અનવર વલિયાણી
આજથી ચૌદસો-સાડા ચૌદસો વર્ષ પૂર્વેનો એ યુગ હતો. દીને ઈસ્લામનો ઉદય થઈ રહ્યો હતો અને અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહો અલૈયહિ વઆલેહિ સલ્લમ પર ઈમાન લાવી, સન્માર્ગે આરબ લોકો વળી રહ્યા હતા. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો. ઈસ્લામી શરિયત (કાયદા-કાનૂન) પર ઈન્સાફ થતો તે સમયનું શેરે ખુદા અમિરૂલ મુઅમિનીન હઝરત અલી અલૈહિ સલ્લામના ઈન્સાફનું એક પ્રેરણાદાયી દૃષ્ટાંત અંતરાત્માને જાગૃત કરનારું બની રહેશે.
ઈમામે આદિલ, ઝુલ્ફીકારના સ્વામી હઝરત અલી અલૈયહિ સલ્લામની ખિલાફત (નેતૃત્વ)નો એ યુગ હતો. એક ખૂનના આરોપસર કેટલાક માણસો એક શખસને પકડી લાવ્યા અને આપની સમક્ષ રજૂ કર્યો. અર્ઝ કરવામાં આવી, કે અય અમીરૂલ મોઅમેનીન! માણસે એમુક ટેકરી પાસે એક વ્યક્તિનું ખૂન કર્યું છે.
ઈલ્મોજ્ઞાનના ભંડાર, સાદગીના શહેનશાહ હઝરત અલી અલૈયહિ સલ્લામે ફરિયાદીઓને શાંતિથી સાંભળ્યા પછી ફરમાવ્યું કે આ માણસ ખૂની છે એની તમારી પાસે શી સાબીતી છે? એના કોઈ દાર્શનિક પુરાવા હોય તો રજૂ કરો!
ફરિયાદીઓએ વિનંતી કરી, ખલીફતુલ મુસ્લેમીન! અમે ટેકરી પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક દર્દનાક ચીસ અમારા સાંભળવામાં આવી. અમે અવાજની દિશામાં દોડી ગયા. ત્યાં જઈને જોયું તો એક યુવક લોહીના ખાબોચિયામાં મૃતપ્રાય અવસ્થામાં પડયો હતો. આ માણસ લોહીવાળું ખંજર ધારણ કરીને ઊભો હતો. અમે તેને પકડી લીધો. અત્યારે પણ એના હાથમાં એ જ લોહી નીતરતું ખંજર મોજુદ છે.
આપે પેલા માણસને પૂછયું, શું આ ખરું છે કે તમે જ એ યુવાનનું ખૂન કર્યું છે?
પેલા શખસે જવાબ આપ્યો, યા અમીરૂલ મોઅમેનીન! હા, હું જ ખૂની છું. એ માણસનું ખૂન મેં જ કર્યું છે.
આપે ફરમાવ્યું કે ખૂની પોતે જ ગુનાનો એકરાર કરે છે, એટલે શરિયતના કાયદા પ્રમાણે તે સજાને પાત્ર છે.
આ સાંભળતા જ ન્યાય સ્થળે ઉપસ્થિત એક માણસે અરજ ગુજારી કે ચૂકાદો આપતાં પૂર્વે મને સાંભળવામાં આવે, આ અંગે હું પણ કંઈ કહેવા માગુ છું. એટલું કહેતા જ એ શખ્સ આગળ આવ્યો અને આપ સમક્ષ ઊભો થયો. આપે તેને ઉદ્દેશીને નિ:સંકોચ બયાન કરવા ફરમાવ્યું.
આગંતુકે અરજ ગુઝારી: યા ખલીફતુલ મુસ્લેમીન! આ વ્યક્તિ ખૂનનો આરોપ નાહકનો પોતા ઉપર લઈ રહ્યો છે. ખૂન તેણે નથી કર્યું પણ મેં કર્યું છે. અસલ હત્યારો હું પોતે છું, એ નિર્દોષ છે.
