પટનાઃ દિલ્હીમાં ચાલી રહેલ વિદ્યાર્થી આંદોલનની અસર દેશભરમાં થઈ રહી છે. આની અસર બિહારમાં પણ જોવા મળી છે. પટનામાં ગઈકાલે વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ પર હુમલો પણ કર્યો હતો. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયાં હતાં. જો કે, બિહાર સરકારને એવી ખબર નહોતી કે, આ પ્રદર્શન હિંસક પણ બની શકે ચે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે પટનામાં પ્રદર્શનકારીઓએ પત્રકારોને પણ માર્યાં હતાં. જેથી હવે બિહાર સરકાર એકશનમાં આવી છે.
તમામ જિલ્લા એસપીને સતર્ક રહેવા રહેવા સૂચના
આ સ્થિતિના ધ્યાને રાખતા બિહારના મુખ્ય પ્રધાન દ્વારા રાજ્યના દરેક જિલ્લાના એસપીને એલર્ટ રહેવા માટે આદેશ આપી દીધો છે. પટના જેવી સ્થિતિ બાકી જિલ્લાઓમાં ના થાય તે માટે જિલ્લા એસપીને સતર્ક રહેવા માટે અને સ્થિતિને કાબૂમાં રાખવા માટે કહ્યું છે. પટનામાં સુરક્ષા અને શાંતિ માટે મોટી રાતે એક પોલીસે સમીક્ષા બેઠક કરી હતી તેવું સૂત્રોએ જણાવ્યું છે. આગામી સમયમાં કોઈ આવી ઘટના ના બને તે માટેની તૈયારી કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે.
પટના પોલીસે 40 જેટલા વિદ્યાર્થીની અટકાયત કરી
પટનામાં થયેલી હિંસા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પટના પોલીસે આ હિંસા માટે 40 જેટલા વિદ્યાર્થીની અટકાયત કરી છે. આ પ્રદર્શનકારીઓમાં 38 વિદ્યાર્થીઓ અને 2 વિદ્યાર્થિનીઓ સામેલ છે. આ કાર્યવાહીના કારણે વિદ્યાર્થીઓના પરિવારજનોએ પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસ પર આક્ષેપ લગાવ્યો હતો. પરિવાનો દાવો છે કે, આ વિદ્યાર્થીઓ માત્ર ઘરનો સામાન લેવા માટે બહાર ગયા હતા અને પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.
હિંસામાં પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા
રાજધાની પટનામાં જેપી ગોલંબરમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે હિંસા થઈ હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસની ગાડીઓ, નેતાઓની ગાડીઓ અને પત્રકારો સાથે પણ મારપીટ કરી હતી, આ દરમિયાન અનેક પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે, તે પછી પટના પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને 40 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી લીધી હતી. આ સાથે હવે બિહાર સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે.