં.
ફિરોઝપુરમાં એક જાહેર કાર્યક્રમમાં મેં ગીત ગાયું જ્યાંથી મારી પ્રતિભાનો પ્રારંભ થયો એમ કહું તો ખોટું નથી... મારા પિતાએ સંગીતમાં મારો રસ જોઈને આગ્રા યુનિવર્સિટીમાં સંગીતના વિષયમાં સ્નાતકની ડિગ્રી લેવાની મને છૂટ આપી. હું બીએ વિથ મ્યુઝિક છું. માત્ર ઉસ્તાદો પાસેની તાલીમ નહીં, બલ્કે સંગીતનું વ્યવસ્થિત પ્રશિક્ષણ લીધા પછી મેં જાહેરમાં ગાવાનું શરૂ કર્યું. અમારી કૉલેજના ટૅલેન્ટ કાર્યક્રમમાં સંગીતકાર અનિલ બિશ્વાસ મહેમાન તરીકે આવ્યા હતા. એમણે મારો અવાજ સાંભળ્યો અને પહેલી ફિલ્મ ઑફર કરી. ત્યારથી મારી કારકિર્દીએ ઉડાન ભરી!
1960ની શરૂઆતના દિવસોમાં જ્યારે આ અફવા ઉડી એ પહેલાં હું ખૂબ જ સુંદર ગીતો ગાઈ ચૂકી હતી. માત્ર પ્લેબૅક સિંગિંગ તરીકે નહીં, બલ્કે મ્યુઝિક ડિરેક્ટર તરીકે પણ મેં કેટલાંક ગીતો બનાવ્યાં. જેમાં, ‘તુમ મુઝે ભૂલ ભી જાઓ’ પણ મહત્ત્વનું કૉમ્પોઝિશન છે. અમે જ્યારે ‘દીદી’ ફિલ્મનાં ગીતો રેકૉર્ડ કરતાં હતાં ત્યારે એન. દત્તા બીમાર પડ્યા, રેકૉર્ડિંગ કરવું જ પડે એમ હતું. સાહિરજીએ આગ્રહ કર્યો કે મારે એ ગીતનું કૉમ્પોઝિશન કરીને અરેન્જમેન્ટ સાથે રેકૉર્ડ કરી લેવું. હું દત્તા સાહેબ પાસે પરવાનગી લેવા હૉસ્પિટલ ગઈ. એમણે પૂર્ણ સ્નેહ સાથે મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા.
અમે એ દિવસે આ ગીત રેકોડૅ કર્યું જે મારે માટે જીવનનો અદ્ભુત અનુભવ હતો. એ પછી મેં ઘણાં ગીતો કમ્પોઝ કરીને રેકૉર્ડ કર્યાંય જોકે મને ક્યારેય ક્રેડિટ મળી નહીં ને લેવામાંય રસ નહોતો. મારે માટે સંગીત જ સૌથી મહત્ત્વની બાબત હતી. એવી જ રીતે એક પ્રસંગ અત્યારે યાદ આવે છે, ‘બરસાત કી રાત’ની ઐતિહાસિક કવ્વાલી ‘ના તો કારવાં કી તલાશ હૈ’નું રેકૉર્ડિંગ ખૂબ જ લાંબુ અને મુશ્કેલ હતું.
16 મિનિટ જેટલી લાંબી આ કવ્વાલીમાં અનેક ગાયકોનો અવાજ હતો. મહોમ્મદ રફી, મન્ના ડે, આશા ભોંસલે, એસ.ડી. બાતિશ સહિત હું પણ આ ગીતના રેકૉર્ડિંગમાં હતી. સંગીત રોશન સાહેબે આપ્યું હતું. એ સમયે આજના જેવી ડિજિટલ વ્યવસ્થા નહોતી. સહુ કલાકારોએ સાથે મળીને વાદકો સાથે સંયોજન કરીને રેકૉર્ડિંગ કરવું પડે. આજે સંગીત અલગથી રેકૉર્ડ થાય છે-સંગીતમાં પણ જુદાં જુદાં વાદ્યો ભિન્ન ભિન્ન રીતે રેકૉર્ડ કરવાની ડિજિટલ સંગીત અને 16થી 32 ટ્રેક અલગ અલગ રેકૉર્ડ થઈ શકે એવી વ્યવસ્થા છે ત્યારે રેકૉર્ડિંગની ટેક્નૉલૉજી અત્યંત બેઝિક હતી.
અઘરું રેકૉર્ડિંગ કરવું હોય તો વિદેશ જવું પડે જે ઘણું મોંઘુ પડે એટલે રોશન સાહેબે (રિતીક રોશનના દાદા) રિહર્સલ કરાવ્યાં. લગભગ 10 દિવસના રિહર્સલ પછી અમે રેકૉર્ડિંગ શરૂ કર્યું. સવારે પાંચ વાગ્યે શરૂ થયેલું રેકૉર્ડિંગ બીજે દિવસે સવારે સાડાસાત વાગ્યે પૂરું થયું. ભારતીય સિનેમાના ઇતિહાસની, આ બહેતરીન કવ્વાલી જ્યારે અમે સવારે સાંભળી ત્યારે સૌની આંખોમાં આંસુ હતાં. રોશન સાહેબનાં અનેક અદ્ભુત ગીતોની સાથે આ કવ્વાલીએ એમને અમર કરી દીધા.
ફરી પાછા ત્યાં જ આવીએ, ‘બ્લિટ્સ’ના સમાચાર છપાયા એ દિવસે મેં એમને એક પત્ર લખ્યો. મારા વકીલની નોટિસ સાથે એ પત્ર જ્યારે એમને મળ્યો ત્યારે એમને સમજાયું કે જાહેર સમારંભમાં સાથે પાડેલા ફોટોગ્રાફ્સ ‘અફેરનો પુરાવો’ ન હોઈ શકે! મારા વકીલે માનહાનિનો દાવો કર્યો એટલું જ નહીં, આર.કે. કરંજિયાએ માફી માગી.
જોકે મારા પિતાજીએ એ પછી મને પ્લેબૅક સિંગિંગ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. મારી સગાઈ થઈ ગઈ અને બે જ મહિનામાં ‘શિકાગો રેડિયો’ નામની ઇલેક્ટ્રૉનિક્સ બનાવતી મોટી કંપનીના માલિક ગિરધર મોટવાણી સાથે મારાં લગ્ન થઈ ગયાં. લગ્ન પછી ગિરધરજીએ મને કોઈ દિવસ કામ કરવાની ના નથી પાડી, પરંતુ મેં મારા કુટુંબજીવન અને લગ્નજીવનને પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું. હું સમજી ગઈ હતી કે ફિલ્મી દુનિયામાં કામ કરવું હોય તો આવી અફવાઓથી ટેવાઈ જવું પડશે. મારા પતિ અત્યંત પ્રાઇવેટ પ્રકારના માણસ છે. જો આવી અફવા ઉડે તો એમના પરિવારની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચે એટલે સમજી-વિચારીને મેં જ ફિલ્મી દુનિયાથી છેડો ફાડી નાખ્યો.
એ પછી 1982માં જ્યારે રાજ કપૂર પોતાની ફિલ્મ ‘પ્રેમરોગ’ બનાવતા હતા ત્યારે એમણે મારો સંપર્ક કર્યો. ઘણો આગ્રહ કરીને એમણે મારી પાસે ‘યે પ્યાર થા યા કુછ ઔર થા...’ ગવડાવ્યું. લગભગ બે દાયકા પછી મેં ગાયેલું એ ગીત ખૂબ જ પ્રસિદ્ધ થયું અને લોકોએ વખાણ્યું ત્યારે મને ખૂબ સંતોષ થયો. મારે માટે પ્લેબૅક સિંગિંગ મહત્ત્વનું નહોતું, સંગીત મહત્ત્વનું હતું જે આજે પણ છે.