આપ હઝરતે પેલાને પૂછયું, સાચી હકીકત શું છે? તમે ગુનાનો એકરાર કરો છો, ત્યારે આ માણસ પોતે હત્યા કર્યાની કબૂલાત કરે છે. જો ખૂન તમે નથી કર્યું તો ગુનો કર્યાની કબૂલાત શા માટે તમે કરી રહ્યા છો? શું આ એકરાર કર્યા પાછળ કોઈની ધાકધમકી કે દબાણ તમારા ઉપર કરવામાં આવી રહ્યું છે? અલ્લાહને સાક્ષી રાખી ખરી હકીકત જણાવો તો ન્યાય કરવામાં સુગમતા રહે.
પેલા શખસે અરજ ગુજારતા કહ્યું, યા અમીરૂલ મોઅમેનીન! મારા માટે એવા સંજોગો ઉપસ્થિત થયા કે મારે મારા પર આરોપ લીધા સિવાય છૂટકો જ નહોતો. પરિસ્થિતિ એવી વિકટ હતી કે જો હું પોતાને નિર્દોષ પુરવાર કરવા દલીલ કરત તો કોઈપણ તે કબૂલ કરે એમ હતું નહીં. કારણ કે મારા હાથમાં લોહીથી ખરડાયેલું ખંજર હતું! સત્ય બીના તો એ છે, કે હું એક મુસાફર છું. સાંજ પડવા આવી હોવાથી હું એ ટેકરી પર રોકાઈ ગયો. મને ખૂબ ભૂખ લાગી હતી. આથી મેં એક બકરી ઝબેહ કરી-(હલાલ કરી) હું બકરી કાપવામાં મગ્ન હતો ત્યાં મેં એક કરુણ ચીસ સાંભળી.
એ ચીસ સાંભળતાં જ હું ખંજર સહિત એ જગ્યાએ પહોંચ્યો. ત્યાં જઈને જોયું તો ત્યાં એક નવજવાન લોહીથી ખરડાયેલી હાલતમાં તરફડી રહ્યો હતો. હું કાંઈ સમજું કે પૂછપરછ કરું, સારવાર કરું એ પહેલાં તે મૃત્યુ પામ્યો. હું આ પરિસ્થિતિ પર વિચાર કરી રહ્યો હતો, ત્યાં આ લોકો દોડતા આવ્યા અને મારા હાથમાં લોહીથી ખરડાયેલું ખંજર જોઈ મને હત્યારો જાણી પકડી લીધો. જોકે મેં તો માત્ર એક બકરી જ કાપી હતી. પણ કમનસીબે મને માનવહત્યારો લેખવામાં આવ્યો. જે સંજોગમાં હું પકડાયો, તેમાં મને નિર્દોષ પુરવાર કરવાનો મારી પાસે કોઈ જ માર્ગ નહોતો કે ન કોઈ પુરાવો હતો.
જેને ખૂની તરીકે પકડી રજૂ કરવામાં આવ્યો હતો તે શખસ હત્યારો નહોતો એટલું તો હવે સ્પષ્ટ થઈ ચૂકયું હતું. તો પછી હત્યા કોણે કરી? શા માટે કરી? સાચા ખૂનીને કંઈ રીતે પકડવામાં આવ્યો? આ અને એવા બીજા સવાલોના જવાબ અમીરૂલ મોઅમેનીન હઝરત તલી અલૈયહિ સલ્લામની અદાલતના ન્યાયપૂર્ણ ફેસલા ચૂકાદાથી આ લેખના આવતા અંકના બીજા ભાગમાં જાણી પ્રેરણા હાંસલ કરીશું.
* * *
સાપ્તાહિક સંદેશ
માંદગીના સમયે નિરાશ ન બનો, અલ્લાહમની મસ્લેહત (ભેદ)ને ધ્યાનમાં રાખો. તે જે કરે છે તે સારા માટે જ કરતો હોય છે. તેના પર એતબાર (શ્રદ્ધા) રાખો. આશાવાદી અલલાહ પર ભરોસો રાખનાર ત્વરિત બીમારીમાંથી સાજો થાય છે. તેના દરબારમાં દેર છે પણ અંધેર નથી. સેતાનના બહેકાવામાં આવશો નહીં. અલ્લાહનું સ્મરણ કરતા રહો.