Thu Jul 23 2026

Logo

સ્કેન એન્ડ શેર સિસ્ટમમાં ખામી: ભુજની 'ગેઇમ્સ' સહિત ગુજરાતની 15 મેડિકલ કોલેજોને NMCની શો-કોઝ નોટિસ

2026-07-23 15:46:52
Author: Vimal Prajapati
Article Image

ભુજ: નેશનલ મેડિકલ કમિશન દ્વારા નિયમ મુજબ દર્દીઓના ડિજિટલ ડેટાને આયુષ્માન ભારત ડિજિટલ મિશન અને હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ સાથે સંકલિત ન કરવા બદલ ભુજની અદાણી સંચાલિત ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ 'ગેઇમ્સ' સહિત ગુજરાતની ૧૫ અને દેશભરની ૫૨૩ મેડિકલ કોલેજોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

ભુજની ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ સહિતની કોલેજોમાં દર્દીઓના હેલ્થ રેકોર્ડ ઉપલબ્ધ હોવા છતાં ‘સ્કેન એન્ડ શેર’ પ્રક્રિયા હેઠળ જરૂરી ડેટા રાષ્ટ્રીય ડિજિટલ પોર્ટલ પર દર્શાવાતો ન હોવાનું સામે આવ્યું છે. જેથી એનએમસીએ તમામ ડિફોલ્ટર કોલેજોના તંત્રને તાત્કાલિક આઇ.ટી વેન્ડર સાથે સંકલન સાધી આ તાકનીકી ખામીઓ દૂર કરવા આદેશ આપ્યો છે. સાથોસાથ કમિશને ચેતવણી આપી છે કે જો સમયસર સુધારો કરવામાં નહીં આવે તો મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ દ્વારા નવી બેઠકોની મંજૂરી અને પ્રવેશ પ્રક્રિયા અટકાવવા સહિતના કડક પગલાં લેવામાં આવશે.

નોટિસ મેળવનાર સંસ્થાઓમાં ભુજ ઉપરાંત અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, એનએચએલ,ડૉ. એમ.કે. શાહ, એસએએલ, નડિયાદની ડૉ. એન.ડી. દેસાઈ, મહેસાણાની નૂતન અને વડોદરાની એસબીકેએસ મેડિકલ કોલેજનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, બોગસ ઓપીડી અને આઇપીડીના આંકડાઓ પર લગામ કસવા, વાસ્તવિક દર્દીઓની સંખ્યા જાણવા તેમજ મેડિકલ શિક્ષણની ગુણવત્તા અને પારદર્શિતા જાળવવાના હેતુથી આ ડિજિટલ સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવી છે.

(ઉત્સવ વૈદ્ય)